http://gujarat-help.blogspot.com/
લોકમાન્ય ટિળક

‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. હું તે મેળવીને જ જંપીશ‘ એવું ભાન હિન્દની સુપ્ત જનતામાં જાગૃત કરીને, તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી બ્રિટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રિમ ફાળો આપનાર લોકમાન્ય બાળગંગાધર ટિળકનું નામ હિંદી સ્વાતંત્ર્ય-વીરોની નામાવલિમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલું છે. એ દિવસોમાં ભારતમાં અંગ્રેજી શાસનનો યૌવનકાળ હતો. દેશની આઝાદી વિષે કોઈ વાત જાહેરમાં કરવી એ રાજદ્રોહ સમાન હતું. પરંતુ ટિળક ડર્યા નહિ અને જીવનભર દેશની આઝાદી માટે પ્રયત્નશીલ રહ્યા. જનતામાં આત્મસન્માનની ભાવના જાગૃત કરવા માટે તેમણે ‘ગણેશોત્સવ‘ અને ‘શિવાજી જ્યંતી‘ના ઉત્સવો ચાલુ કરાવ્યા.
તેમનો જન્મ ઈ. ૧૮૫૬ની ૨૩મી જુલાઈએ રત્નાગિરિમાં થયો હતો. બાળપણથી જ તે તેજસ્વી મેધા ધરાવતા હોવાથી પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની અતિ યશસ્વી કારકિર્દી ગાળી તે બી. એ., એલએલ. બી. થયા. પરંતુ વકીલાત ન કરતાં દેશસેવાની પ્રતિજ્ઞા લઈ પ્રાથમિક શાળામાં અધ્યાપક થયા. એક વર્ષ પછી ચિપળૂણકર, આગરકર તથા તેમણે મળીને મરાઠીમાં ‘કેસરી‘ તથા અંગ્રેજીમાં ‘મરાઠા‘ પત્રો શરૂ કર્યાં. ઈ. ૧૮૯૦માં બંને પત્રોના એ એકલા સંચાલક બન્યા અને અવિશ્રાંત પરિશ્રમ તથા પ્રતિભાવંત લેખિની વડે પ્રજાના દુઃખોને વાચા આપી. તેમણે આણેલી જાગૃતિથી તે સરકારની આંખમાં કાંકરાની જેમ ખૂંચવા લાગ્યા. આથી ઈ. ૧૮૯૭માં લેફટેનન્ટ રેંડ તથા આયર્સ્ટન નામના બે બ્રિટિશ લશ્કરીઓનાં ખૂન થયાં ત્યારે તે ખૂન પાછળ ટિળકનાં લખાણો જ કારણોભૂત હોવાનું જણાવી સરકારે તેમને ૧૮ માસની સખ્ત મજૂરીની જેલસજા કરી.
શરૂઆતથી જ કૉંગ્રેસમાં જોડાઈ, પોતાની ઉગ્ર વિચારસરણીથી સ્વાભાવિક રીતે ઉદ્દામ પક્ષના નેતા બન્યા. કલકત્તા કૉંગ્રેસ વખતે પોતાના કાર્યક્રમની ચતુઃસૂત્રી (સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ) પ્રજા આગળ મૂકી. આ ચતુઃસૂત્રીથી પ્રેરાઈ ઈ. ૧૯૦૭માં ક્રાન્તિકારી યુવકોએ બંગાળામાં તથા બીજે બૉંમ્બપ્રવૃત્તિ આદરી. તેનું મૂળ લોકમાન્યને ગણી તેમની ધરપકડ કરી છ વર્ષ માટે બ્રહ્મદેશમાં માંડલેમાં દેશનિકાલ કરવામાં આવ્યા. મૂળ તો એ સંસ્કૃત, તત્વજ્ઞાન અને ગણિતના પ્રતિભાવાન વિદ્વાન હોવાથી જેલવાસનો સમય ‘ગીતારહસ્ય‘ નામના અમૂલ્ય ગ્રંથની રચના પાછળ ગાળ્યો.
જેલમાંથી છૂટીને ‘પુનશ્ચ હરિ : ૐ ‘ કરી બેવડા જોરથી પ્રવૃત્તિ ઉપાડી અને ઈ. ૧૯૧૪માં હોમરૂલ લીગ સ્થાપી. દેશને માટે જેટલું સ્વાતંત્ર્ય મળે તેટલું લેતા જવું ને વધુ માટે ઝગડતા જવું એવી પ્રતિયોગી સહકારિતાવાદી નીતિ વડે તથા તેમના તેજસ્વી રાજકારણને લીધે તે દેશના એકમેવ નેતા થયા. રાજકારણના નાવનું સુકાન સંભાળતાં સંભાળતાં પ્રજામાં સાંસ્કૃતિક અસ્મિતા પ્રકટાવવાનું તથા લોકસંગ્રહનું બીજું પણ અમૂલ્ય કાર્ય એમણે કર્યું છે. વેદોના કાળનો નિર્ણય કરતો ‘ઓરાયન‘ નામનો ગ્રંથ, આર્યોના મૂળ સ્થાનનું સંશોધન કરતો ‘ધી આર્કટિક હોમ ઑફ વેદઝ્‘ તથા ‘ખાલ્ડિયન‘ સંસ્કૃતિ ઉપરના તેમના ગ્રંથોની વિદેશી વિદ્વાનોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે.
દેશસેવાના આજીવન વ્રતધારી આ નીડર લોકસેવકનું ઈ. ૧૯૨૦ની પહેલી ઑગસ્ટે મુંબઈમાં અવસાન થયું.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site