વિનુ માંકડ

http://gujarat-help.blogspot.com/

વિનુ માંકડ
ક્રિકેટ – ક્રીડાંગણના ભવ્ય વીર
ભારતના ક્રિકેટજગત માટે ઈ. ૧૯૭૮ના ઑગસ્ટની એકવીસમી તારીખનો દિવસ કમનસીબ હતો. તે દિવસે બપોરે સાડાત્રણના સુમારે મુંબઈમાં વિનુ માંકડનું અવસાન થયું. રમતવીરોના સંદર્ભે કાયમ ગરીબ એવું ભારત વિનુની કાયમી વિદાયથી વધુ ગરીબ બન્યું. બેઠી દડીના ને જરા સ્થૂળ લાગતા માંકડ એટલે ભારતીય બેટ્સમેનોમાં અગ્રિમોમાં એક. બૉલર તરીકે ક્રિયાની સરળતા અને આવડતનાં ઉચ્ચ કક્ષાના કલા-કૌશલનો સુભગ સમન્વય. મન અને તનનો સહકાર અને બૉલની વેધકતા થકી જગતમાં પોતાના પ્રકારના ખેલાડીઓમાં માપદંડ સમા અને નિર્ણાયક બની શકે તેવા ફિલ્ડર.
આ બધા ઉપર ઝળકે છે એમની નિઃસ્વાર્થી ખેલદિલી. માંકડને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વનાં રહ્યાં છે. આ ત્રણનું હિત સાચવવામાં, એની સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવાહ કરી નથી. જેમ વીર નર્મદે ‘તારે ખોળે છઉં‘ એમ કહી સરસ્વતીની ઉપાસનામાં જ પોતાનું જીવન આપ્‍યું તેમાં માંકડે પણ ઠીક ઠીક સમય ક્રિકેટદેવીની ઉપાસનામાં આપ્‍યો હતો. માંકડ ડાબોડી સ્પિ‍નર તરીકે અને એક ઑલરાઉન્ડર તરીકે જાણીતા હતા. ટેસ્ટમાં ૨૦૦૦ રન અને ૧૦૦ વિકેટોની સિદ્ધિ તે સમયે મેળવનારા સોબર્સ, બેનો મિલર, ગૉડાર્ડ, બેઈલી, ટોની ગ્રેગ વગેરે હતા તેમાં માંકડની પણ ગણના થતી. આમાંથી એક પણ ઑલરાઉન્ડર એવો નથી કે જેણે ટેસ્ટ-કારકિર્દી દરમિયાન બેવડી ‍સદી અને એક ટેસ્ટમાં ૧૦ વિકેટોની સિદ્ધિ મેળવી હોય. માંકડે આવી સિદ્ધિ બે વાર પ્રાપ્‍ત કરી હતી. ૨૯ થી ૪૦ વર્ષની ઉંમર વચ્ચે એમણે કુલ ૬૦ ‍(બિનસત્તાવાર ટેસ્ટો સહિત) ટેસ્ટોમાં રમી ૩૧૩૨ રન કર્યા અને ૨૧૨ વિકેટો લીધી.
તેમનું મૂળ નામ મૂળવંતરાય. પિતાનું નામ હિંમતલાલ. શાળામાં કોઈકે એમનું ‘વિનું‘ નામથી બોલાવ્યા ને એ નામ રહી ગયું. દુનિયા તો તેમને વી (વિનુ) એમ (મૂળવંતરાય) માંકડના નામે જ ઓળખતી. ઈ. ૧૯૧૭ના એપ્રિલની બારમી તારીખે સામાન્ય નાગર પરિવારમાં જામનગર ખાતે એમનો જન્મ. એ જગતમાં સામાન્ય કુટુંબમાં જન્મી ક્રિકેટર બનવું એ આકાશકુસુમવત્ હતું. સદભાગ્યે જામનગરમાં રાજવીઓમાં ક્રિકેટ માટે અનેરો રસ હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું નસીબ પલટાયું. દુલીપસિંહજીએ ઇંગ્લેન્ડના એક ઑલરાઉન્ડને માંકડના કોચ તરીકે બોલાવ્યો. વિનુની ક્રિકેટ-તાલીમ શરૂ થઈ. ઈ. ૧૯૩૫માં ૧૮ વર્ષે પશ્ચિમ રાજ્યોની ક્રિકેટ ટીમને વિજય અપાવ્યો પરંતુ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ રમવાનો અવસર ઈ. ૧૯૪૬માં જ્યારે વિનુની વય ૨૯ વર્ષની હતી ત્યારે આવ્યો.
માંકડની પોતાની પહેલી ટેસ્ટ ઈ. ૧૯૪૬ના જૂનની બાવીસમીએ ઇંગ્‍લેન્ડમાં લૉર્ડઝ ખાતે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યા અને લગભગ બાર વર્ષ (તા. ૧૧-૧૨-૧૯૫૯) સુધીની યશસ્વી ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ થયો. માંકડની નિવૃત્તિ સુધીમાં ભારત ૫૭ ટેસ્ટો રમ્યું જેમાંથી માત્ર પાંચમાં તે વિજયી બન્યું. એ વિજય યશભાગી હોય તો તે વિનુ માંકડ છે.
તેમની નિવૃત્તિ પછીનાં ૨૦ વર્ષોમાં ક્રિકેટના તંત્રમાં તેમને યોગ્ય અધિકારીપદે નહિ સ્થાપી શકનાર ભારતીય ક્રિકેટ, એક બાજુ તેમની સેવાઓ બદલ કૃતધ્ની બન્યું તો બીજી તો બીજી બાજુ એ અમૂલ્ય સેવાથી વંચિત રહી પોતે જ પાંગળું બન્યું. જેમ સોબર્સ બૉલર તરીકે ‘થ્રી ઈન વન‘ કહેવાતા એમ માંકડ ક્રિકેટર તરીકે ‘થ્રી ઇન વન‘ કહી શકાય. તે જમણેરી નિર્બન્ધ બેટ્સમેન, અજોડ ડાબેરી સ્પિ‍નર અને મૂલ્યવાન ફિલ્ડર હતા. સ્પષ્‍ટ ર્દષ્ટિ અને દડાને ત્વરાથી પારખવાની કુનેહ ઉપરાંત ઝડપી બૉલિંગ સામે અનિવાર્ય એવાં હિંમત અને આત્મવિશ્વાસ એક બેટ્સમેન તરીકે તેમની પાસે અખૂટ હતાં.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular