મદનલાલ ધીંગરા

http://gujarat-help.blogspot.com
મદનલાલ ધીંગરા - ઇંગ્લેન્ડમાં હોમાયેલો હિંદનો બલિ
http://www.gurjari.net/uploaded/gallery/vishva/madanlal-dhingara.jpgઈ. ૧૯૦૫માં થયેલા બંગભંગથી પ્રજ્વલિત ક્રાન્તિજ્વાલા છેક ઇંગ્લેન્ડ પહોંચેલી ઇંગ્લેન્ડમાં ચળવળનાં મંડાણ કરવાનું માન ગુજરાતના તેજસ્વી રત્ન શ્યામજી કૃષ્‍ણ વર્માને ફાળે જાય છે. ઇંગ્લેન્ડ આવતા વિદ્યાર્થીઓની સુવિધા માટે લંડનમાં ઇંડિયા હાઉસની સ્થાપના થઈ. અંગ્રેજી સત્તાને હચમચાવી નાખે તેવી ક્રાન્તિકારી ચળવળનું મુખ્ય કેન્દ્ર આ ઇંડિયા હાઉસ જ હતું.
ઈ. ૧૯૦૬માં વિનાયક દામોદર સાવરકર તથા લાલા હરદયાલ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ આવ્યા. તેઓએ શ્યામજી કૃષ્‍ણ વર્માને પૂરો સાથ આપ્‍યો. આ બંને વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે લંડન આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ ત્યાગી માતૃભૂમિ ખાતર ક્રાન્તિકારી બનાવ્યા. ઇંગ્લેન્ડ-આયર્લેન્ડના વિપ્‍લવવાદીઓનું અને રશિયાના નિહિલિસ્ટોનું પણ મુખ્ય મથક હતું. હિંદના ક્રાન્તિકારીઓએ નિહિલિસ્ટો પાસેથી બૉંબવિદ્યા શીખી હતી.
ઈ. ૧૯૦૮માં ઈ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામની અર્ધશતાબ્દી ખૂબ શાનદાર રીતે ઊજવાઈ. આખું લંડન ધમધમી ઊઠેલું. પત્રિકાઓ વહેંચાઈ. ઉગ્ર ભાષણો થયાં. અનેક સ્ત્રી-પુરુષોએ કડક વ્રત લીધાં. દરમિયાનમાં બંગભંગના અનુસંધાનમાં ભારતવાસીઓ પર જે જુલ્મો થયા તેના સમાચાર લંડન આવવા લાગ્યા. આ સમાચારે ઇંગ્લેન્ડના ક્રાન્તિકારીઓનો અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. એ અસંતોષને વેગ આપવામાં ભારતથી લંડન આઈ. સી.એસ. થવા આવેલા પંજાબી યુવાન મદનલાલ ધીંગરાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.
મદનલાલનો જન્મ પંજાબમાં ઈ. ૧૮૮૫માં થયો હતો. કુટુંબ શ્રીમંત હતું. ઈ. ૧૯૦૬માં એક સ્ટીમરમાં મજૂરીનું કામ સ્વીકારી આઈ. સી. એસ. થવા તે ઇંગ્લેન્ડ આવવા નીકળ્યો. તેની ઉંમર ત્યારે ર૧ વર્ષની. તે પરણેલો હતો અને એક પુત્રનો પિતા હતો. ઇંગ્લેન્ડ આવતાં વેંત જ સાવરકરે સ્થાપેલા અભિનવ ભારતનો તે સભ્ય બન્યો. મદનલાલના ભભકાદાર પોશાક અને લહેરી સ્વભાવ પાછળ રહેલું દેશભક્તિભર્યું હ્રદય સાવરકરે પિછાન્યું.
લંડનની ઇંડિયા ઑફિસમાં સર કર્ઝન વાઈલી મુખ્ય સલાહકાર હતા. ભારતમાં વરસતી જુલ્મની ઝડીઓ વાઈલીને ઈશારે વરસતી. આથી ક્રાન્તિકારી જુવાનોએ વાઈલીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું. મદનલાલને તે કામ સોંપાયું. વાઈલી અને મદનલાલને સારા સંબંધો હતા. બીજે જ દિવસે વાઈલીએ મદનલાલને એક સમારંભમાં હાજર રહેવા આમંત્રણ મોકલ્યું. ખિસ્સામાં છ બારની પિસ્તોલ લઈ મદનલાલ પાર્ટીમાં ગયો. વાઈલીને એક બાજુ લઈ જઈ ગોળીએ વીંધી નાખ્યો. વાઈલી તત્કાળ મૃત્યુ પામ્યો. નાશી જવાનો જરા પણ પ્રયત્ન ન કરતાં મદનલાલ હસતાં હસતાં પકડાઈ ગયો. બ્રિટનમાં હાહાકાર મચી ગયો. મદનલાલના પિતાએ મદનલાલ સાથેના સંબંધ તોડી નાખ્યો. મદનલાલ પરહેજ થયો. તેને કોર્ટમાં લાવવામાં આવ્યો. મદનલાલે કોઈ વકીલ રાખ્યો નહોતો. ન્યાયાધીશે કશું કહેવું હોય તો કહેવા કહ્યું ત્યારે મદનલાલ બોલ્યો, ‘અમારા દેશ પર બળાત્કારે રાજ્ય કરવાનો ઇંગ્લેન્ડને હક નથી. અમારા દેશમાં ચાલુ રહેલા બળાત્કારના બદલામાં મેં આ કૃત્ય કર્યું છે. દેશભક્તિથી પ્રેરિત થઈ મેં આ ખૂન કર્યું છે.તેને ફાંસીની સજા કરવામાં આવી.
ઈ. ૧૯૦૯ના ઑગસ્ટની ૧૬મીના તેને ફાંસી આપી. પોતાની અંતિમ ઇચ્છા તરીકે મદનલાલે સાવરકરને કહેલું, ‘મારા દેહની ઉત્તરક્રિયા હિન્દુ ધર્મ પ્રમાણે કરજો. મારા શબને કોઈ પણ અ-હિન્દુ સ્પર્શ ન કરે. દહનક્રિયા વખતે બ્રાહ્મણે મંત્રોચ્ચાર સાથે અગ્નિ દેવો.
આ બનાવ પછી બ્રિટિશ સરકારે ઇન્ડિયા હાઉસ પર કરડી નજર રાખી. છેવટે તે બંધ કરવું પડ્યું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular