શ્રી મોટા


http://gujarat-help.blogspot.com/
શ્રી મોટા
http://www.gurjari.net/uploaded/gallery/vishva/shri-mota.jpgઆકરી આંતરિક તપશ્ચર્યામાં રહીને આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવનાર
શ્રી મોટા એટલે કે ચુનીલાલ આશારામ ભાવસારનો જન્મ સાવલી ગામે ઈ. ૧૮૯૮ના સપ્‍ટેમ્બરની ચોથી તારીખે થયો હતો. દાદા ભાઈચંદ ભગતે પૌત્રજન્મની ખુશાલીમાં ગોળધાણા વહેંચ્યા હતા. રંગાટી કાપડની પેઢી ધમધોકાર ચાલતી અને કુટુંબ સમૃદ્ધ હતું. પણ ભાઈચંદના મૃત્યુ પછી પરિસ્થિતિ કથળી. પેઢી અને મકાન છોડી સૌ કાલોલના નાના મકાનમાં રહેવા લાગ્યા. પૂજ્ય વડીલના પર્યાય તરીકે સૌ એમને મોટા‘ કહેતા અને પછી તેઓ મોટા‘ તરીકે વિખ્યાત થયા.
સુખનો સૂરજ આથમી હવે પરિવાર પર દુઃખનો અંધકાર ઘેરાવા લાગ્યો. આઠ વર્ષના ચુનીલાલે પણ કામ કરી પૈસા રળવાનું ચાલુ કરી દીધું. દિલચોરી વિના કામ કરે. નાનો છોકરો માની કેટલાક પૂરતી મજૂરી ન આપે પણ કામમાં કમી ન આવે. નાનપણથી જ પરિશ્રમનો મહિમા અને પ્રામાણિકતાનું ગૌરવ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં.
આ જ અરસામાં એમણે અભ્યાસ ચાલુ કર્યો. સમજશક્તિ અને સ્મૃતિ બંને સતેજ હતાં. પણ આગળ અભ્યાસની ફી ભરવાનાં નાણાંની મુશ્કેલી. શાળાના આચાર્ય અને ઇન્સ્પેક્ટરને વાત કરીશાળાનુકામ કરી પૈસા મેળવ્યા અને માત્ર દોઢ વર્ષમાં પછીનાં ચાર વર્ષનો અભ્યાસ પૂરો કર્યો. આગળ ભણવાની ઇચ્છા ખરી પણ પૈસા નહિ. માબાપે પણ ઇચ્છયું કે છોકરો કમાતો થાય તો સારું. અંતે ગોધરાના એક અનાજના વેપરીને ત્યાં નોકરી મળી. વેપારીએ ઘરાકનું ઓછું અનાજ દેવાનો કીમિયો બતાવ્યો પણ અપ્રમાણિકતા નહિ આચરતાં નોકરી ખોવી પડી. સદ્દભાવીઓની સહાનુભૂતિથી તેમણે ઈ. ૧૯૧૯માં સારાં ગુણાંક પ્રાપ્‍ત કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ જ રીતે અનેક અડચણો વેઠતાં કૉલેજશિક્ષણ શરૂ કર્યું. ઈ. ૧૯૨૧માં ગાંધીજીની અસહકારની હાકલ પડી. કૉલેજ છોડી તે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ગાંધીજીના નવજીવન‘ માં કામ કરી ખર્ચ જોગું મેળવતા. પરંતુ દેશપ્રેમનો જુવાળ ઊભરાતો ગયો. તેવામાં ગાંધીજીએ ગ્રામજનો વચ્ચે બેસવાની વાત કરી. વિદ્યાભ્યાસ છોડી હરિજનકાર્યપ્રવૃત્તિમાં જોડાઈ ગયા.
વ્યક્તિજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટેની એમની પ્રવૃત્તિ પણ ચાલુ હતી. નાનપણથી જ એમને ઈશ્વરભક્તિનું અજબ આકર્ષણ હતું. મોટાભાઈનું અવસાન થતાં કૌટુંબિક પરિસ્થિતિ એટલી વણસી અને વધારામાં વાઈનું દરદ લાગું પડ્યું આથી આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. ઊંચેથી નર્મદામાં ભૂસકો માર્યો પરંતુ નદીનાં ઊછળતાં મોજાંઓએ એમને કિનારે પાછા ધકેલી દીધા. જીવનનો નાશ ઈશ્વરને મંજૂર નથી એમ સમજાયું.
બહાર નીકળતાં એક સાધુએ હરિનામરટણની દવા રોગમુક્તિ માટે બતાવી. ઘેર આવ્યા પછી વાઈથી દાદર પરથી ગબડ્યા ત્યારે તે સાધુમહાત્મા હાજરાહજૂર દેખાયા. મોટાએ પ્રભુનામ સ્મરણની સાધના શરૂ કરી. એવામાં એમને બાલયોગી મહારાજ સાથે ભેટો થયો. બાલયોગી મહારાજે ઈશ્વરમાર્ગે જવાની દીક્ષા આપી. અમુક જગ્યા બતાવી ત્યાં આશ્રમ સ્થાપવા સલાહ આપી. આજે ત્યાં હરિ ૐ આશ્રમ‘ વિસ્તાર્યો છે. ઉપાસની મહારાજ સાથે થયેલી મુલાકાત ખૂબ ફળદાયી નીવડી. ઉપાસની મહારાજ અને સાચા ગુરુ કેશવાનંદજીની આકરી કસોટીમાંથી પસાર થઈ ચરમસિદ્ધિને પ્રાપ્‍ત કરી.
જીવન દરમિયાન મોટાએ કરોડો રૂપિ‍યા એકત્ર કર્યા અને વિવિધ કલ્યાણકામોમાં ખર્ચ્યા. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના એ મેરુ હતા. નાતજાત કે ઊંચનીચના ભેદભાવ વગર સર્વજનહિતાય આરંભાયેલી કલ્યાણપ્રવૃત્તિના મહાયજ્ઞના એ ઋત્વિજ હતા. એમનું નિર્દોષ હાસ્ય અને એમની નિખાલસ વાણી સૌ કોઈને હ્રદયના નિર્મલીકરણ તરફ વાળતી. એમના વિપુલ ગદ્ય-પદ્ય લખાણમાં એમણે નિરાડંબરી રીતે વ્યક્તિજીવનના ઘડતરની અતિ મૂલ્યવાન વાતો કરી છે.
આ તેજસ્વી તપસ્વીએ ઈ. ૧૯૭૬ના જુલાઈની તેવીસમીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular