રાજા રામમોહનરાય



રાજા રામમોહનરાય

http://www.gurjari.net/uploaded/gallery/vishva/raja-rammohan-rai.jpgભારતના સામાજિક નવસર્જનના પિતા
અર્વાચીન સુધારાની જે જે પ્રગતિ આજના સમાજમાં ર્દષ્ટિગોચર થાય છે તેના પાયાનું ચણતર કરનાર રાજા રામમોહનરાયનો જન્મ ઈ. ૧૭૭૨ના મે માસની ૨૨મી તારીખે બરદ્વાન જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. પિતા રમાકાંત શુદ્ધ સનાતની હતા. માતા તારિણી પણ અતિશય ધાર્મિક હતાં. રામમોહન નાનપણથી જ બુદ્ધિશાળી હતા. આથી તે કાળના વિદ્યાધામ ગણાતા પાટણમાં તેમને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા. અહીં તેમણે ફારસી તથા અરબી ભાષામાં સારી પ્રવીણતા મેળવી. બનારસમાં કોઈ પંડિતને ત્યાં રહી તેમણે સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું. અભ્યાસ પાછળ બે ત્રણ વરસ ગાળી તે ઘેર પાછા આવ્યા ત્યારે તેમના વિચારોમાં ઘણું જ પરિવર્તન થઈ ગયું હતું. હિંદુ ધર્મની જડ અંધશ્રદ્ધા તેમનામાંથી ઊડી ગઈ હતી. પિતાએ પુત્રને ધાર્મિક બનવાને બદલે અધાર્મિક બનેલો જોયો. બંને વચ્ચે વાદવિવાદ થયા અને પરિણામે રામમોહનને ઘરમાંથી રુખસદ મળી.
એ વખતે સામાજિક પુનઃરચના માટે દેશમાં ત્રણ સંસ્કૃતિ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હતું. હિંદુમુસ્લિમ અને ખ્રિસ્તી. રામમોહનરાયે આ ત્રણે સંસ્કૃતિનાં તત્વોને પચાવ્યાં અને આજના ભારતની પ્રગતિનાં પગરણ તથા પ્રસ્થાન મંડાયાં.
ગૃહત્યાગ કર્યા પછી તેઓ તિબેટ પહોંચ્યા. અહીં બૌદ્ધોના ધર્મગુરુ લામા ઉપર તેમણે ટીકા કરી આથી બૌદ્ધોનો ક્રોધ તેમના પર ઊતર્યો. તેમનું ખૂન થવાની તૈયારી હતી તેવામાં રામમોહનને નાસ જવાની સગવડ મળી. ઈ. ૧૭૯૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપીનીમાં કારકુનની નોકરી સ્વીકારી. હવે તેમને અંગ્રેજીના અભ્યાસનો શોખ લાગ્યો. અંગ્રેજી મૂળાક્ષરોથી કરી મહાન લેખકોની કૃતિઓનો તેમણે અભ્યાસ કર્યો. ઈ. ૧૮૧૧માં પિતાની બધી મિલકત રામમોહનને મળી. ઈ. ૧૮૧૪માં સરકારી નોકરી છોડી નીડર ધર્મવિચારોનો પ્રચાર કરવા માટે આત્મીય સભા‘ સ્થાપી. ત્યારબાદ બ્રાહ્મોનિકલ મેગેઝિન અને યુનિટેરિયન છાપખાનું શરૂ કર્યાં.
જુદા જુદા ધર્મપુસ્તકોનો અભ્યાસ કરતાં તેમની માન્યતા એકેશ્વરવાદમાં ર્દઢ થઈ. ઈ. ૧૮૨૮માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. ઉપનિષદો તથા વેદાંતનાં પુસ્તકોના અંગ્રેજી ભાષાંતરો તેમણે પ્રસિદ્ધ કર્યાં. લોકસુધારણા માટે અંગ્રેજી શિક્ષણની આવશ્યકતા જોનારા રામમોહનરાય પહેલા હતા. આમ તેમણે અંગ્રેજી કેળવણીનાં દ્વાર ખોલ્યાં. તેમણે વાવેલાં કેળવણીનાં બીજમાંથી જ રાષ્‍ટ્રીયતા અને સ્વદેશીનો જન્મ થયો.
રામમોહનરાયે સતી થવાના ચાલનો સજ્જડ વિરોધ કર્યો. એવામાં દિલ્લીના બાદશાહને કંપની સાથે તકરાર થતાં બ્રિટિશ પાર્લમેન્ટમાં પોતાના હક્કોનું પ્રતિપાદન કરવા રામમોહનને રાજાનો ખિતાબ આપી ઈ. ૧૮૩૦માં વિલાયત મોકલ્યા. મ્લેચ્છોના દેશમાં જનાર એ હિંદુનો સર્વત્ર તિરસ્કાર થઈ રહ્યો. બ્રાહ્મણોએ અનેક શાપ આપ્‍યા પણ લંડનમાં આ હિંદુ પંડિતને જોવા ને સાંભળવા લોકોની ઠઠ જામી.
લંડનનો આ શ્રમ જીવલેણ નીવડ્યો. ઈ. ૧૮૩૩ના સપ્‍ટેમ્બર માસની ૨૭મી તારીખે બ્રિસ્ટલમાં આ નરરત્નનું અવસાન થયું. ઇંગ્લેન્ડમાં ભિન્ન ભિન્ન દેવળોમાં એમને માટે પ્રાર્થના કરવામાં આવી. વર્તમાનપત્રોએ દુઃખદર્શક લેખો પ્રસિદ્ધ કર્યાં.
એમની અંતિમ ઇચ્છા હતી, ‘જો મારું મરણ થાય તો મારા મરણસંસ્કાર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ન કરતાંસ્વતંત્ર સ્થાનમાં મારો અંતિમ વિધિ કરવો.‘ તેમના મિત્ર દ્વારકાનાથ ઠાકુરે વિલાયત જઈ તે પ્રમાણે શબને ભૂમિદાહ કરી તેના ઉપર એક સુંદર સમાધિમંદિર બનાવડાવ્યું.


No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular