પિકાસો

http://gujarat-help.blogspot.com

પિકાસો - વીસમી સદીનો મહાન ચિત્રકાર

http://www.gurjari.net/uploaded/gallery/vishva/picaso.jpgઈ. ૧૮૮૨ના ઑકટોબરની પચીસમી તારીખે સ્પેનના મેલાગા નામના એક નાના ગામમાં પાબ્લો પિકાસોનો જન્મ થયો હતો. પિતા જોસે રૂઈઝ બ્લાસ્કો સ્થાનિક કલાશાળામાં ચિત્રશિક્ષક હતો એટલે ચિત્રકલાના સંસ્કાર તેને જન્મથી જ મળ્યા હતા. જન્મથી જ પિકાસો વિલક્ષણ બુદ્ધિ ધરાવતો. તેની માતા તેને આ શક્તિને ઓળખી શકી હતી તેથી તે કહેતી, ‘તું પાદરી થઈશ તો પોપ બનશે અને સિપાઈ થઈશ તો લશ્કરનો સેનાપતિ બનશે.ચૌદ-પંદર વર્ષની વયે પિકાસો એવાં તો ચિત્રો કરવા લાગ્યો કે પિતાએ પુત્રને પીંછી સોંપી નિવૃત્તિ લીધી. પછાત અને ગરીબ ગણાતા સ્પેનમાં ફાવટ નહિ આવતાં તેણે ફ્રાન્સને પોતાનું વતન બનાવ્યું.
તે અત્યંત પ્રતિભાવાન બુદ્ધિશાળી હતો. તેણે ફ્રાન્સની ઉચ્ચ સંસ્કારિતા મેળવી હતી. શરીરે તે ઠીંગણો અને શામળો હતો. એની ઊંડી, ઘેરી, લગભગ સ્થિર તીક્ષ્‍ણ નજરવાળી આંખો બહુ પ્રસિદ્ધ છે. આંખોમાંથી તેની પ્રતિભાનાં કિરણો ફેલાતાં. વિચિત્ર હાવભાવ, સ્ત્રી જેવા નાજુક હાથ, લાંબા વાળનાં અસ્તવ્યસ્ત જટિયાં, બુદ્ધિસૂચક ખાડાવાળું ચળકતું કપાળ અને મજૂર જેવો પોશાક પિકાસોનાં આ બધાં બહારનાં લક્ષણો ઘણી પ્રસિદ્ધિ પામેલાં છે. તેની શક્તિ અખૂટ હતી. મૃત્યુના છેલ્લા વર્ષમાં એણે ૨૦૦ જેટલાં ચિત્રો કર્યાં હતાં. એના જીવનમાં સાત સ્ત્રીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેણે છેલ્લું લગ્ન ૭૯ વર્ષની વયે ૩૫ વર્ષની જેકેલિન સાથે કર્યું હતું. પિકાસોના જીવનનાં આ પ્રિય પાત્રો એનાં અનેક ચિત્રોના વિષય બન્યાં છે. પાત્રના ઉપરના દેખાવ ને અંગ-ભાવના સીધા નિરૂપણને બદલે એણે પ્રત્યેક પાત્રનાં આંતરિક સ્વભાવ કે સ્વરૂપ રજૂ કર્યાં છે.
પિકાસોનો પ્રારંભનો સર્જનકાળ બ્લ્યૂ પિરિયડતરીકે ઓળખાય છે. એ ગાળાનાં એનાં ચિત્રોમાં ઉષ્‍માભરી માનવતા, દ્રવિત હ્રદય, ગમગીની, નિરાશા વગેરે વ્યક્ત થયાં છે. ચિત્રો વિખ્યાત થવા લાગ્યાં. કમાણી વધવા લાગી પછી તેના જીવનનો પિન્ક પિરિયડ‘ (ગુલાબી ગાળો) આવ્યો. પછી નિગ્રો કલાસ્વરૂપોના પ્રયોગો રૂપે તેણે મેઈડ્સ ઑફ આવિર્ન્યાબનાવ્યું. તે ખૂબ વખણાયું. ગાર્નિકાપણ એટલી જ પ્રસિદ્ધિ પામ્યું. હવે તેણે હિંમતપૂર્વક નવો માર્ગ અપનાવ્યો. ચિત્રનાં આકારો, સ્વરૂપો, ભૌમિતિક આકૃતિઓ જેવા તથા સ્કેચ જેવા લિસોટા અને ઘાબાંવાળી પદ્ધતિ એણે અજમાવી. ત્યાર પછી તેણે ક્યુબિઝમનામની ચિત્રકળા પ્રદર્શિત કરી. પછી પેપર કૉલીઅને કોલાજનામની નવી પદ્ધતિ શરૂ કરી. ચિત્રની ચાલી આવતી સુંદરતા સામે ઉઠાવેલું એ પગલું એક બંડ હતું. સર રીઆલીઝમને અનુસરીને પણ પિકાસોએ કેટલાંક ચિત્રો કર્યાં હતાં. પિકાસોનું જીવન અને કાર્ય દુનિયાના મૉડર્ન આર્ટના ઉપાસકોને આધુનિક કલાનો માર્ગ કેવો હોવો જોઈએ તેનું માર્ગદર્શન આપે છે.
પિકાસો એક પ્રતિભાશાળી વ્યક્તિ હોઈ ચિત્ર ઉપરાંત એચિંગ, એક્વાટિન્ટ, લિથોગ્રાફ, લિનોકટ, ગ્રન્થચિત્રો, માટીનાં વાસણો અને શિલ્પ વગેરે જેવાં કલાનાં અન્ય પાસાંમાં પણ એ દીપી નીકળ્યો હતો. પ્રિન્ટ સર્જકોમાં પિકાસો મહાકાય છે. કહેવાય છે કે રેમ્બ્રાં પછી સાધનોના પોતાના ગુણોનો સૌથી વધુ ઉપયોગ કરીને કલાભિવ્યક્તિ કરનારા માત્ર બે જ કલાકારો પાક્યા છે : એક ગોયા અને બીજો પિકાસો. પિકાસોનાં ચિત્રોમાં સુંદરતાના નિયમો કરતાં માનવ-તત્વને વધુ અગત્ય આપવામાં આવ્યું છે.
ઈ. ૧૯૭૩ના એપ્રિલ માસની આઠમી તારીખે એની પીંછી કાયમને માટે કામ કરતી બંધ થઈ.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular