લાલબહાદુર શાસ્ત્રી

http://gujarat-help.blogspot.com/

જય જવાનજય કિસાનનું સૂત્ર આપનાર લાલબહાદુર શાસ્ત્રી : જન્મ જયંતિ

લાલબહાદુર શારદાપ્રસાદ શાસ્ત્રીનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલ સરાઈમાં ઈ. ૧૯૦૪ના ઑક્ટોબરની બીજી તારીખે થયો હતો. નાની ઉંમરે પિતાનું મૃત્યુ થતાં શાસ્ત્રીજી મોસાળમાં ઊછર્યા હતા. અભ્યાસ શરૂ કર્યો એટલામાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને અસહકારની લડતમાં જોડાવા હાકલ કરી. લાલબહાદુરે એ ઝીલી લીધી. જેલ પણ ભોગવી. પછી કાશી-વિદ્યાપીઠમાં તત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક થઈ શાસ્ત્રીની ઉપાધિ મેળવી. ત્યારથી તેઓ શાસ્ત્રી તરીકે ઓળખાય છે. બાકી એમની ખરી અટક તો છે શ્રીવાસ્તવ.
અભ્યાસ પૂરો કરી એ તરત જ સક્રિય રાજકારણમાં પડ્યા. અલ્લાહાબાદને પોતાની જીવનપ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. મ્યુનિસિપલ બોર્ડના અને ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના એ સભ્ય રહેલા. અલ્લાહાબાદ જિલ્લા કૉંગ્રેસના મંત્રી તેમજ પ્રમુખ રહ્યા હતા. ઈ. ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભામાં એમણે પ્રવેશ કર્યો. કૉંગ્રેસની ઈ. ૧૯૨૧ થી ઈ. ૧૯૪૨ સુધીની તમામ લડતોમાં તેમણે સક્રિય ભાગ લઈ કુલ નવ વર્ષ કારાગારમાં ગાળ્યાં હતાં.
ઈ. ૧૯૫૨માં નવી સંસદમાં તે આવ્યા અને રેલવે વાહનવ્યવહાર વિભાગના પ્રધાન નિમાયા. ૧૫૦થી વધુ માણસો જેમાં માર્યા ગયા એવો અરિયાપુરનો રેલવે અકસ્માત સર્જાયો ત્યારે નૈતિક જવાબદારી પોતાને શિરે ઓઢી લઈ રાજીનામું આપ્‍યું હતું. શરૂઆતથી જ એમને જવાહરલાલ નહેરુપુરુષોત્તમદાસ ટંડનપંડિત ગોવિંદવલ્લભા પંત જેવા નેતાઓ સાથે કામ કરવાની તક મળી હતી. વ્યક્તિગત ત્યાગના અનેક ઉદાહરણો તેમના જીવનમાંથી સાંપડે છે.
જવાહરલાલના અવસાન પછી ઈ. ૧૯૬૪માં તે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પણ નિષ્‍કામ કર્મયોગી માફક કામ કરતા રહ્યા હતા. ઈ. ૧૯૬૫માં પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. ભારતીય સેનાએ વીરતાપૂર્વક એ આક્રમણને નિષ્‍ફળ બનાવ્યું. ભારતીય લશ્કર લાહોરના દરવાજા સુધી પહોંચ્યું અને ખેમકરણમાં પણ અંદરના ભાગમાં પેસ્યું. આ સમયે દૂબળા-પાતળા અને નીચા કદના પ્રધાનમંત્રીની યોગ્યતાની વિશ્વને જાણ થઈ. પરંતુ ભારત કોઈના પ્રદેશ પર કબજો જમાવવા ઇચ્છતું નહોતું તેથી રશિયાની મધ્યસ્થી સ્વીકારીયુદ્ધબંધી કરી જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પરત કર્યો.
ઇઉ ૧૯૬૫ના ઑગસ્ટ-સપ્‍ટેમ્બરનું આ ઘટનાચક્ર બહુ નાટકીય હતું સંયુક્ત રાષ્‍ટ્રસંઘના કહેવાથી ભારતે સપ્‍ટેમ્બરની અધવચ્ચે યુદ્ધવિરામ સ્વીકાર્યો પરંતુ પાકિસ્તાને તો સપ્‍ટેમ્બરના છેલ્લા સપ્‍તાહમાં યુદ્ધવિરામ કર્યો. પાકિસ્તાન પરના આ વિજયથી શાસ્ત્રીજીએ દેશને એકસૂત્રે બાંધ્યો એટલું જ નહિ પણ લોકોને ઉત્સાહપ્રેરિત પણ કર્યા. તેમણે જય જવાનજય કિસાન‘ જેવું અદ્દભુત સૂત્ર પણ આપ્‍યું.
ઈ. ૧૯૬૬ના જાન્યુઆરીના પ્રથમ સપ્‍તાહમાં રશિયાના વડાપ્રધાન કોસિગિનની મધ્યસ્થી સ્વીકારી ભારત-પાકિસ્તાન વચ્ચે સંધિ-કરારો થયા. પરંતુ એ જ રાત્રે ૧૧ વાગે હ્રદયરોગને લીધે તાશ્કંદમાં જ તેમનું અવસાન થયું. સમગ્ર રાષ્‍ટ્ર શોકસાગરમાં ડૂબ્યું. શાસ્ત્રીજીનો પ્રધાનમંત્રીપદનો ગાળો અનેક મુશ્કેલીઓથી ભર્યો હતો પરંતુ એક નિષ્‍કામ કર્મયોગીની માફક તેમણે ફરજ બજાવે રાખી. શાસ્ત્રીજી એટલે કર્તવ્યનિષ્‍ઠાનું પૂર્ણ પ્રતીક. વિનમ્ર તો એવા કે અદના નોકરને પણ પ્‍લીઝ‘ કે થેંક્યુ‘ કહેતા રહે. સમજાવટમાં માનનારા હોવા છતાં પોતાના વિચારોમાં ર્દઢ રહી શકતા હતા. સદા સંનિષ્‍ઠ કર્મયોગી બની સતત કાર્યરત રહ્યા હતા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular