ઉમાશંકર જોશી

http://gujarat-help.blogspot.com

ઉમાશંકર જોશી :-
ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ (૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઈન્ટર આર્ટસ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ૧૯૩૮માં બી.એ. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં સંસ્કૃતિમાસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાનીવિશ્વભારતીના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ.

            ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને નિશીથકાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.

            સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો સંશોધનો આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.



No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular