જલાલુદ્દીન મહમદ અકબર

http://gujarat-help.blogspot.com

જલાલુદ્દીન મહમદ અકબર - ભારતનો મહાન પરદેશી બાદશાહ

http://www.gurjari.net/uploaded/gallery/vishva/akbar.jpgઈ. ૧૫૭૩ના ઑગસ્ટની ૧૩મી તારીખે પૂર આવવાથી ગુજરાતની સાબરમતી નદી અતિ તોફાની બની હતી. ૩,૦૦૦ ઘોડેસ્વારોનું મુઘલ સૈન્ય નદી કિનારે ભોંચકું બની ઊભું હતું. સામે કિનારે અડ્ડો નાખી પડેલા બળવાખોરોને જેર કરવા હતા. પણ નવ દિવસથી સતત ઘોડેસ્વારી કરી ૯૬૦ કિલોમીટરની મજકલ કાપી સૈનિકો લોથપોથ બન્યા હતા. આથી લાચાર બની કિનારે અટકી ગયા.
એવામાં તેજીલા ઘોડા પર બેસી એક યોદ્ધો ત્યાં આવ્યો, ઘોડાને પ્રવાહમાં નાખ્યો. પળભરમાં સામે કિનારે પહોંચી ગયો. કાંઠે ઊભેલા સૈનિકો અચંબામાં પડ્યા. જયનાદ બોલાવતા તે સૌ પણ નદીના પ્રવાહમાં પડ્યા અને બે દિવસમાં બળવાખોરોને જેર કર્યા ત્યારથી ફરી ૧૮૫ વર્ષ સુધી ગુજરાત મુઘલસત્તા નીચે રહ્યું.
નદી પાર કરનાર અશ્વારોહી યોદ્ધો હતો જલાલુદ્દીન મહમદ અકબર.
ઈ. ૧૫૪૨ની ૨૩મી નવેમ્બરે હમીદા બેગમની કૂખે અકબરનો જન્મ થયો. પિતા હુમાયુ તે વખતે નાસભાગ કરતો હતો. પુત્રજન્મની ખુશાલીમાં હાજર રહેલાઓનું મોં મીઠું કરાવવા માટે પણ તેની પાસે કશું નહોતું. આથી સાથે રાખેલી કસ્તુરી તેણે સૌને વહેંચી. બંદગી ગુજારી : પુત્રની સુવાર કસ્તુરી માફક ચોતરફ પ્રસરે.
હિંદના મધ્યકાળના ઐતિહાસિક પુરુષોમાં શાહ અકબર જેટલું લોક‍પ્રિય કોઈક જ હશે ઇંગ્લેન્ડમાં રાણી ઇલિઝાબેથ પ્રજામાં જાગૃતિ પૂરી એકતાની સાંકળો ર્દઢ કરી રહી હતી તે જ વખતે ભારતમાં પોતાના યુદ્ધપરસ્ત વડવાઓની પ્રણાલી છોડી, સકળ હિન્દુસ્તાનને પોતાનું વતન બનાવી પ્રજાને એક બનાવવા અકબરે શાસનનું સર્વ બળ ને સિદ્ધિ રેલાવ્યાં. ઈ. ૧૫૫૬માં હુમાયુ સીડી પરથી લપસી પડતાં મરણ પામ્યો અને અકબરને માત્ર ૧૩ વર્ષની વયે રાજ્યકારભાર સંભાળવો પડ્યો. બહેરામખાંની મદદથી તેણે અફઘાન શત્રુઓને પરાસ્ત કર્યા પરંતુ બહેરામખાન આપખુદીથી વર્તતો હોવાથી ઈ. ૧૫૬૦માં તેને સત્તા પરથી હટાવ્યો. ત્રણ વર્ષ બાદ સમગ્ર વહીવટ પોતાને હસ્તક લઈ લીધો. પ્રજાના હિતમાં જ તેણે સલ્તનતનું હિત જોયું, હિંદની રાષ્‍ટ્રીયતાને પ્રાધાન્ય આપ્‍યું. અંબરની રાજકન્યા જોધાબાઈ સાથે લગ્ન કર્યું. બિનમુસ્લિમો પરના કર રદ કર્યા. આમ પ્રજાની ચાહના જીતી. આ બધું તેણે પોતાના વિખ્યાત સાથીઓ અબુલફઝલ, ફૈઝી, ટોડરમલ, બીરબલ, તાનસેન વગેરે નવરત્નગણાતા બુદ્ધિશાળી રાજ્યકર્તાઓની સહાયથી પાર પાડ્યું.
અકબર પોતે નિરક્ષર હતો છતાં સર્વ ધર્મનો સાર એકત્ર કરી દીન-એ-ઈલાહી નામના ધર્મની તેણે સ્થાપના કરી. રાજ્યાશ્રય મળ્યો હોવા છતાં, અલબત્ત, આ ધર્મ લોકપ્રિય ન નીવડ્યો. મહાન કલા-સંસ્થાપક તરીકે તો અકબરનું નામ કદી નહિ વિસરાય. રાજસ્થાનમાંથી ને ગુજરાતમાંથી નામીચા કલાકારોને એકત્ર કરી મુઘલ કલાનામે જાણીતી થયેલી નવી શૈલીનો આવિષ્‍કાર કર્યો. સિક્રી પાસે તેણે પોતાની કલ્પના પ્રમાણેનું આદર્શ નગર ફત્તેહપુર બંધાવી સ્થાપત્ય સૃષ્ટિને સમુદ્ધ કરી. પોતે અભણ હોવા છતાં રામાયણ, મહાભારત, કથાસરિત્સાગર વગેરે અનેક ગ્રંથો તેણે ફારસીમાં ઉતરાવ્યા હતા. બાબરના વંશનો એ ત્રીજો બાદશાહ હતો પણ ભારતમાં મુઘલાઈનો ખરો સ્થાપક એ જ ગણાય. તેણે ધરબેલા પાયા પર જ એક સદી સુધી મુઘલ રાજવંશ ટકી રહ્યો. આથી જ અકબર મહાન અકબરતરીકે ઓળખાય છે.
આખરના દિવસોમાં પોતાની સંતતિથી તે બહુ સંતાપ પામ્યો. તેના બે પુત્રો ડેનિયલ અને મુરાદ અકાળે મૃત્યુ પામ્યા હતા. સલીમ તરફથી તેને ખૂબ ત્રાસ ભોગવવો પડ્યો હતો. અકબરની આખરની ઘડીએ પશ્ચાતાપ કરી સલીમ પિતાને શરણે ગયો. ઈ. ૧૬૦૫ની ૨૭મી ઑક્ટોબરે આ મહાન આત્મા ખુદાતાલાને ચરણે ગયો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular