પન્‍નાલાલ ઘોષ

http://gujarat-help.blogspot.com/

પન્‍નાલાલ ઘોષ

http://www.gurjari.net/uploaded/gallery/vishva/pannalal-ghosh.jpgબાંસુરીના સંગીતસ્વામી
પન્‍નાલાલ ઘોષનો નામોચ્ચાર થાય એટલે મનઃચક્ષુ સામે બાંસુરીવાદક પન્‍નાલાલ ઘોષ ખડા થાય. પન્‍નાલાલ અને બાંસુરીનું એટલું ઘનિષ્‍ઠ એકત્વ સધાયું હતું કે એકનો ઉચ્ચાર કરવાથી બીજાની અભિજ્ઞા થઈ જતી. આજે પણ એ જ પરિસ્થિતિ છે.
તેમનો જન્મ જુલાઈ ૧૯૧૧માં હાલના બાંગ્લા દેશના બારિસાલ જિલ્લામાં થયો હતો. બાલ્યા-વસ્થાથી જ તેમને સંગીત પ્રત્યે લગની. દાદા, પિતા, કાકા તથા મોસાળપક્ષમાં પણ અનેક ગાવા- બજાવવાવાળા હતા તેથી પન્‍નાલાલને વારસામાં જ સાંગીતિક વાતાવરણ મળ્યું. નાનપણથી જ સ્વાસ્થ્ય સારું હોવાથી તેઓ સારા મુક્કાબાજ (બૉકસર) હતા. નવ વર્ષની વયે સ્વયંસ્ફુરણાએ, આપબુદ્ધિથી સંગીત શીખવાની તેમણે શરૂઆત કરી. બાંસુરી-સંગીતની પોતાની સાધના એટલી હદ સુધી વિકસાવી કે ‘ન્યૂ થિયેટર્સ‘ની વિખ્યાત ચિત્રપટસંસ્થામાં મેટ્રિકની પરીક્ષા આપ્‍યા વિના પાર્શ્વસંગીત માટેના વાદ્યવૃંદમાં જોડાઈ ગયા. દોઢેક વર્ષ ત્યાં સંગીતનું કામ સંભાળતા ખુશી મહંમદ પાસે સંગીત શીખવાની પદ્ધતિસરની શરૂઆત કરી. બંગાળના પ્રખ્યાત કલાકાર ગિરજાશંકર ચક્રવર્તી તથા ભારતના મહાન વાદક અલાઉદ્દીનખાં મૈહરવાલા પાસેથી તેમણે સંગીતનું ઊંડું જ્ઞાન મેળવ્યે રાખ્યું. સાંજે છ વાગે રિયાજ શરૂ કરે તે રાતના અગિયાર વાગ્યે પૂરી કરે. રાતના અગિયારથી એક સુધી ઈશ્વરનું ધ્યાન ધરે અને પછી વાળુ કરી અઢી વાગ્યે સૂએ. એમના પત્ની પારુલ પણ સંગીતક્ષેત્રે નામાંકિત હતાં. નાના ભાઈ નિખિલ ઘોષ અચ્છા તબલાવાદક હતા.
ઈ. ૧૯૩૬ના અરસામાં તેઓ આકાશવાણીના કલકત્તા વિભાગના સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા. તેમના અગ્રણી શિષ્‍યોમાં દેવેન્દ્ર મુર્દેશ્વર, ભાઈલાલ બારોટ, રાસબિહારી દેસાઈ, હરિપદ ચૌધરી, વી.જી. કર્નાર્ડ તથા ગૌર ગોસ્વામી મુખ્ય છે. બંસીવાદનમાં તેમણે અનેક સુધારાઓ અને અવનવી રીતિઓ દાખલ કર્યાં. વાંસળીના સમુદ્ધરણનું તેમનું જીવનકાર્ય રહ્યું હતું. ગાંધીજી પણ પન્‍નાલાલના બંસીવાદનથી મુગ્ધ થયા હતા. પોતાની બીમારી દરમિયાન બંસીવાદન માટે ગાંધીજીએ માત્ર દસ મિનિટ આપી હતી પરંતુ મધુર સ્વરાવલિ સાંભળી ‘હજુ બજાવો‘ એમ કહી ૪૫ મિનિટ બાંસુરીવાદન માણ્યું અને પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર આપ્‍યું. ‘બંસી બહુત મધુર બજાઈ.‘��દ્વારકાના દ્વારકાધીશનાં દર્શન કરતાં કોઈએ તેમને નરસિંહ મહેતાએ કેદારો રાગ ગીરે મૂકવાની વાત કરી અને પન્‍નાલાલનું હ્રદય એટલું ભાવવિભોર બન્યું કે તમામ ભાન ભૂલી છ કલાક સુધી બંસી પર કેદારો રાગ છેડવા માંડ્યો.
સાચા સૂરવાળી વાંસળી બનાવવા માટે તેઓ જાતે કાળજી લેતા. શાસ્ત્રીય સંગીતનાં અંગોની રજૂઆત તેમણે વાંસળીમાં જ કરવા માંડી, ખયાલ, ઠુંમરી, ખટક, મુરકી, મીંડ, ઝાલા વગેરે રાગો ઉતારી વાંસળીમાં આ બધું વાગી શકે છે તે તેમણે સાબિત કર્યું. પોતાની શ્વાસનળીમાં ચાંદી હોય, હાથની આંગળીઓ પર સોજા હોય છતાં તેઓ પોતાની સાધના ચાલુ રાખતા.
સ્વભાવે નિખાલસ, નિરભિમાન, નમ્ર, સહેજ બેઠી દડીના પણ સશકત બાંધાના ઘોષબાબુ સામાન્ય માનવી લાગે પરંતુ બાંસુરીવાદન કરતાં કરતાં સ્વરસમાધિમાં લીન થયેલા ઘોષબાબુને જેમણે જોયા હશે તેઓ તેમની આ અવસ્થા કદી ભૂલી શકશે નહિ. નાનપણથી જ એમને ધર્મમાં પ્રબળ આસ્થા હતી. તે રામકૃષ્‍ણ મિશનમાં નિયમિત જતા. તેઓ કહેતા : ‘પૂર્ણતા એટલે પ્રભુપ્રા‍પ્તિ. તેથી હું પણ વાંસળીમાં પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરું છું. ઠાકુર (ઈશ્વર)ની જરીસરખી પણ જ્યોત જો જોવા મળી જાય તો જીવન સફળ બને અને એ જ મારું જીવનધ્યેય છે.‘ઈ. ૧૯૬૦ના એપ્રિલ માસની વીસમી તારીખે બાબુ પન્‍નાલાલ સંગીતની મહાજ્યોતમાં વિલીન થઈ ગયા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular