http://gujarat-help.blogspot.com/
ગોપાલકૃષ્ણ ગોખલે

‘ભારતવર્ષનો આ હીરો, મહારાષ્ટ્રનું આ રત્ન, આ આધુનિક દીર્ઘોદ્યોગી ભગીરથ અત્યારે ચિતા પર અંતિમ શાંતિ ભોગવતો સૂતો છે. એની તરફ ર્દષ્ટિ કરો, એના ચારિત્ર્ય તરફ નજર નાખો. કોઈક દિવસ આપણે ગોખલે જેવા થઈશું એવી મહત્વાકાંક્ષા મનમાં રાખો.‘આ શબ્દો છે બાળગંગાધર ટિળકના. દિવસ છે ઈ. ૧૯૧૫ના ફેબ્રુઆરીની આગણીસમી તારીખનો. સ્થાન છે પુણેનું સ્મશાન. ભારતસેવક ગોખલેના અંતિમ સંસ્કાર વખતે એકત્ર જનમેદનીને ટિળકે ત્યારે આ રીતે સંબોધી હતી.
એ ગોપાળકૃષ્ણ ગોખલેએ પોતાની મૃત્યુ-શૈય્યા પાસે ભેગાં થયેલાંઓને કહ્યું હતું, ‘મારી પાછળ પૂતળાં ઊભાં ન કરશો. મારું જીવનચરિત્ર લખવામાં વખત ન ગુમાવશો. તમે જો સાચા ભારતસેવક હો તો ભારતની સેવામાં તમારાં જીવન રેડજો. ભારત સેવક સમાજને મજબૂત બનાવીને શોભાવજો. એ જ મારું સ્મારક થશે.‘પિતા કૃષ્ણરાવ અને માતા સત્યભામાના આ પુત્રનો જન્મ ઈ. ૧૮૬૬ના મે માસની નવમી તારીખે થયો હતો. પિતાની સત્યપ્રિયતા અને માતાની સત્વશીલતાનું અજબ મિશ્રણ ગોખલેમાં જોવા મળતું. ગોપાળનાં લગ્ન ચૌદમે વર્ષે થયાં હતાં. પિતા તો ગોપાળ તેર વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. અનેક મુશ્કેલીઓ વેઠીને ગોપાળ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. પછી તેઓ ટિળક-આગરેકરની ન્યૂ ઇંગ્લીશ સ્કૂલમાં જોડાયા. આદર્શ શિક્ષક તરીકે ગોખલેને કીર્તિ મળી નથી. કૉલેજશિક્ષણ દરમિયાન ‘બ્રિટિશ અમલ નીચેનું ભારત‘ એ વિષય પર કોલ્હાપુરમાં એમનું જાહેર પ્રવચન ઈ. ૧૮૮૬માં ગોઠવાયેલું. વ્યાખ્યાનની ભાષા હતી અંગ્રેજી ! ગોખલે કદી મરાઠીમાં ભાષણ કરતા નહિ. તેઓ હંમેશાં અંગ્રેજીમાં જ બોલતા. ઈ. ૧૮૮૭માં ગોખલેના જાણીતા ‘અંકગણિત‘ની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ.
ન્યાયમૂર્તિ રાનડેના ગોખલે પરમ શિષ્ય હતા. રાનડેએ સ્થાપેલી ‘સાર્વજનિક સભા‘ના મુખપત્રના ગોખલે તંત્રી હતા. ૨૩ વર્ષની વયે ગોખલે ‘સાર્વજનિક સભા‘ના તંત્રીપદે સ્થપાયા. રાષ્ટ્રીય મહાસભા (કૉંગ્રેસ)ના પણ તેઓ સભ્ય હતા. ઈ. ૧૮૯૭માં બ્રિટિશ સરકારે નીમેલા વેસ્લી કમિશન આગળ જુબાની આપવા કેટલાક નેતાઓ સાથે ગોખલે ઇંગ્લેન્ડ ગયા હતા. કમિશન સમક્ષ કોઈ પણ જાતના ક્ષોભ વગર બધા પ્રશ્નોના જવાબ ગોખલેએ નિર્ભયતાથી આપ્યા હતા. અહીં હતા ત્યારે પૂનામાં પ્લેટ ફાટી નીકળ્યો. ત્યારે અંગ્રેજ અમલદારોએ બેહલ જુલ્મ કર્યો છે એવો અહેવાલ લંડનના ‘મેંચેસ્ટર ગાર્ડિયન‘માં એમણે આપ્યો. પણ પત્રતંત્રીએ પુરાવા માગતાં ચોક્કસ પુરાવા ન સાંપડ્યા તેથી ગોખલેએ જાહેર માફી માગી હતી. આ પ્રસંગથી ગોખલેનું કોમ હૈયું ચિમળાયું હતું.
ઈ. ૧૮૯૯માં ગોખલે મુંબઈ ઈલાકાની ધારાસભામાં ચૂંટાયા. ઈ. ૧૯૦૨માં તેઓ વડી ધારાસભામાં ચૂંટાયા. ઈ. ૧૯૦૫ની સવારે સૂર્યોદય થયો હતો ત્યારે ‘ભારત સેવક સમાજ‘ની કૉનશિલા ગોખલેના મિત્ર શિવરામ હરિસાહેબે બેસાડી. સમાજના પહેલા પ્રમુખ ગોખલે હતા. કૉંગ્રેસમાં મવાળો અને જહાલો વચ્ચે જામેલા યુદ્ધોથી ગોખલે વ્યથિત થયા હતા. ઈ. ૧૯૧૨માં તે આફ્રિકા ગયા ત્યારે ગાંધીજીનો પરિચય થયો. ઈ. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા. તેમના માનમાં ગોખલેએ એક મિજબાની આપી. ગોખલેની ઓરડી પાસે જ પંગત બેઠી. બીમાર ગોખલે એટલા ક્ષીણ થયા હતા કે એમનાથી ઉઠાતું પણ નહોતું છતાં તે બહાર આવ્યા. એકાએક એમને મૂર્છા આવી તબિયત પળે પળે વણસવા લાગી. ઈ. ૧૯૧૫ના ફેબ્રુઆરીની ૧૭મીની રાત્રે તબિયત વધુ બગડી. ઓગણીસમીએ તેમની જીવનજ્યોત મંદ પડવા લાગી. આખરે તે બોલ્યા, ‘હરિભાઈ, રજા લઉં છું.‘ સમય હતો રાતના દસ ને વીસ મિનિટનો.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site