http://gujarat-help.blogspot.com/
બાબર

‘બાબર‘ ઉપનામ ધરાવતા તૈમુર લંગ અને ચંગીઝખાનના આ વારસદારનું મૂળ નામ હતું જહીરુદીન મુહમ્મદ. બાબરનો અર્થ થાય સિંહ. બાબરનો જન્મ ફરઘાનાના બાદશાહ ઉંમર શેખને ત્યાં ૧૪૮૩ની ૧૪મી ફે્બ્રુઆરીએ થયો હતો.
બાબર જ્યારે સમરકંદની ગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર કેવળ ૧૧ વર્ષની હતી. રાજ્યના અમીરો અને સરદારોએ તેને છોકરો સમજી ગાદી પરથી પદભ્રષ્ટ કર્યો પરંતુ દાદીની સહાયથી તેણે ગાદી પુનઃ પ્રાપ્ત કરી અને કાબુલ કબજે કર્યું.
દિલ્હીનો શેહનશાહ ઈબ્રાહીમ લોદી પોતાના અફઘાન ઉમરાવોમાં ઘણો અપ્રિય થઈ પડ્યો હતો. ઉમરાવોએ બાબરને દિલ્હી પર આક્રમણ કરવા ઈજન આપ્યું. આ તકનો લાભ લઈ ઈ. ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં બાબરે લોદીને હરાવી દિલ્હી પર કબજો જમાવ્યો. ઈબ્રાહીમ લોદીનું સૈન્ય એક લાખ સૈનિકોનું હતું જ્યારે બાબરના સૈન્યમાં કેવળ ૧૨,૦૦૦ યોદ્ધાઓ. પરંતુ યુદ્ધકાળમાં નવી લાગે તેવી તોપોનો બાબરે આ યુદ્ધમાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો અને લોદીના સૈન્યના ૧૫,૦૦૦ સૈનિકોની કતલ કરી યુદ્ધમાં વિજયી નીવડ્યો. આ વિજય બાદ શેષ આયુ બાબરે રાજ્યને સુસંગઠિત અને સુર્દઢ કરવામાં ગાળ્યું. મહેસૂલ-પદ્ધતિ નક્કી કરી અને તત્કાલીન રાજધાની આગ્રાને સુધારી.
બાબર ધૈર્યવાન, દીર્ઘદર્શી અને સામર્થ્યશાળી હતો. રખડુ જાતિના તાર્તાર લોકોનાં તરવરાટ અને ઝિંદાદિલીમાં તેણે ઈરાનની સંસ્કૃતિ અને સ્થિરતાની આપૂર્તિ કરી, સાહિત્ય, સંગીત અને અનેક લલિતકલાઓનો તે રસિક ભોક્તા હતો. ઈરાની ભાષાનો તે સિદ્ધ કવિ હતો. માતૃભાષા તુર્કીનો એક અચ્છો ગદ્ય-પદ્ય લેખક હતો. મૂળ તુર્કી ભાષામાં તેણે લખેલી આત્મકથા ‘બાબરનામા‘ સાહિત્ય ર્દષ્ટિએ ગણનાપાત્ર છે.
બાબર ૪૮ વર્ષનો હતો ત્યારે તેનો પુત્ર હુમાયુ એકાએક બીમાર પડ્યો. પિતાએ ખુદાને બંદગી ગુજારી કે ‘મારા પુત્રને બદલે મારું બલિદાન લઈ લે.‘ ખરેખર એમ જ બન્યું. હુમાયુ સાજો થયો અને ૧૫૩૦ની ૨૬મી ડિસેમ્બરે આગ્રા ખાતે બાબરનું અવસાન થયું.
પોતાના પૂર્વજોની વીરતાનો વારસદાર બાબર પૂર્વજો માફક ક્રૂર કે બર્બર ન હતો.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site