શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી


શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી - વિદ્વાન અને વિચક્ષણ બુદ્ધિ ધરાવતા ધર્મપુરુષ
http://www.gurjari.net/uploaded/gallery/vishva/swami-swarupanand.jpgશંકરાચાર્ય મહારાજ કરોડો સનાતન હિન્દુધર્માવલમ્બીઓના પ્રેરણાપુંજ અને એઓની આસ્થાના જ્યોતિસ્તંભ સમાન મનાય છે.
જગદ્દગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી ઉદાર માનવતાવાદી સંત છે. પરમ વીતરાગી, નિઃસ્પૃહી અને રાષ્‍ટ્રીય ભાવનાઓથી અલંકૃત એક પરમહંસ સાધુ છે. એમના ચિત્તમાં દલિતો શોષિ‍તો માટે અસીમ કરુણા છે. ભગવાન આદિ શંકરાચાર્યો ખંડ-ખંડમાં વિખરાયેલા ભારતને એક સૂત્રમાં બાંધીને જે ઇતિહાસ રચ્યો તેના નવનવીન અધ્યાયો સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી રચી રહ્યા છે.
એમનો જન્મ ઈ. ૧૯૨૪ના સપ્‍ટેમ્બર માસની બીજી તારીખે મધ્યપ્રદેશના સિવની જિલ્લાના દિધોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા ધનપતિ ઉપાધ્યાયે તથા માતા ગિરિજાદેવીએ વિદ્વાનોના આગ્રહથી આ બાળકનું નામ પોથીરામરાખ્યું. ભવિષ્‍યમાં એ બાળક પોથી એટલે શાસ્ત્રોનું સ્વરૂપ બનશે એવી આગાહી જાણે કે આના દ્વારા થઈ હતી. નવ વર્ષની કુમળી વયે પોથીરામે ગૃ્હત્યાગ કરી ધર્મયાત્રા શરૂ કરી દીધી. તીર્થો, સંતો અને સ્થાનોની મુલાકાત લેતા તેઓ કાશી પહોંચ્યા. અહીં કરપાત્રીજી અને સ્વામી મહેશ્વરાનંદજી જેવા વિદ્વાન સંતો પાસેથી શાસ્ત્ર-પુરાણ-સ્મૃતિ-ન્યાયગ્રંથોનું અનુશીલન કર્યું.
ઈ. ૧૯૪૨માં જ્યારે ભારત છોડોનું આંદોલન દેશભરમાં વ્યાપ્‍ત બન્યું ત્યારે તેઓએ સક્રિયપણે આ ચળવળમાં ભાગ લીધો અને ૧૯ વર્ષની વયે ક્રાન્તિકારી સાધુ તરીકે વિખ્યાત થયા. આ ઝુંબેશમાં ભાગ લેવા બદલ તેમણે નવ માસ કારાવાસ પણ ભોગવ્યો હતો.
ઈ. ૧૯૫૦માં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીજી પાસેથી વિધિવત્ દંડ-સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી અને સ્વામી સ્વરૂપાનન્દ સરસ્વતી નામ ધારણ કર્યું. સ્વામી કરપાત્રીજીએ સ્થાપેલ રામરાજ્ય પરિષદના અધ્યક્ષપદે રહી રાષ્‍ટ્રમાં રાજરાજ્યની સ્થાપ્‍ના માટે પ્રયત્નો આદર્યા. ઈ. ૧૯૭૩માં જ્યોતિષપીઠની ગાદી ઉપર અભિષિક્ત થયા અને ધર્મપ્રચારમાં અમૂલ્ય યોગદાન આપવા લાગ્યા.
મહારાજશ્રીનો સંકલ્પ વિશ્વકલ્યાણનો છે. આથી બિહારમાં એમણે વિશ્વકલ્યાણ આશ્રમની સ્થાપના કરી છે. સ્વધર્માનયન અભિયાનદ્વારા લાલચમાં લપટાઈ જે આદિવાસીઓએ પરધર્મ અપનાવ્યો હતો એવા દોઢ લાખ આદિવાસીઓને સ્વધર્મમાં આણ્યા છે. પચાસ લાખ રૂપિ‍યાના ખર્ચે એઓના લાભાર્થે હૉસ્પિ‍ટલ પણ ઊભી કરવામાં આવી છે. તેઓએ આધ્યાત્મિક ઉત્થાન મંડળનામની સંસ્થા સ્થાપી ભારતની આધ્યાત્મિક ઉન્નતિ સાધવા પ્રયાસો આદર્યા છે. આ મંડળની ૧૨૦૦થી વધુ શાખાઓ ભારતભરમાં છે.
દ્વારકા શારદાપીઠના તત્કાલીન શંકરાચાર્ય બ્રહ્મલીન થતાં ઈ. ૧૯૮૨માં દ્વારકા શારદાપીઠ પર અભિષેક થયા. ઈ. ૧૯૮૫થી ત્રણ વર્ષના દુષ્‍કાળ દરમિયાન એક કરોડ રૂપિ‍યાનું ઘાસ ગુજરાત માટે મોકલ્યું હતું.
રામજન્મભૂમિના પ્રશ્ન પર એમણે ચલાવેલા આંદોલન માટે એમની ધરપકડ પણ થઈ હતી.
સંસ્કૃત વિદ્યાલયો, આશ્રમો, આયુર્વેદ ઔષધાલયો, અનુસંધાન શાળાઓ, અન્નક્ષેત્રો, ગૌશાળાઓ જેવી અનેક પ્રવૃત્તિઓ એમના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલ છે. પોતે પણ અનવરત ભ્રમણ દ્વારા ધર્મપ્રચારનું કાર્ય કરી રહ્યા છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular