ગોવિંદવલ્લભ પંત

http://gujarat-help.blogspot.com

ગોવિંદવલ્લભ પંત - સન્માનિત ભારતીય નેતા
http://www.gurjari.net/uploaded/gallery/vishva/govind-vallabh-pant.jpgવર્ષો પૂર્વે મહારાષ્‍ટ્રમાંથી બદરી-કેદારની યાત્રાએ ગયેલા કેટલાક પરિવારો હિમાલયની શાન્તિમાં આલ્મોડામાં જ સ્થાઈ થઈ વસેલા. એવા એક પરિવારમાં ઈ. ૧૮૮૭ના સપ્‍ટેમ્બરની ૧૦મી તારીખે અલ્મોડાના ખૂંટ ગામમાં તેમનો જન્મ થયો. જુદી જુદી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી તેમણે બી. એ., એલએલડી.ની પદવી મેળવી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકેનો ધીકતો ધંધો જમાવ્યો. પહેલા વિશ્વયુદ્ધ વખતે એમણે બ્રિટનને સહ્રદયતાથી ટેકો આપ્‍યો હતો પરંતુ જલિયાંવાલાના હત્યાકાંડ પછી એમની વિચારસરણી કટ્ટર રાષ્‍ટ્રવાદી બની ગઈ.
ઈ. ૧૯૦૫માં બનારસ કૉંગ્રેસમાં સ્વયંસેવક તરીકે હાજરી આપી ત્યારથી જ દેશ પ્રત્યેની લાગણીના અંકુર એમનામાં ફૂટેલા. અર્થોપાર્જન કરતાં કરતાં તેમણે લોકજીવનમાં રસ લેવા માંડ્યો. નૈનીતાલનાં જંગલોમાં ચાલતી ફરજિયાત વેઠની પ્રથા નાબૂદ કરાવી ગોવિંદવલ્લભે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ઈ. ૧૯૧૬માં તે કૉંગ્રેસની મહાસમિતિમાં ચૂંટાયા. ઈ. ૧૯૩૨માં ઉત્તર પ્રદેશની ધારાસભામાં ગયા. ઈ. ૧૯૨૭માં કૉંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. અસહકારની લડત શરૂ થતાં ઈ. ૧૯૩૦ અને ઈ. ૧૯૩૨માં જેલ ગયા. ઈ. ૧૯૩૧થી કૉંગ્રેસ કારોબારીમાં સ્થાન મેળવ્યું, જે તેમણે અંતકાળ લગી એટલે લાગલગાટ ૩૦ વર્ષ શોભાવ્યું. ઈ. ૧૯૩૭માં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા. ઈ. ૧૯૪૨માં હિંદ છોડોની ચળવળમાં તે કેદમાં ગયા.
બ્રિટિશ રાજની દાનવતાનો અનુભવ સાઇમન કમિશનના બહિષ્‍કાર વખતે કર્યો. તે વખતે લાઠીમારથી કાયમી અસર મૂકી જનાર ગંભીર ઈજા તે પામ્યા. તે છતાં ૪૭માં સ્વરાજ્ય આવ્યું ત્યારથી ઈ. ૧૯૫૫ સુધી ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં અને ઈ. ૧૯૫૫થી જીવનની છેલ્લી પળ સુધી કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં રહ્યા. સફળ ગૃહપ્રધાન તરીકે પંતજીએ ભાષાવાર રાજ્યોની પુનર્રચનાની ગૂંચો ઉકેલી હતી. એમના હાથી જેવા શરીરમાં હાથી જેવો જ ઉમદા સ્વભાવ અને હાથીની શાલીનતા અને શાણપણ હતાં. શરીરે પડછંદ એટલા જ સ્વભાવે સૌમ્ય પંતજી વિનમ્ર છતાં એટલા પાકા સિદ્ધાંતવાદી હતા કે મૂળભૂત મુદ્દાઓ પર તે કદી નમતું જોખતા નહિ. મુલાકાતીઓને અત્યંત ધીરજથી સાંભળવામાં કલાકો વીતતા છતાં એ કદી કંટાળતા નહિ.
કૉંગ્રેસ અધિવેશનમાં કે મહાસમિતિની બેઠકમાં ચર્ચાસ્પદ સવાલો વખતે મોવડીમંડળનું ર્દષ્ટિબિંદુ રજૂ કરવા માટે એમને ઊભા કરવામાં આવતા. વિરોધીઓ તેમની કુનેહ અને ચાણક્ય- બુદ્ધિથી પ્રભાવિત અને મહાત થતા. એમની વૈવિધ્યસંપન્ન સેવાની કદરરૂપે ઈ. ૧૯૫૭માં એમને ભારત રત્નના પદકથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
ઈ. ૧૯૫૯ના એપ્રિલમાં એમના પર હ્રદયરોગનો હુમલો આવ્યો. તેમાંથી ઊભા થઈ ફરી તેમણે તનતોડ મહેનત આદરી દીધી. એમણે એવી મહેનત કરવા માંડી તે છેક છેવટે પથારીમાં બેશુદ્ધાવસ્થા સુધી પહોંચ્યા ત્યાં સુધી કાર્યરત રહ્યા.
ઈ. ૧૯૬૧ના માર્ચની સાતમી તારીખે સવારે ૮-૫૦ વાગે નવી દિલ્હીમાં એમણે સદાને માટે આંખો મીંચી દીધી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular