આઇ.એ.એસ. ઓફિસર


http://gujarat-help.blogspot.com/

આઇ.એ.એસ. ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર આવી ગયો છે

જેની યુવા મિત્રો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે એ સિવિલ સર્વિસીઝ પરીક્ષાની જાહેરાત યુનિયન પબ્લીક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત થઇ ગઇ છે. ૨જી જાન્યુઆરીના ‘‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’’ના અંકમાં હવે જાહેરાત થઇ ગઇ છે. સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૧૦ની પ્રિલીમનરી પરીક્ષા અંગેની મુખ્ય માહિતી દર્શાવતી જાહેરાત પ્રસિઘ્ધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જી.પી.એસ.સી.ની વર્ગ-૧ અને ૨ની પરીક્ષા પણ બહાર પડવાની સંભાવના છે. અને હવે તો આઇ.એ.એસ. અને જી.પી.એસ.સી.ની વહીવટી સેવા વર્ગ-૧ અને ૨ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ એકસરખો થયો હોવાથી યુવામિત્રોને આ બન્ને પરીક્ષાઓના ફોર્મ ભરવાની ભલામણ કરું છું. જેથી એક સરખા વૈકલ્પિક વિષયો પસંદ કરીને બન્ને પરીક્ષાની તૈયારી એકી સાથે થઇ શકશે. બીજી મહત્વની બાત એ છે કે, જો તમે સિવિલ સર્વિસીઝ માટેની વ્યવસ્થિત તૈયારી કરશો તો જી.પી.એસ.સી.માં સફળ થવાની શક્યતાઓ અનેગ ગણી વધી જાય છે. માટે આ કટારના નિયમિત વાચકોને તેઓ ફોર્મ ભરવાની લાયકાત અને જંિદગીમાં કંઇક બનવાની તમન્ના ધરાવતા હોય તો સિવિલ સર્વિસનું ફોર્મ અવશ્ય ભરવા માટેની ભલામણ છે.
આ પરીક્ષા દ્વારા તમે દેશની સર્વોપરી ગણાતી ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS), ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઈન્ડિયન રેવન્યુ સર્વિસ(I.R.S.), ઈન્ડિયન ઈન્ફર્મેશન સર્વિસ (IIS), જેવી અનેક સેવાઓમાં ગૌરવાન્વિત સ્થાન મેળવી શકો છો. એક આઇ.એ.એસ. ઓફિસર તરીકેના માન-મોભાથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. જિલ્લા કલેકટર, વિકાસ અધિકારી તરીકે તમે લોકોના કામો કરી કેટલી ચાહના મેળવી શકો છો. અમદાવાદના કાયાપલટ કરનારા કેશવ વર્માને, સુરતને ગંદાગોબરા શહેરમાંથી એશિયાનું સૌથી સ્વચ્છ બનાવનારા રાવસાહેબ એવા અનેક પ્રેરણાસ્ત્રોત આપણી સમક્ષ મોજૂદ છે. જિલ્લા કલેકટર, ડી.એસ.પી., વિદેશ સચિવ, ઈન્કમટેક્ષ કમિશનર, કસ્ટમ કલેકટર, દૂરદર્શનના સ્ટેશનના ડાયરેકટર, રેલવેના ડી.આર.એમ. એવા કેટકેટલા હોદ્દાઓ સુધી પહોંચવામાં આ પરીક્ષા તમારી મદદે આવે છે.
ઉત્તર ભારતના રાજ્યમાં યુવાનો ધો. ૧૦થી જ આઇ.એ.એસ. બનવાની તૈયારી શરૂ કરી દે છે. ગ્રેજ્યુએશન વખતે તેઓ સાથોસાથ સિવિલ સર્વિસીઝ માટે વાંચન, ચર્ચાઓ વગેરેમાં ગળાડૂબ હોય છે. જેથી સ્નાતક થયા પછી તેમને સિવિલ સર્વિસીઝમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત થાય. દિલ્હીની કેટલીક યુનિવર્સિટીઓમાં દેશભરમાંથી સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ આઈ.એ.એસ. બનવાની અભિલાષા સાથે આવે છે અને દિવસરાત તૈયારીમાં લાગ્યા હોય છે. તેઓ અહીંની હોસ્ટેલોમાં રહીને કોચીંગ મેળવીને આઈ.એ.એસ.ની તૈયારી કરતા હોય છે. અહીં તૈયારી માટેના સુંદર સ્ટડી મટીરીયલ્સ પણ મળી રહે છે અને આવી સુંદર પરીક્ષાની તૈયારી માટેનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. એથી જ દિલ્હીને આઈ.એ.એસ. ઉમેદવારોના ‘કાશી’ તરીકે ઓળખવામાં આવે છે. નવી દિલ્હી સ્થિત યુ.પી.એસ.સી.ના વડામથકે ‘ધોલપુર હાઉસ’માંથી આઇ.એ.એસ. પરીક્ષાનું સંચાલન થાય છે. આઇ.એ.એસ.ની પરીક્ષામાં સૌપ્રથમ પ્રિલીમનરી પરીક્ષા હોય છે. આ પરીક્ષા પાસ થાઓ એટલે ‘મેઇન’ પરીક્ષામાં બેસવાનું હોય છે. ત્યાર પછી ઈન્ટરવ્યૂ બાદ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ટોપર્સ ઉમેદવારને આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવી સર્વિસ મળે છે જ્યારે અન્યને રેલવે, એકાઉન્ટસ, ઓડિટ જેવી ગૌણ સેવામાં કલાસ વન અધિકારી તરીકેની જોબ મળે છે. એક સ્નાતક યુવાન આથી વઘુ શી અપેક્ષા રાખી શકે? હવે આપણે આ પરીક્ષામાં ઉપસ્થિત થવા અંગેની મહત્વની બાબતો ઉપર એક નજર નાંખી જોઇએ.
ઉમેદવારની લાયકાત
કોઇ પણ વિદ્યાશાખાનો સ્નાતક સિવિલ સર્વિસીઝનું ફોર્મ ભરી શકે છે. પ્રોફેશનલ અને ટેકનિકલ ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ સરકારમાન્ય અભ્યાસક્રમમાંથી ડિગ્રી મેળવી હોવી જોઇએ. આર્ટસ, કોમર્સ, સાયન્સ, ઈજનેરી, તબીબી તમામ સ્નાતકો સિવિલ સર્વિસીઝનું ફોર્મ ભરી શકે છે. ટકાવારીનો કોઇ બાધ નથી. જો સિવિલ સર્વિસીઝ જેવી દેશની ટોપમોસ્ટ સ્પર્ધાતમક પરીક્ષામાં ખંતથી અને પરિશ્રમથી તૈયારી કરવામાં આવે તો કશું જ અશક્ય નથી.
સિવિલ સર્વિસીઝનું ફોર્મ ભરવા માટે ૧-૮-૨૦૧૦ના રોજ ઉમેદવારની વય ૨૧થી ૩૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ એટલે કે ઉમેદવાર ૨-૮-૧૯૭૯ અને ૧-૮-૧૯૮૮ની વચ્ચેની જન્મતારીખ ધરાવતા હોવો જોઇએ. ઉપલી વયમર્યાદામાં અનુસૂટિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચના ઉમેદવારોને નિયમ પ્રમાણે છૂટછાટ આપવામાં આવે છે. ઉમેદવારો પરીક્ષાની જાહેરાતના એપેન્ડીક્ષ-૩માં દર્શાવેલ તબીબી ધોરણો મુજબ પણ ‘ફીટ’ હોવા જોઇએ.
અરજી કરવાની રીત
સિવિલ સર્વિસ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમે ‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’ મેળવીને આખી જાહેરાત વાંચી જાઓ તે ઘણું જરૂરી છે. જાહેરાત સંપૂર્ણ વાંચ્યા વિના અથવા તેની તમામ વિગતોની નોંધ લીધા વિના કરેલી અરજી કેટલીક વખત ગેરલાયક પણ ઠરી શકે છે. માટે તમે આજે જ બજારમાંથી ‘‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’’ મેળવો. જો બજારમાં ઉપલબ્ધ ન હોય તો તમારી નજીકના પુસ્તકાલયમાં તેનો અભ્યાસ કરવો. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોની કચેરી, અખંડાનંદ હોલ પાસે, ભદ્ર, અમદાવાદ ખાતેથી પણ તમે ‘‘એમ્પ્લોયમેન્ટ ન્યુઝ’’ની માહિતી મેળવી શકો છો. જો તમે આ સાપ્તાહિક ન મેળવી શકો તો નિરાશ થશો નહીં તમારા નજીકની સાયબર કાફેમાં જઇને WWW.upsc.gov.in એડ્રેસ ઉપરથી યુ.પી.એસ.સી.ની સત્તાવાર વેબસાઇટ ઉપરથી તમામ માહિતી મેળવી શકો છો. તેની પ્રિન્ટ પણ મેળવી શકો છો.
હવે બીજી મહત્વની બાબત, સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું-૨૦૧૦નું ફોર્મ ક્યાંય છપાયેલું અથવા જાહેરાતના નમૂનામાંથી ઉપયોગમાં લેવાતું નથી પરંતુ તે નિયત પોસ્ટ ઓફિસ હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી જ મળી શકે છે. આ ફોર્મ રૂા. ૨૦ની રોકડ ચૂકવણીથી તમામ જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસેથી ઉપલબ્ધ હોય છે. કદાચ યુ.પી.એસ.સી.નું ફોર્મ અને ઈન્ફર્મેશન બ્રોચર પોસ્ટ ઓફિસેથી મળે નહિ તો સંબંધિત પોસ્ટ માસ્તર અથવા પોસ્ટ માસ્તર જનરલ (ગુજરાત સર્કલ), ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧નો પત્રથી અથવા રૂબરૂ સંપર્ક કરવો. યુ.પી.એસ.સી. ઓફિસમાં ફોર્મ અંગેની ફરિયાદ માટેનું વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેલનો ટેલીફોન નંબર (૦૧૧) ૨૩૩૮૯૩૬૬ પર સંપર્ક કરવો અથવા ફેક્સ નંબર (૦૧૧) ૨૩૩૮૭૩૧૦ ઉપર ફેક્સ કરવો. ફોર્મ મેળવ્યા પછી રૂા. ૫૦ની ફી અન્ય બિડાણો સહિત તા. ૧-૨-૨૦૧૦ સુધીમાં નીચેના સરનામે મળી જાય તે રીતે ટપાલ સ્પીડપોસ્ટ અથવા કુરિયરથી મોકલી આપવાનું છે. સેક્રેટરી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ધોલાપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હી-૧૧૦૦૬૯.
ફોર્મ ભરતી વખતે તમામ વિગતો, પરીક્ષા સેન્ટરનો કોડ, વૈકલ્પિક વિષયનો કોડ નંબર વગેરે ભરવામાં ખાસ કાળજી લેવી. ફોર્મ સમયસર યુ.પી.એસ.સી.ની કચેરીમાં મળી જાય તે માટે ખાસ કાળજી લેવી. સિવિલ સર્વિસ જેવી પરીક્ષામાં માત્ર ચાર પ્રયાસની તકો (attempt) આપવામાં આવે છે. માટે અડધીપડધી તૈયારી હોય તો ફોર્મ ભરવું નહીં કારણ કે એકવાર ફોર્મ ભરી દો અને પરીક્ષામાં ગેરહાજર રહો તો પણ પ્રયાસમાં ગણાઇ જાય છે. આથી જો તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો તોમ હોય તો જ ફોર્મ ભરવું. અનુસૂચિત દરજ્જાના ઉમેદવારો માટે પ્રયાસની મર્યાદા રાખવામાં આવી નથી. જ્યારે બક્ષીપંચના ઉમેદવારો માટે મર્યાદા ૭ની છે. આઇ.એ.એ. બનવા તરફ પ્રથમ પગલું છે ફોર્મ ભરવા અંગેનું. તમે એક વખત કાળજીપૂર્વક ફોર્મ ભરી દો એટલે પહેલું કામ પૂર્ણ થાય છે. પરંતુ ફોર્મ ભરતી વેળા તમારે વૈકલ્પિક વિષયો પસંદ કરવા અંગેનો મહત્વનો નિર્ણય લેવાનો છે. પ્રિલિમનરી પરીક્ષા માટે એક વિષય પસંદ કરવાનો છે પછી એ વિષયની તૈયારી ‘મેઇન’ પરીક્ષામાં કામ લાગે તેવું આયોજન રાખવાનું છે. માટે અત્યારે તમારી વિષય પસંદગીમાં ખાસ કાળજી લેજો. સિવિલ સર્વિસીઝની તૈયારી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અમે આગામી સપ્તાહોમાં આપીશું.
આઈએએસ બનવા માંગતા ઉમેદવારો જાણી લે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી
સિવિલ સર્વિસીઝમાં ઉપસ્થિત થવા માટે તમે ત્યારે જ લાયક ગણાઓ કે જ્યારે તમને કોલ લેટર (એડમિશન લેટર) પ્રાપ્ત થાય. તે માટે ફોર્મ વ્યવસ્થિત રીતે ભરેલું હોવું જરૂરી છે. તમારા પસંદગીના વૈકલ્પિક વિષયનો કોડ નંબર, પરીક્ષા કેન્દ્રનો કોડ નંબર વગેરે લખવામાં કાળજી રાખવી. ભૂલથી ખોટો કોડ દર્શાવી દઈએ પછી તેમાં ફેરફાર અશક્ય છે. આથી જો તમારા કેન્દ્રના સ્થાને અમદાવાદની જગ્યાએ અલ્હાબાદનો કોડ દર્શાવી દો તો ફરજિયાતપણે અલ્હાબાદ જઈને પરીક્ષા આપવી પડે. જો ખોટો વૈકલ્પિક વિષય દર્શાવી દો તો તમારો પ્રયત્ન (attempt) બગડી શકે છે. આ વખતથી નેગેટીવ માર્કીંગની પ્રથા શરૂ થયેલી હોઇ ઉમેદવારોએ જવાબ લખવામાં વિશેષ કાળજી રાખવાની રહેશે.
યુ.પી.એસ.સી.એ તેની તમામ પરીક્ષા માટેનું એક જ સંયુક્ત ફોર્મ રાખ્યું છે. તેથી ફોર્મમાં જે પરીક્ષાનું કોલમ લાગુ ન પડતું હોય તો તેમાં વિગત ભરવાની રહેતી નથી. બાકી આઈ.એ.એસ. બનવાની પરીક્ષા આપવા જતાં ઉમેદવારને ફોર્મ ભરવાની વધારે શિખામણો ન અપાય. એક જ ભલામણ છે કે, ‘‘એમ્પલોયમેન્ટ ન્યૂઝ’’માં પ્રસિદ્ધ થયેલ જાહેરખબર અને યુ.પી.એસ.સી.ના ફોર્મની વિગતો સંપૂર્ણપણે વાંચ્યા પછી જ ફોર્મ ભરવાનું શરૂ કરવું. શક્ય હોય તો ફોર્મની ઝેરોક્ષ કરાવી તેમાં વિગતો ભરી લેવી. ત્યાર પછી જ ઓરિજિનલ ફોર્મમાં વિગતો ભરી નિયત સરનામે ૧-૨-૨૦૧૦ પહેલા મળી જાય એ રીતે મોકલી આપવાનું છે.
વૈકલ્પિક વિષયની પસંદગી
સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રિલિમ અને મેઈન પરીક્ષાના ઓપ્શનલ વિષયની પસંદગી સૌથી મહત્ત્વનો નિર્ણય છે. આથી વૈકલ્પિક વિષય પસંદ કરતા પહેલા સો વખત વિચાર કરવો જરૂરી છે. તમે જે વિષય પસંદ કરો એ તમારી સફળતામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. સાવ અજાણ્યો વિષય પસંદ કરવો જોખમી કામ છે. મોટાભાગે તમે જે વિષયમાં સ્નાતક થયા હો તે રાખવો હિતાવહ છે. કારણ કે તે વિષયનું પાયાનું જ્ઞાન, વાંચનસામગ્રી, પ્રોફેસરોની ઓળખાણ એ બઘું તમારી પહોંચમાં છે.
પ્રિલીમ્સ પરીક્ષાના બે તૃત્યાંશ માર્કસ અને મેઇન્સના ૬૦ ટકા માર્કસ ઓપ્શનલ વિષય અપાવે છે. મેઈન પરીક્ષામાં બે વૈકલ્પિક વિષયો પસંદ કરવાના હોય છે. તે દરેક વિષયના બબ્બે પેપર હોય છે. પ્રિલીમ્સ અને મેઈનનો એક વિષય સરખો હોય તો તૈયારીમાં સુગમતા રહી શકે છે. સાયન્સ અને વિષયને અપનાવે એ ઈચ્છનીય છે, નહીં કે આર્ટસ, સાહિત્ય, કાયદો જેવા વિષયો. બીજું એ ઘ્યાનમાં રાખવું કે, જે વિષય પસંદ કરવાનો હોય તે અંગે ‘જનરલ સ્ટડીઝ’ના પેપરમાં કેટલું કવરેજ આવે છે. ઈતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ જેવા વિષયો જનરલ સ્ટડીઝમાં પણ પૂછતા હોય છે. આથી એક જ તૈયારીમાં બે પેપરોનું કામ પતી જાય. ઈતિહાસ અને ગુજરાતી સાહિત્યનો વિષય આઈ.એ.એસ. થયેલા ગુજરાતીઓમાં ખાસ્સું આકર્ષણ ધરાવે છે. ઈન્ડિયન હિસ્ટ્રીનું પેપર દરેક શાખાના ઉમેદવારો માટે રસપ્રદ હોવાથી અને જનરલ સ્ટડીઝમાં ઈતિહાસના ઢગલાબંધ પ્રશ્નો પૂછતાં હોવાથી તે સારી પસંદગી ગણાય. આ ઉપરાંત મેઈન્સ વખતે બે પેપરો (જેવા કે કોમર્સ અને મેનેજમેન્ટ) સાથે રાખી શકતાં નથી. આથી તમારે ભાવિને ઘ્યાનમાં રાખીને પણ પ્રિલિમ્સનું આયોજન કરવાનું છે. એ વિષયમાં કેટલી વાંચન સામગ્રી તમને મળી રહેશે તેનો પણ ખ્યાલ રાખવો.
પ્રિલિમ્સની તૈયારી
પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી ફોર્મ ભર્યા પછી તુરંત કરી દેવી જોઈએ. અગાઉ જણાવ્યું છે તેમ પ્રિલિમ્સના માર્ક પરીક્ષાની મેરીટમાં ગણતરીમાં લેવામાં આવતા નથી. પરંતુ મેઈન્સમાં બેસવાની લાયકાત મેળવવા માટે ખૂબ જ અનિવાર્ય છે. આ પરીક્ષા મે-જૂન મહિનાના અરસામાં હોય છે. એટલે ઘણો ઓછો સમય તૈયારી માટે મળે તેમ છે. પરીક્ષામાં લાખ્ખોની સંખ્યામાં ઉમેદવારો બેસે છે. તેમાંથી હજાર તેજસ્વી ઉમેદવારોને અલગ તારવી લેવા માટેની આ પરીક્ષા છે. માટે જનરલ સ્ટડીઝ અને ઓપ્શનલનું તલસ્પર્શી વાંચન અને ગહન તૈયારી આવશ્યક નહીં પરંતુ અનિવાર્ય છે.
પ્રિલીમની તૈયારી માટે જરૂરી સ્ટડી મટિરીયલ્સ, પુસ્તકો, ગાઈડ વગેરેની પસંદગીમાં ખાસ કાળજી રાખવી. જેથી સમય અને નાણાંનો દુર્વ્યય ન થાય. જનરલ સ્ટડીઝની તૈયારી માટે દિલ્હીના કોઈપણ સ્ટાન્ડર્ડ પ્રકાશન ગૃહની અંગ્રેજી ગાઈડ તેમજ નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ (NCERT) ના ધો. ૧૦ થી ૧૨ના ઈતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરના પુસ્તકો મેળવવા જરૂરી છે. આ પુસ્તકો કેન્દ્રિય વિદ્યાલયના અભ્યાસક્રમમાં હોય છે. કેટલાંક સફળ ઉમેદવારો તો દિલ્હીથી NCERT ના પાઠ્ય પુસ્તકો મંગાવે છે. આ ઉપરાંત અગાઉની પ્રિલિમ પરીક્ષાઓના પેપર્સ પણ સોલ્વ કરવાથી ઘણો આત્મવિશ્વાસ મળે છે. શરૂઆતમાં ઓછા સ્કોર મળે તો નાસીપાસ થવું નહીં. જે વિષયોમાં કચાશ હોય તેનો વઘુ મહાવરો મેળવવો.
પ્રિલીમ પરીક્ષામાં વિષયના ખૂણે ખાંચરેથી પૂછાઈ શકે છે એટલે ઊંડું વાંચન જરૂરી છે. કેટલીક વખત નામો અને માહિતી યાદ રાખવા માટે ગોખવાની પણ ફરજ પડે. પરંતુ તેનો બીજો રસ્તો નથી. કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને. તૈયારી અંગે તમારા મિત્રો અને શિક્ષકો સાથે ચર્ચા પણ જરૂરી છે. તમે શરૂઆતથી જ વર્તમાન પ્રવાહોના ‘ટચ’માં રહો તે માટે ‘ગુજરાત સમાચાર’ ઉપરાંત એક અંગ્રેજી દૈનિક અને બન્ને અખબારોના તંત્રીલેખો, વર્તમાન પ્રવાહો, આર્થિક વિશ્વ્લેષણ અને રાજકીય વિશ્વ્લેષણને લગતી કટારો ખાસ વાંચવી. ટેલિવિઝન ઉપરના નકામાં મનોરંજક કાર્યક્રમો જોવાનું ટાળવું. માત્ર ન્યૂઝ એનાલિસીસ, ઈન્ટરવ્યુ વગેરે જોઈ શકાય. આખરે સમયનો જેટલો બને તેટલો ઓછો બગાડ થાય તેનું ઘ્યાન રાખવું.
માર્ગદર્શક કોણ બને ?
સિવિલ સર્વિસીઝ જેવી સૌથી અઘરી પરીક્ષા માટેતૈયારી કરતા હો ત્યારે સારા માર્ગદર્શનની અત્યંત જરૂર છે. તમારી કોલેજના પ્રોફેસર, વિષય નિષ્ણાતો, આ પરીક્ષામાં સફળ નિવડેલા ઉમેદવારો, આઈ.એ.એસ. અધિકારીઓ વગેરેને તમે અવારનવાર મલીને માર્ગદર્શન મેળવી શકો છો.
આપણે ત્યાં કોચંિગ ઈન્સ્ટીટ્યુટસ પણ છે પરંતુ સારી ફેકલ્ટી વગર ત્યાં દરરોજ જઈને સમય બગાડવા જેવું થાય. આથી કોઈપણ સંસ્થામાં ફી ભરતાં પહેલાં ત્યાંની ફેકલ્ટી અને સફળ ઉમેદવારોનું પ્રમાણ ચકાસી લેવું. મોટાભાગના સફળ ઉમેદવારો પુસ્તકોને માર્ગદર્શન બનાવીને સફળતાની સીડીઓ સડસડાટ ચઢી જાય છે. આ પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે એક બાબત સાફ જણાવી દેવી પડે કે, સફળતાનો શોર્ટકટ મળે નહીં. મેઈન સુધી પહોંચવામાં અને ત્યાં પહોંચ્યા પછી દરરોજ ૧૦ કલાક જેટલું સરાસરી વાંચન અને તૈયારી જરૂરી છે.


exam guide
source:- http://www.gujaratsamachar.com/gsa/20100113/guj/supplement/jivan_panth.html

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular