શ્યામાપ્રસાદ મુખરજી

http://gujarat-help.blogspot.com

શ્યામાપ્રસાદ મુખરજી - સ્પષ્‍ટભાષી, સતર્ક અને બહુશ્રુત વિદ્વાન
http://www.gurjari.net/uploaded/gallery/vishva/shyam-prasad-mukharji.jpgકોઈક ધ્યેય ખાતર પ્રાણત્યાગ કરવો એથી વધુ મોટું સૌભાગ્ય માનવજીવન માટે બીજું એકે નથી. શ્યામાપ્રસાદ મુખરજીને એ સૌભાગ્ય સાંપડ્યું. હિંદ સાથે જોડાયેલા અને હિંદના જન-ધનથી સંરક્ષાયેલા કાશ્મીર રાજ્ય એમના જેવા હિંદીને અટકાયતમાં રાખ્યા ‍અને એમાં જ એમનું અવસાન થયું એ જેવીતેવી બાબત નથી.
શ્યામાપ્રસાદ મુખરજી મહાન પિતાના મહાન પુત્ર હતા. પિતા સર આશુતોષ મુખરજી આધુનિક બંગાળના નિર્માતાઓમાંના એક હતા. આવા ર્દઢનિશ્ચયી અને કર્તવ્યનિષ્‍ઠ પિતાને ત્યાં ઈ. ૧૯૦૧માં કલકત્તા મુકામે બીજા પુત્ર તરીકે શ્યામબાબુનો જન્મ થયેલો. ઈ. ૧૯૧૪માં મેટ્રિક પાસ કરી ઈ. ૧૯૨૪માં એમ. એ.માં તે ઉત્તીર્ણ થયા. યુનિવર્સિટીના ફેલો નિમાયા પછી બી. એલ. ની ઉપાધિ મેળવી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ઊપડ્યા. ઇંગ્લેન્ડમાં સાથોસાથ એસ. એસ. ડી.ની પણ ઉપાધિ મેળવી.
ઈ. ૧૯૧૪માં સેડલર કમિશનના સભ્ય તરીકે પિતાને ભારત-પ્રવાસે નીકળવાનું થયું. તેમણે શ્યામબાબુને સાથે લીધા. પ્રવાસ દરમિયાન આશુબાબુ પુત્રને દેશના મુખ્ય પ્રશ્નો સમજાવતાં અને જુદાં જુદાં ક્ષેત્રોના મહાપુરુષોનો પરિચય કરાવતા. આમાંયે પિતાપુત્રે મુંબઈમાં લોકમાન્ય ટિળકની મુલાકાત લીધી ત્યારથી શ્યામબાબુના મન પર લોકમાન્ય વિષે જે ર્દઢ છાપ પડી તે છેવટ સુધી કાયમ ટકી.
શ્યામાપ્રસાદે વકીલાત શરૂ કરી દીધેલી. કલક્ત્તા યુનિવર્સિટીએ એમને સાહિત્યની અને કાયદાની ડૉક્ટરેટની ઉપાધિ અર્પણ કરી હતી. દરમિયાનમાં પિતાનું અવસાન થયું. આથી જે યુનિવર્સિટીનું સંચાલન આશુબાબુ સંભાળતા તે કલક્ત્તા યુનિવર્સિટીનું સંચાલન શ્યામપ્રસાદ માટે અનિવાર્ય બન્યું. ઈ. ૧૯૨૯માં બંગાળ ધારાસભામાં ચૂંટાઈ હિંદુ કોમની વાચા બની કોમવાદી હોવાનો આક્ષેપ વહોરી લીધો. ઈ. ૧૯૩૭માં મુસ્લિમ લીગની સરકાર બંગાળમાં સત્તા પર આવી શ્યામબાબુને ઉપકુલપતિપદ છોડવું પડ્યું. બંગાળમાં અનેક સ્થળોએ હુલ્લડો થયાં અને હિંદુઓ પર અત્યાચાર ગુજરવા માંડ્યો. હિંદુ કોમનું નેતૃત્વ પોતાના હાથમાં હોવાનો દાવો કરતી હિંદુ મહાસભામાં શ્યામાપ્રસાદ જોડાયા. ઈ. ૧૯૪૧માં બંગાળની મિશ્ર કેબિનેટમાં ભાગીદારી નોંધાવી. ઈ. ૧૯૪૨માં મિદનાપુર જિલ્લામાં ફરી વળેલા ભયંકર પૂર વખતે જનસેવા બજાવી. તે જ વર્ષે આવેલ સ્ટેફર્ડ ક્રિપ્‍સ મિશનનો વિરોધ કર્યો. ઈ. ૧૯૪૫માં આઝાદ હિંદ ફોજના નેતાઓને મુક્ત કરાવવા ઝુંબેશ ચલાવી. સ્વતંત્ર ભારતના સાચા બંધારણ માટે આગ્રહ સેવ્યો. આવી અનેક સ્મરણીય કામગીરી શ્યામાપ્રસાદે બજાવી.
સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં ગાંધીજી અને સરદાર પટેલના આગ્રહથી જોડાયા પણ મતભેદ પડતાં ઈ. ૧૯૫૦ના એપ્રિલમાં છૂટા થયા. તેમણે જનસંઘનામે જુદો પક્ષ રચ્યો. કાશ્મીર સરકાર સાથે શ્યામબાબુને ઘર્ષણમાં આવવું પડ્યું. એક હિંદી તરીકે તેઓ હિંદ સાથે જોડાયેલા કાશ્મીરમાં પ્રવેશવાનો પોતાનો મૂળભૂત અધિકાર હોવાનુ; માનતા. એ અધિકારીની સ્થાપના અર્થે કાશ્મીરમાં પ્રવેશતાં ઈ. ૧૯૫૩ના મે માસની ૧૧મીએ તેની ધરપકડ થઈ અને તે જ વર્ષની ૨૩મી જૂને થયેલા અંતકાળ પર્યંત તે અટકાયતમાં જ રહ્યા.
તેઓ સંકુચિત કોમવાદી નહોતા. પોતાની શક્તિ અને મતિ અનુસાર તેઓ માતૃભૂમિની સેવા કરી ગયા. પ્રભાવશાળી વ્યક્તિત્વ, પ્રચંડ કાર્યશક્તિ અને અસામાન્ય બુદ્ધિકૌશલ્ય વડે તેમણે વિરોધીઓ પાસેથી પણ પ્રશંસા મેળવી હતી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular