દાદાભાઈ નવરોજી




હિંદના દાદા : દાદાભાઈ નવરોજી

પારસીઓ ગુજરાત આવ્યા. દૂધમાં સાકરની જેમ ભળ્યા. ભારતને ગરવું બનાવ્યું. દાદાભાઈ નવરોજી અને ફિરોજશાહ મહેતા. જમશેદજી તાતા અને જનરલ માણેકશા. જુદાં જુદાં ક્ષેત્રોના આગેવાનો. દેશને પારસીઓની ભેટ. http://www.gurjari.net/uploaded/gallery/gandhiji/dadabhai.jpgઆઝાદીની લડત કૉંગ્રેસથી આરંભાઈ. કૉંગ્રેસના આરંભમાં દાદાભાઈ આગેવાન.
દાદાભાઈ ગરીબીમાં જીવ્યા. ચાર વર્ષની વયે પિતા ગુમાવ્યા. માતા માણેકબાઈએ ઉછેર્યા. સુંદર સંસ્કાર આપ્યા. ઊંચા સદ્દગુણ આપ્યા. દાદાભાઈ પારસી નબીરા. પારસીઓમાં દારૂનો રિવાજ. તેમના કુટુંબમાં દારૂ પિવાય. દાદાભાઈની નાની વય. માએ તેમને દારૂ લેવા મોકલ્યા. ગયા તો ખરા. એમને શરમ આવી. એમણે તે દિવસથી દારૂ છોડ્યો. નાની વયથી જ દાદાભાઈ વ્યસનરહિત થયા. જીવનભર દારૂના વિરોધી થયા.
દાદાભાઈ ૧૮૨૫માં જન્મ્યા. ૧૮૫૪માં એ પ્રોફેસર થયા. તે જમાનામાં હિંદીઓને પ્રોફેસર ન બનાવતા. પ્રોફેસર થનાર તે પહેલા હિંદી. ગણિત અને પદાર્થ વિજ્ઞાનના એ પ્રોફેસર. બબ્બે વિષયોના પંડિત.
દાદાભાઈ ભાવનાશીલ. કહે તે કરે. બોલે તે પાળે. એમણે ભાષણ કર્યું. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. કોઈકે મહેણું માર્યું : કહેવું સહેલું, કરવું અઘરું. દાદાભાઈએ કરી બતાવ્યું. મુંબઈમાં ઠેર ઠેર વર્ગો ખોલ્યા. મહિલાઓનું ભણતર માંડ્યું. આ વર્ગો ફાલ્યાફૂલ્યા. પારસી કન્યાશાળાઓ થઈ.
મુંબઈમાં કામા કંપની જાણીતી. આયાતનિકાસનો વેપાર. વિલાયતમાં તેણે શાખા ખોલી. દાદાભાઈને ભાગીદાર બનાવ્યા. કંપનીના પ્રતિનિધિ બનાવ્યા. વિલાયત મોકલ્યા. દાદાભાઈ વેપારમાં પડ્યા. ફાજલ સમય જાહેર સેવામાં કાઢે. હિંદીઓનાં હિતો વિચારે. વ્યોમેશચંદ્ર બેનરજીની મુલાકાત થઈ. બંને સાથીદાર થયા. બંનેએ મળી મંડળ બનાવ્યું. તેનું નામ લંડન ઇન્ડિયન સોસાયટી. કામ ભારતની છાપ સુધારવાનું. ભારત વિશેના ભ્રમ ભાંગવાનું. દાદાભાઈ આટલેથી ન અટક્યા. બીજું મંડળ બનાવ્યું. તેનું નામ ‘‘ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન.’’ આ મંડળ ભાષણો ગોઠવે. છાપામાં લેખો લખે. હિંદી પ્રધાનને પત્રો લખે. હિંદની મુશ્કેલીઓ જણાવે.
દાદાભાઈની કામા કંપની. કંપની નફો કરે. નફો થાય અફીણ અને દારૂના વેપારમાંથી. દાદાભાઈને ભાગે દારૂ અને અફીણ. પ્રજાની પાયમાલીનાં સાધન. દાદાભાઈએ ભાગીદારી છોડી. નફો પણ ન લીધો. નવી પેઢી ઊભી કરી. પ્રામાણિક માણસ. કાળાં-ધોળાંથી આઘા રહે. આથી કંપની ના ચાલે. થાકીને કંપની ઊંચી મૂકી.
૧૮૯૬માં મુંબઈ આવ્યા. એમનું ભારે સ્વાગત થયું. તેમને ત્રીસ હજાર રૂપિયાની ભેટ મળી. તેમણે એ નાણાં જાહેર કામમાં લીધા.
દાદાભાઈ હિંદની ગરીબીનાં કારણોના અભ્યાસી. હિંદનાં હિતોના રખેવાળ. બ્રિટનની સંસદીય સમિતિમાં તેમણે રજૂઆત કરી : ‘‘હિંદીની સરાસરી વાર્ષિક આવક વીસ રૂપિયાની. જેલમાંય આથી માથા દીઠ વધારે ખર્ચ છે. ઉડાઉ ખર્ચા અને ઇંગ્લેન્ડ તરફ ખેંચાતું ધન. ઊંચી નોકરીઓમાં હિંદીઓને અન્યાય.’’
તેઓ ૧૮૭૪માં વડોદરાના દીવાન બન્યા. વડોદરાનો વહીવટ સુધાર્યો. ૧૮૭૬માં મુંબઈ આવ્યા. મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા. પછી મુંબઈ ધારાસભાના સભ્ય થયા. ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપનામાં ભાગ લીધો. ૧૮૮૬, ૧૮૮૯૩ અને ૧૯૦૬માં કૉંગ્રેસના પ્રમુખ થયા. કલકત્તામાં ૧૯૦૬માં કૉંગ્રેસ અધિવેશન. તેમાં? તેમણે સ્વરાજના હકની પ્રથમ વાત કરી. સ્વરાજ શબ્દના એ જન્મદાતા.
૧૮૯૨, ૧૯૦૦ અને ૧૯૦૬માં એ બ્રિટનની સંસદના સભ્ય થયા. એમણે હિંદની પ્રજાની લાગણી અને માગણી રજુ કરી. હિંદમાં બુદ્ધિવાનો છે. ચિંતકો છે. જાહેર સેવકો છે. એ બધું એમના વર્તનથી બતાવ્યું.
૧૯૧૭માં દાદાભાઈનું અવસાન થયું. ૯૨ વર્ષની તેમની વય. દાદાભાઈની સચ્ચાઈ, તેમની દેશસેવા અને પવિત્રતા જાણીતાં. લોકોના લાડીલા. સિત્તેર વર્ષનું એમનું જાહેર જીવન. શિક્ષણ અને સુધારા. રાજકારણ અને સ્ત્રીશિક્ષણ. આ બધું તે જમાનામાં અજોડ. દાદાભાઈના અવસાને લોકો દુઃખી થયા. તેમની યાદમાં ઠેર ઠેર પુસ્તકાલયો થયાં. શાળાવો થઈ. રસ્તાઓનાં નામ અપાયાં. જાહેર ઇમારતોનાં નામ અપાયાં. હજી આજેય એ બધાં દાદાભાઈની યાદ અપાવે છે. આજના વાતાવરણમાં આવા વિરલ લોકસેવકો સવિશેષ યાદ આવે છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular