સુન્દરમ્

http://gujarat-help.blogspot.com
સુન્દરમ્:-
            ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘કોયા ભગત’, ‘સુન્દરમ્ (૨૨-૩-૧૯૦૮, ૧૩-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરુચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરુચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથેભાષાવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી, સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદઆશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી દક્ષિણાના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી ૐપુરીની નગરરચનામાં કાર્યરત.
            ગાંધીયુગીન સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં આ સર્જકમાં પ્રગટ્યો છે. એક છેડે ગાંધીવિચારના સ્પર્શે નર્યા વાસ્તવનું આલેખન તો બીજી બાજુ અરવિંદવિચારના પ્રભાવે અધ્યાત્મનું આલેખન તેમની કવિતામાં છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરચેતનાને સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દૃષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન મહત્ત્વનું છે.



No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular