http://gujarat-help.blogspot.com/
મહાગુજરાત આંદોલન
ગુજરાતની સ્થાપના પહેલાં ખેલાયેલો લાંબો જંગ અને ડાંગ, આબુ જેવા પ્રદેશો માટેની ખેંચતાણ
ભૂતકાળ બન્યાં છે. જૂનાગઢ-હૈદ્રાબાદ પાકિસ્તાનમાં જવા ઇચ્છતાં હતાં એ
બધાને ખબર છે, પણ ડાંગ મહારાષ્ટ્રને જોઇતું હતું ને આબુ ગુજરાત સાથે
જોડાયેલું હતું, એ ઇતિહાસ ભૂગોળમાં ઓગળી ગયો છે.
અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્ત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં ૧૨ વર્ષ પછી
મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના, ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડવા જેવી નથી. ફક્ત ગુજરાતીને બદલે ભારતીય બનીને
વિચારીએ તો, ગુજરાતીભાષી અને મરાઠીભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી
અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.
જૂના દ્વિભાષી રાજ્ય મુંબઇમાં મોરારજી દેસાઇએ ત્રણ ભૌગોલિક એકમ સૂચવ્યાઃ ગુજરાતી ભાષીઓનું
કચ્છ-કાઠિયાવાડ સહિતનું ગુજરાત,
મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર અને મુંબઇ શહેર.
કેટલાક ધનિકોને બાદ કરતાં, મુંબઇને ગુજરાતમાં લેવું જોઇએ એવી
વ્યાપક માગણી કે લાગણી ન હતાં. એ રીતે અલગ ગુજરાત
માટેની લડાઇ પ્રમાણમાં સ્પષ્ટ અને લાંબી દલીલબાજી વિનાની હતી, પણ મરાઠીભાષીઓની
લડાઇ વધારે અટપટી હતી. તેમને ફક્ત મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર જ નહીં, મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર
મેળવવાનું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, મુખ્ય સવાલ મહાગુજરાતનું અસ્તિત્ત્વ સ્વીકારવાનો નહીં, પણ મુંબઇ સહિતના
મહારાષ્ટ્રને માન્યતા આપવાનો હતો. તેને માન્યતા મળે તો ગુજરાત આપમેળે અલગ પડી જતું હતું. હકીકતે અલગ
ગુજરાત, અલગ મહારાષ્ટ્ર અને અલગ મુંબઇનું અસ્તિત્ત્વ સ્વીકારતો કાયદો
પણ ૧૯૫૬માં સંસદમાં પસાર થઇ ચૂક્યો હતો અને અમદાવાદમાં ગુજરાતનું પાટનગર
તથા સચિવાલય બનાવવા માટે મુંબઇથી પ્રધાનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. લોહી
રેડ્યા વિના અલગ ગુજરાત મળી ગયાનો આનંદોત્સાહ ગુજરાતમાં ફેલાયો હતો.
પછી શું થયું અને ત્યાર પહેલાં શું થયું હતું- અલગ ગુજરાતની ચળવળનાં મૂળીયાં ક્યાં હતાં અને તેમાંથી
મહાગુજરાતના આંદોલનનું વટવૃક્ષ કેવી રીતે ફાલ્યું, તેની વાત માંડતાં
પહેલાં આખા આંદોલનની કેટલીક વિશિષ્ટતાઓ અને ઐતિહાસિક વક્રતાઓ જોઇ લેવા જેવી છે.
૧) ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દપ્રયોગ સાથે
જેમનું અભિન્નપણે સંકળાઇ ચૂક્યું છે, તે કનૈયાલાલ મુનશી મહાગુજરાતના આંદોલન વખતે સામેની છાવણીમાં
રહ્યા. ૧૯૪૮માં તેમની આગેવાની હેઠળ ભરાયેલા મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું એકીકરણ
કરવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો,
પણ ૧૯૫૬માં ઉત્તર પ્રદેશના કોંગ્રેસી
રાજ્યપાલ મુનશીએ મુંબઇ પણ ગુજરાતમાં હોવું જોઇએ એવી અવ્યવહારૂ લાગણીથી દોરાઇને, છેક ૧૯૫૨માં મુંબઇ
વગરનું ગુજરાત માગતી ‘મહાગુજરાત જનતા પરિષદ’નો વિરોધ કર્યો.
૨) અમદાવાદમાં લૉ
ગાર્ડન વિસ્તારમાં આવેલું ‘ભાઇકાકા ભવન’ જેમના નામે છે તે ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) વલ્લભ વિદ્યાનગરના સ્થાપક તરીકે જાણીતા છે, પણ મહાગુજરાત
આંદોલનમાં તેમની ભૂમિકા વિશે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મહાગુજરાતના નાયક
ઈંદુલાલ યાજ્ઞિકે આત્મકથામાં લખ્યું છે કે ‘મહાગુજરાતના નવા આંદોલનની
પહેલી ઘડીથી તે છેવટે સન ૧૯૬૦માં ગુજરાતના જુદા રાજ્યની સ્થાપના થઇ ત્યાં
સુધી તે (ભાઇકાકા) મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા.’ મહાગુજરાત અને
મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં અને વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં
ભાઇકાકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી.
૩) મહાગુજરાતની
માગણીને છેક ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદે ઠરાવ દ્વારા ટેકો આપ્યો હતો.
મોરારજી દેસાઇએ ડાંગની ભાષા મરાઠી હોવાનું જાહેર કર્યું ત્યારે પણ ગુજરાત સાહિત્ય
સભાએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પ્રખર ગાયક પંડિત ઓમકારનાથે પણ
પોતાના બુલંદ અવાજે આ નિર્ણયનો વિરોધ કર્યો.
૪) અસલી લડાઇ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ગુજરાત અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મહારાષ્ટ્રની હતી. પણ કોંગ્રેસી
કેન્દ્ર સરકારે ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર એવા ત્રણ
ભાગ પાડતાં મરાઠીભાષીઓને એવું લાગ્યું કે ગુજરાતીઓને કારણે
મુંબઇને મહારાષ્ટ્રથી અલગ પાડવામાં આવ્યું છે. એટલે મરાઠીઓએ મુંબઇના ગુજરાતીઓ પર હુમલા કર્યા અને
તોફાનો દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકો ‘મહારાષ્ટ્રના શહીદ’ તરીકે ઓળખાયા.
૫) ૮ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ મહાગુજરાત માટેના દેખાવો દરમિયાન પોલીસ ગોળીબારમાં વિદ્યાર્થીઓ
માર્યા ગયા, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એ ઘટના વિશે અજાણ હતા. મહેમદાવાદ નજીક
નેનપુર ગામે રહેતા ઇન્દુલાલે લખ્યું છે કે ‘નેનપુર સ્ટેશને જઇને ગુજરાત
સમાચાર વાંચ્યું ત્યારે જ મને અમદાવાદના ભયંકર ગોળીબારની ખબર પડી.’ પણ અમદાવાદ
પહોંચીને, વિનોદ કિનારીવાલાની ખાંભી આગળ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી જાહેર સભામાં તેમણે લોકોને પ્રતિજ્ઞા
લેવડાવી કે ‘મહાગુજરાત ન સ્થપાય, ત્યાં સુધી આપણે જંપીને બેસીશું નહીં.’
૬) ગુજરાતમાં
સામ્યવાદી કે સમાજવાદી પક્ષો કદી ધબકતા હશે એવી આજે તો કલ્પના પણ ન આવે. છતાં, મહાગુજરાતના
આંદોલન વખતે કેન્દ્રમાં સરકાર ધરાવતી કોંગ્રેસ વિલનની ભૂમિકામાં
હતી, ત્યારે સામ્યવાદીઓ અને સમાજવાદીઓ સહિત તમામ રાજકીય રંગ ધરાવતા
બિનકોંગ્રેસી લોકો મહાગુજરાતની તરફેણમાં રહ્યા.
૭) મહાગુજરાત આંદોલન
વખતે કોંગ્રેસના પ્રધાન તરીકે અમદાવાદમાં રહેતા બાબુભાઇ જશભાઇ પટેલને
લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. તેમના બંગલામાં ધૂસી જઇને લોકોએ તોડફોડ
કરી હતી. આગળ જતાં બાબુભાઇ બે વાર ગુજરાતના બિનકોંગ્રેસી મુખ્ય પ્રધાન
બન્યા! એક વખત તેમના પક્ષનું નામ હતું ‘જનતા મોરચો’
અને બીજી વખત નામ હતું ‘જનતા પક્ષ’!
મહાગુજરાતના હેતુ માટે મોરારજી દેસાઇ
સામે મોરચા માંડવા ઇન્દુલાલ યાજ્ઞિક
અને બીજા નેતાઓએ ‘જનતા પરિષદ’
નામની સંસ્થા સ્થાપી. વર્ષો પછી મોરારજી દેસાઇ
બિનકોંગ્રેસી ‘જનતા પક્ષ’ના વડાપ્રધાન બન્યા!
૮) બીજા નેતાઓની સાથે જયંતિ દલાલ અને હરિહર ખંભોળજાની મહાગુજરાત આંદોલન વખતે ધરપકડ થઇ હતી. તેમને
યરવડા જેલમાં રખાયા હતા. બન્ને નેતાઓએ યરવડા જેલમાંથી ૧૯૫૭ની વિધાનસભા ચૂંટણી
માટે ઉમેદવારીપત્રક ભર્યું. ત્યાર પછી તેમને છોડી મુકવામાં આવ્યા.
ચૂંટણીમાં જયંતિ દલાલ જીત્યા અને હરિહર ખંભોળજાનો પરાજય થયો. મહાગુજરાત
પછીના રાજકીય પ્રવાહોમાં ખંભોળજા કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસી મંત્રી
બન્યા.
૯) મહાગુજરાતના
નાયકોમાં સ્થાન પામતા પ્રબોધ રાવળ આંદોલન શરૂ થયાના એકાદ વર્ષમાં જ ‘જનતા પરિષદ’થી વિમુખ થઇ ગયા
હતા. અલગ ગુજરાત મેળવવાના આશયથી રચાયેલી જનતા પરિષદ બિનરાજકીય સંસ્થા હતી. તેની સાથે સંકળાયેલા પ્રબોધ રાવળ અમદાવાદના
ભૂતપૂર્વ મેયર ચીનુભાઇ શેઠના ‘નાગરિક પક્ષ’ના સભ્ય હતા.
ચીનુભાઇ ફક્ત અલગ ગુજરાત
પર અટકવાને બદલે ત્રણ રાજ્યો- ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર-ની ફોર્મ્યુલાનું સમર્થન કરતા હતા. સ્થાનિક ચૂંટણીમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને જનતા
પરિષદને નાગરિક પક્ષના ઉમેદવારોને ટેકો કર્યો. પણ ચૂંટણી જીત્યા પછી
ચીનુભાઇ શેઠનું વલણ બદલાયું નહીં અને નાગરિક પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં
ત્રણ રાજ્યનો ઠરાવ પસાર કર્યો. તેનાથી જનતા પરિષદના હાર્દનો ભંગ થતો
હતો. એટલે પરિષદ સાથે સંકળાયેલા નાગરિક પક્ષના કેટલાક સભ્યોએ પરિષદમાંથી
રાજીનામાં આપ્યાં. ત્રણ રાજ્યોની યોજનાને ટેકો આપનાર પ્રબોધ રાવળે જનતા પરિષદમાંથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો. એ વિશે ઇન્દુલાલ યાજ્ઞિકે
નોંઘ્યું છે,‘બીજાની જેમ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો ઠરાવ
ચર્ચાયો ત્યારે તેમણે જરા ગરમ થઇને પોતાના વર્તનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે વ્યર્થ
નીવડ્યો અને પોતાની કામગીરી પૂરી થયેલી સમજીને તેમણે પરિષદના
કાર્યાલયમાં આવવાનું બંધ કર્યું.’
૧૦) મહાગુજરાતનું
આંદોલન આખા ગુજરાત માટે હતું. છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ જેવાં, અંગ્રેજોના
રાજ્યમાં અલગ રહેલાં એકમોમાં આ આંદોલનનો પ્રભાવ અને તેની અસર અત્યંત મર્યાદિત
રહ્યાં.
http://gujarat-help.blogspot.com/
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site