પાયથાગોરસ

http://gujarat-help.blogspot.com

પાયથાગોરસ - ગણિતના મૌલિક નિયમોનો નિર્માતા
ગ્રીસમાં આવેલા સેમોસ ટાપુ પર ઈસ્વીસન પૂર્વે ૫૮૨માં પાયથેગોરસનો જન્મ એક ધનિક પિતાને ત્યાં થયો હતો. એ કાળે ત્યાં વસતા સર્વોત્તમ ગુરુઓ પાસે એ ભણવા બેઠો હતો. તરવરિયા યુવાનને આટલાથી સંતોષ ન થયો એટલે વધુ જ્ઞાનપ્રાપ્તિ માટે એ બેબિલોન ગયો. બેબિલોનથી તે હિન્દ પણ આવ્યો હતો. સંપૂર્ણ ચિત્તશાંતિ આપતા ભગવાન બુદ્ધના ઉપદેશને તેણે ભારતમાં ગ્રહણ કર્યો અને વિજ્ઞાન અને તત્વજ્ઞાનમાં ઊંડું અવગાહન કર્યું. મિસરમાં ભૂમિતિ શીખી ફરીથી તે ગ્રીસ પહોંચ્યો ત્યારે તેની ઉંમર ૫૩ વર્ષની હતી. તે વેળા તે શાંત, ગંભીર અને બુઝર્ગ માનવી બની ચૂક્યો હતો.
કહેવાય છે કે પાયથેગોરસે સ્થાપેલા સિદ્ધાંતને જેટલી પ્રસિદ્ધિ સાંપડી છે તેટલી ગણિત કે અન્ય કોઈ પણ મૌલિક સિદ્ધાંતોના સ્થાપકને ભાગ્યે જ મળી હશે. કાટખૂણ ત્રિકોણના કર્ણ પર આવેલા ચોરસનું ક્ષેત્રફળ અન્ય બે બાજુ પરના ચોરસોના ક્ષેત્રફળ બરોબર થાયએવા ભૂમિતિના વિખ્યાત પ્રમેયના શોધક તરીકે પ્રખ્યાતિ પામેલા પાયથેગોરસનો આ સિદ્ધાંત સમગ્ર ઉદ્યોગ-વિદ્યાના આધારરૂપ બન્યો છે.
ગ્રીસમાં પહોંચ્યો તેવામાં રાજા પાલિક્રૈટિઝે તેને દેશનિકાલ કર્યો. આથી મિસ્ર થઈને તે ઇટલીના નગર કૉટવ પહોંચ્યો. અહીં તેણે એક સંઘની સ્થાપના કરી. આ સંઘનું ધ્યેય રાજકીય કારણોસર ભાંગી રહેલા સામાજિક જીવનમાં સહકાર, શુદ્ધિ અને શ્રદ્ધા લાવવાનું હતું. આ મંડળીમાં નક્ષત્ર-વિદ્યા જાણવાવાળા ગણિતશાસ્ત્રીઓ, શરીર-વૈજ્ઞાનિકો તથા અન્ય મહત્વપૂર્ણ વિદ્યાઓના જ્ઞાતા હતા. પાયથેગોરસ પોતે ઉત્તમ કોટિનો ખગોળશાસ્ત્રી હતો. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે એવી સમજણ કૉપરનિક્સને આપનારા પાયથેગોરસના શિષ્‍યો હતા. પશ્ચિમ જગતને પાયથેગોરસે જ સૌપ્રથમ માહિતી આપી કે પૃથ્વી ગોળ છે અને તે કોઈ મધ્યસ્થ તેજપિંડની આસપાસ ફરે છે. તેણે એમ પણ કહ્યું હતું કે સૂર્ય આ તેજપિંડના પ્રકાશનો પરાવર્તક છે. આંકડાઓ પાછળ તે પાગલ હતો. બધી વસ્તુઓનું મૂળ એણે સંખ્યામાં જ ઘટાવેલું. તે એકને સઘળી સંખ્યાઓના ગર્ભરૂપ માનતો, એવી માન્યતા વર્તમાન કવૉન્ટમ્ થિયરીના આદિ રૂપ સમાન ગણી શકાય.
પાયથેગોરસ અને તેના શિષ્‍યોએ ગણિત સંબંધી જ્ઞાનને સંગીતમાં પણ ઉતાર્યું હતું. પાયથેગોરસે ખોળી કાઢ્યું કે તંતુવાદ્યોના તારની લંબાઈના પ્રમાણ પર એના ધ્વનિની તીવ્રતાનો આધાર રહ્યો છે. એણે બતાવેલું કે જો સિતારના તાર સરળ અનુપાતમાં હોય તો એકસાથે તેઓને વગાડવામાં આવે તોપણ કર્ણપ્રિય ધ્વનિ નીકળશે. પ્રાતઃકાળ અને સાયંકાળના આકાશમાં દેખાતા તારા અલગ હોય છે તે એણે શીખવ્યું. ચન્દ્રને પોતાનો પ્રકાશ નથી તે સાબિત કરવાનું શ્રેય પાયથેગોરસને છે ગ્રીસમાં તોલમાપનું ચલણ પાયથેગોરસે જ આપ્‍યું.
પાયથેગોરસ ક્યાં અને ક્યારે મૃત્યુ પામ્યો તેની ચોક્કસ માહિતી મળતી નથી. પણ એમ કહેવાય છે કે ઈ.સ. પૂર્વે ૫૦૪માં એ મેટાપોન્ટમમાં હતો ત્યારે તેના વિરોધીઓએ તેને મારી નાખ્યો હતો અને તેના ઘરને આગ ચાંપી હતી. પાયથેગોરસના મૃત્યુ પછી ૨૦૦ વર્ષ બાદ એરિસ્ટોટલે કહ્યું હતું કે પાયથેગોરસની પરંપરાના માણસોએ પોતાનું સમસ્ત જીવન ગણિતવિદ્યાને સમર્પિ‍ત કર્યું છે.
તેની કેટલીક વાતો હાસ્યાસ્પદ લાગે છે. તે કહેતો કે ગણિતની એક સંખ્યા નરજાતિની છે માટે વિશ્વાસપાત્ર છે જ્યારે બેકી સંખ્યા સ્ત્રીજાતિની છે માટે તેવી સંખ્યાનો બહુ વિશ્વાસ કરવા જેવું નહિ. ગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું તે ભૂમિતિ દ્વારા જ સમજતો અને સમજાવતો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular