ઓમકારનાથ ઠાકુર - સુપ્રસિદ્ધ ભારતીય
સંગીતજ્ઞ
પંડિત ઓમકારનાથ ઠાકુરની પ્રતિભા અને પુરુષાર્થ વડે સંગીતની
દિશામાં આપણે ઊજળા છીએ.આણંદ તાલુકાના જહાજ ગામે પ્રણવોપાસક ગૌરીશંકર ઠાકુરને ત્યાં ઈ. ૧૮૯૭ના જૂનની ૨૪મીએ પંડિતજીનો જન્મ થયો. ભરૂચમાં નર્મદા તટે પિતાએ બાંધેલી મઢૂલીમાં એ ઊછર્યા. બાળપણથી જ એ સંગીત પાછળ ઘેલા હતા. ડુંગાજી નામના એક પારસી ગૃહસ્થે સંગીતાચાર્ય વિષ્ણુ દિગંબરના મુંબઈ ખાતેના ગાંધર્વ મહાવિદ્યાલયમાં ઓમકારનાથને સંગીતના અભ્યાસ માટે મૂક્યા. આયુષ્યના વીસમાં વર્ષે એમના ગુરુએ એમને લાહોરના ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નિયુક્ત કર્યા. રાતદિવસ પંડિતજીને હૈયે સંગીતના ઉદ્ધારની તમન્ના વસતી રહેતી. એમના પુરુષાર્થથી સંગીત વિષેની આદરબુદ્ધિ પ્રજામાં વધી. પોતાના ઊંચા આદરણીય સંસ્કારી વ્યક્તિત્વથી અને વાક્પ્રભાવથી તથા બુદ્ધિપ્રભાવથી એમણે સંગીતકલાનું માન અનેકશઃ વધાર્યું.
એમનો કંઠ બુલંદ છતાં કર્ણપ્રિય હતો. એમનું ગળું ઝીણામાં ઝીણો અને બુલંદમાં બુલંદ અવાજ કાઢી શકતું અને ચાર સપ્તકમાં ફરી શકતું. કોઈ પણ મોટી સભાનો દરેક સભાજન વગર મહેનતે એમને સાંભળી શકે એવો જોરદાર અને વેધક અવાજ તેઓ ધરાવતા. અવાજની કુદરતી બક્ષિસ અને વિદ્વત્તાનો અસાધારણ સંયોગ એમનામાં થયો હતો.
પંડિતજીનું ગાયકીનું પુરાણું ને મશહૂર ઘરાણું હદુખાં હસનખાંનું. તેઓ ખાસ કરીને ખ્યાલના ગાયક હતા. દોઢ બે કલાક સુધી વૈવિધ્યપૂર્ણ રીતે એક જ રાગ ગાઈને તે રાગનું હૂબહૂ સ્વરૂપ ખડું કરનાર હિન્દુસ્તાનની ગણીગાંઠી વ્યક્તિઓમાંના પંડિતજી એક હતા. ભાવવાહી સંગીત સાંભળવાની જિજ્ઞાસાવાળાને પ્રો. ખરે પંડિત ઓમકારનાથનું જ નામ બતાવતા. દિલીપકુમાર રૉયે એમનું ભાવપૂર્ણ સંગીત સાંભળી એમની પાસે અભ્યાસ કરવાની ઇંતેજારી બતાવી હતી.
સંગીતના આરંભમાં સામાન્ય રીતે પાંચસોથી હજાર શ્રોતા હોય પણ જ્યારે ભૈરવી રાગ ગવાય ત્યારે માંડ પચાસ રહે. પરંતુ પંડિતજીના જલસામાં સેંકડોની સંખ્યામાં માણસો ભૈરવી માણવા હાજર રહેતા. ‘પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે‘, ‘જોગી, મત જા, મત જા‘ કે ‘મેં નહિ માખન ખાયો‘ તેમનાં અતિપ્રસિદ્ધ ગીતો છે.‘
પંડિતજીની સાધના પણ અદ્દભૂત હતી. ખાસ રીતનું શિક્ષણ ન મળ્યા છતાં સંસ્કૃત, અર્ધમાગધી, હિન્દી, નેપાળી, અંગ્રેજી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓનો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમને પદ્મશ્રી, ડી. લિટ્., રણજિતરામ સુવર્ણચંદ્રક વગેરે બહુમાનથી નવાજવામાં આવ્યા હતા.
વિધિનું વૈચિત્ર્ય એ હતું કે જેણે છૂટે હાથે પંડિતજીના ગળામાં મધુરતા પીરસી હતી તેણે તેમનાં પાછલાં વર્ષોમાં વાચા ઉપર જ રોગનો હુમલો કર્યો ! ઈ. ૧૯૬૭ના ડિસેમ્બરની ૨૯મી તારીખે તેમનો સ્વર્ગવાસ થયો. આજે એમનો ક્ષરદેહ વિલીન થયો છે પણ ભારતીય સંગીતમાં તેમણે કરેલું અર્પણ એ મહામૂલો વારસો છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site