મોતીભાઈ અમીન

http://gujarat-help.blogspot.com

મોતીભાઈ અમીન - ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ

http://www.gurjari.net/uploaded/gallery/vishva/motibhai-amin.jpgમને ચાહતા હો તો મારા કામનો ચાહજો.
મૂક કર્મયોગી મોતીભાઈ અમીને વડોદરા રાજ્યના પુસ્તકાલય ખાતામાંથી નિવૃત્તિ લીધી ત્યારે ઉપર પ્રમાણે સંદેશો આપ્‍યો હતો.
ઈ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા. પિતા નરસિંહભાઈ. નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું. પરંતુ મોતીભાઈએ કુમારા-વસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો. ઈ. ૧૮૮૮માં વાચન, મનન અને ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ વિદ્યાર્થી સમાજનામે સ્થાપ્‍યો હતો. ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઈએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, ર્દઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં.
વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ વિદ્યાર્થી સમાજ પુસ્તકાલયની શરૂઆત કરી. પરંતુ આવી પ્રવૃત્તિઓને કારણે તેમને અભ્યાસ અંગે ખૂબ શોષવું પડ્યું. જેમતેમ કરી કૉલેજમાં ગયા. ત્યાં પણ ધી થર્ટીફાઇવનામે પાંત્રીસ છાત્રોનો સંઘ સ્થાપ્‍યો. કૉલેજકાળ દરમિયાન એમણે પરમાર્થનાં અને સુધારાનાં કાર્યો કરવા માંડ્યાં. ઈ. ૧૯૦૦માં તેઓ બી.એ. થયા. માંહયલો ઝંખતો હતો શિક્ષક થવા. સારી નોકરી છોડી તે શિક્ષક થયા. શિક્ષણ દ્વારા ઊગતી પેઢીને સંસ્કારસિંચન કરી ઉછેરવી હતી. ઈ. ૧૯૦૨થી એમણે શિક્ષકની કારકિર્દીનો પ્રારંભ કર્યો. શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં એઓ રસ લેવા લાગ્યા. ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમણે કામગીરી આરંભી દીધી. હોળીના તહેવારની બીભત્સ ઉજવણી બંધ કરાવી. પાટણમાં આવેલ રેલસંકટમાં સપડાયેલાંઓ માટે રાહત ઊભી કરી. પેટલાદમાં પેટલાદ બૉર્ડિંગ હાઉસશરૂ કર્યું અને મિત્ર મંડળ પુસ્તકાલયોની પ્રવૃત્તિ વિકસાવી.
વડોદરા નરેશ સયાજીરાવે પોતાના રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિને સંગીન બનાવવા માગતા હતા. આથી અમેરિકાના પુસ્તકાલય પ્રવૃત્તિના એક નિષ્‍ણાતને વડોદરા લાવ્યા અને મોતીભાઈને એમના મદદનીશ બનાવ્યા. મોતીભાઈની સૂઝ-સમજથી બે વર્ષમાં જ વડોદરા રાજ્યમાં લભભગ ૪૦૦ પુસ્તકાલયો શરૂ થઈ ગયાં. મોતીભાઈ આમ સાચી રીતે જ પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા બન્યા. હિંદ પુસ્તકાલય પરિષદે ઈ. ૧૯૩૨માં એમને ગ્રન્થપાલ-ઉદ્યમ પિતામહનું બિરુદ આપ્‍યું હતું. સમાસમારંભો, ભાષણો, ઉદ્દઘાટનો અને પ્રમુખસ્થાનેથી સદા દૂર રહી મોતીભાઈએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઈ પણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દૃષ્‍ટાંતરૂપ છે. પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડજેવી પ્રથમ સહકારી સંસ્થાની શરૂઆત પણ એમણે જ કરેલી. પુસ્તકાલયમાસિક પણ એમને જ આભારી છે. ગુજરાતની પ્રજામાં શિષ્‍ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું.
કેળવણીક્ષેત્રે બાલમંદિરથી માંડીને ઉચ્ચ કેળવણીના ક્ષેત્ર સુધી એમણે આત્મા રેડ્યો હતો. ગુજરાતની સૌપ્રથમ મોન્ટીસૉરી શાળા શરૂ કરવાનું શ્રેય મોતીભાઈને ફાળે જાય છે. ઈ. ૧૯૧૬માં ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ન ભોગવવી પડે માટે ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળીની સ્થાપના કરી. શિક્ષણને વ્યવસાય તરીકે અપનાવતા શિક્ષકો માટે મોતીભાઈનું શિક્ષક-જીવન પ્રેરણાસ્ત્રોત બની શકે તેવું છે. એ જમાનાના રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના સહાયાર્થ તેમણે પગરખાંની પરબશરૂ કરી હતી.
સ્વદેશીના તેઓ ચુસ્ત આગ્રહી હતા. જીવનભર તેમણે સ્વદેશી પોશાક જ પહેર્યો. ધ્યેયશુદ્ધિ અને નિશ્ચયબળ એમની પ્રત્યેક પ્રવૃત્તિને સફળ બનાવતાં. ઈ. ૧૯૩૫માં નિવૃ્ત્ત થયા પછી પણ એમણે પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નહોતો.
આવા અઠંગ કર્મયોગી મોતીભાઈનો દેહવિલય ઈ. ૧૯૩૯ના ફેબ્રુઆરીની પહેલી તારીખે અમદાવાદમાં કેન્સરની બીમારીથી થયો ત્યારે એક તપસ્વી શિક્ષક અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular