http://gujarat-help.blogspot.com
સ્વામી આનંદ :-
હિંમતલાલ રામચન્દ્ર દવે, ‘સ્વામી આનંદ’ (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬): નિબંધકાર, કોશકાર, સામયિક સંપાદક. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ
રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ
પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ
મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. ૧૯૦૫માં
બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં
સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક ‘રાષ્ટ્રમત’ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં
મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં
શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઈન્ડિયા’માં પ્રકાશિત લેખ
માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ
પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ), બોરડી (દ.ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો
સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો
વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૧૯૬૯ના વર્ષમાં અપાયેલો પુરસ્કાર સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં
હૃદયરોગના હુમલાથી અવસાન.
તેમની વિશિષ્ટ ચરિત્રકથાઓ અને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, અલગારીપણું, સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય
છે. વ્યાપક – જીવન અનુભવ અને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, તત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, તળપદ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં
અલગ ભાત પાડે છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site