લોકનાટક : ભવાઇ

http://gujarat-help.blogspot.com/
લોકનાટક : ભવાઇ
http://www.gurjari.net/uploaded/gallery/gujarat-vish-ghanu-badhu/bhavai.jpgભવાઇ ગુજરાતના પારંપરિક નાટયપ્રકારોમાંનો એક છે. ભવાઇની શરૂઆત સિદ્ઘપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે.
અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્‍યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્‍ચેના સંવાદોને જોડતો, હસાવતો અને કટાક્ષ કરતો હોય છે.
મોટા ભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એકસાથે ચાચર (શેરી કે ખુલ્‍લી જગ્‍યા) માં આવે છે : નાયક, નાયિકા અને મશ્‍કરો. મશ્‍કરો જુદા જુદા વેશમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. ‘કાનગોપી’ ના વેશમાં સુખાજી, ‘ઝંડા ઝૂલણ’ માં અડવો અને ‘જસમા-ઓડણ’માં રંગલો વગેરે.
ભવાઇના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની અસર દેખાય છે. ‘ઝંડા ઝૂલણ’માં તરવરાટવાળી તેજી વાણિયણનાં લગ્‍ન એક વૃદ્ઘ સાથે થાય છે, તે ઊંઝાના યુવાન મુસ્લિમ સૂબાના પ્રેમમાં પડે છે. આ ઉપરાંત� ‘મિયાંબીબી’, ‘મણિયાર’,‘જૂઠણ’ અને ‘છેલબટાઉ’ જેવા વેશોમાં પણ મુસ્લિમોની અસર છે.
નાનાં હિદું રજવાડાંના ઠાકોરો વિશેના વેશોમાં ‘રાજા દેઘણ’, ‘વીકો સિસોદિયો’, ‘રાજદેવ’, ‘મણીબા સતી’ વગેરે મુખ્‍ય છે. ધાર્મિક વેશોમાં ‘કાન-ગોપી’, ‘કાળકા’, ‘પતાઇ રાવળ’, ‘ગણપતિ’ વગેરે મુખ્‍ય છે. કંસારો, સરાણિયો, અડવો, વાળંદ વગેરે કોમોની ખાસિયતો, ધંધો, બોલી, રીતરિવાજો અને સામાજિક દૂષણો ઉઘાડા પાડતા વેશો ‘કજોડાનો વેશ’ , ‘બાવાનો વેશ’ વગેરે છે. મોટા રાજવીને લગતા વેશોમાં ‘સઘરા જેસંગ’ અને ‘જસમા-ઓડણ’ જાણીતા છે.
સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્‍ન વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતાં. આ ભવૈયાઓને સામાજિક દરજ્જો ઊંચો હતો. તેઓ જયારે ગામમાં પ્રવેશતાં ત્‍યારે લોકો ઢોલ-નગારાં સાથે તેમનું સામૈયું કરતા. ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી. આમ, ભવાઇ લોકજીવનના તાણા-વાણા સાથે વણાઇ ગઇ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુકતપણે વિહરતી હતી. શાસ્‍ત્રકારોએ ભવાઇને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular