ડૉ. અમર્ત્યકુમાર સેન

http://gujarat-help.blogspot.com

ડૉ. અમર્ત્યકુમાર સેન - નોબેલ પુરસ્કાર વિજેતા

http://www.gurjari.net/uploaded/gallery/vishva/dr-amartya-kumar-sen.jpg૧૯૯૮ના ઑકટોબર માસની ચૌદમી તારીખ. ન્યયૉર્કના મેનહટન વિસ્તારની હૉટલમાં ઊંઘ ખેંચતા અમર્ત્યકુમાર સેનના ફોનની ઘંટડી રણકે છે ને નોબેલ સમિતિના સેક્રેટરી સ્ટૉકહોમથી સુખદ સમાચાર પાઠવે છે કે, ૧૯૯૮ના વર્ષના અર્થશાસ્ત્ર વિષયના નોબેલ પ્રાઈઝ માટે તેમની પસંદગી થઈ છે. આ સુખદ સમાચાર ડૉ. સેન તરત જ શાંતિનિકેતન ખાતે રહેતાં તેનાં વૃદ્ધમા અમિતા સેનને આપે છે : "મા ! આમી બબલુ..... મને નોબલ પ્રાઇઝ મળ્યું છે....."
આ સમાચાર સમસ્ત વિશ્વમાં ટી. વી. માધ્યમ દ્વારા પ્રસરી વળ્યા. ભારતમાં સાંજ ઢળી ચૂકી હતી પરંતુ શાંતિનિકેતન રૂપી વિદ્યાધામમાં સોનાનો સૂરજ ઊગ્યો હતો. ડૉ. સેનના પિતા આસુતોષ સેનને તેમનાં માતાજીએ યાદ કર્યા : "તેના પિતા આ સમાચારથી ખુશ થયા હોત." આ સમાચારથી કરોડો ભારતવાસીઓનાં હ્રદય આનંદથી છલકાઈ ઊઠ્યાં.
ભારત માટે પ્રથમ નોબેલ ઇનામ જીતી લાવેલા કવિવર રવિન્દ્રનાથની કર્મભૂમિ શાંતિ-નિકેતન એટલે અમર્ત્યની જન્મભૂમિ. ગુરુદેવના અંગત સચિવ અને સંસ્કૃતના પંડિત ક્ષિ‍તિમોહન સેનનાં પુત્રી અમિતાને ત્યાં ૧૯૩૩ના નવેમ્બરની ત્રીજી તારીખે ડૉ. સેનનો જન્મ. નવજાત શિશુનું કવિવર રવીન્દ્રનાથે નામ આપ્‍યું અમર્ત્ય.
શાંતિનિકેતનની વિદ્યાભૂમિની વિદ્યાભૂમિ પર બાળક અમર્ત્યના શિક્ષણ અને ઉછેરનું કાર્ય ચાલ્યું. પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આમ્રવૃક્ષોની છાંયમાં અધ્યાપનકાર્ય ચાલતું. જોકે, બાળક અમર્ત્યે પ્રાથમિક શિક્ષણ તો ઢાકામાં પ્રાપ્‍ત કર્યું. ડૉ. સેને સંસ્કૃત અને ગણિતનું સારું જ્ઞાન મેળવી અર્થશાસ્ત્ર વિષયમાં ભારે રસ દાખવ્યો.
ડૉ. સેને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શાંતિનિકેતનમાં લીધું હતું. ઈ. ૧૯૫૧ થી ૫૩ દરમિયાન કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયનું સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવી કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાંથી અનુસ્નાતક અને ડૉક્ટરેટનો અભ્યાસ કર્યો હતો. ડૉ. સેન ઈ. સ. ૧૯૫૬થી ૫૮ના ગાળા દરમિયાન કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના પ્રથમ પ્રાધ્યાપક અને અધ્યક્ષ બન્યા હતા.
તેઓ ઈ. સ. ૧૯૫૮ થી ૬૦ દરમિયાન ટ્રિનિટી કૉલેજમાં ફેલો તરીકે ઈ. સ. ૧૯૬૦ થી ૬૩ દરમિયાન ડૉ. સેન અમેરિકાની માસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર હતા.
ઈ. સ. ૧૯૬૩ થી ૧૯૭૧ના સમયગાળામાં તેઓએ દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ઈ. સ. ૧૯૭૧ થી ૭૭ સુધી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
ડૉ. સેન હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈ. સ. ૧૯૮૮ થી ૧૯૯૮ દરમિયાન લેમોન્ટ યુનિવર્સિટી પ્રોફેસરની ચેર પર રહ્યા હતા અને પ્રોફેસર ઑફ ઇકોનોમિક્સ એન્ડ ફિલોસોફીના પદ પર રહી મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ ખાસ આમંત્રણથી કમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના માસ્ટરપદે નિયુક્ત થયા જ્યાં અદ્યાપિ પર્યંત કાર્યરત છે. ડૉ. સેને વિશેષત ઇંગ્લેન્ડ અને યુ.એસ.એ.માં કાર્ય કર્યું છે.
દશમી ડિસેમ્બર, ૧૯૯૮ના રોજ સ્ટૉકહોમ ખાતે એક ગરિમાપૂર્ણ સમારંભમાં નોબેલ-વિજેતાઓની હારમાં ડૉ. સેન બિરાજમાન હતા. આ મહાન અર્થશાસ્ત્રીના જીવનની આ ધન્ય પળો હતી.
પૂર્વ નોબેલ-વિજેતા રોબર્ટ સોલો નોંધે છે કે, "સેન આપણા (અર્થશાસ્ત્રના) વ્યવસાયનો અંતરાત્મા છે."
"
નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. અમર્ત્યકુમાર સેન" નામક પુસ્તકના લેખક અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. કે. કે. ખખ્ખર તેમના વિષે નોંધે છે કે, "સેન આર્ષદ્રષ્‍ટા છે, ફિલસૂફ છે. તે સાધારણ અર્થશાસ્ત્રી નથી. તે આવનારા સમયનો આપણા સૌથી આગળ ચાલતો, એકવીસમી સદીનો અર્થશાસ્ત્રી છે. સેનની પાછળ પાછળ ચાલી શકાય. સેનની સંગાથે ચાલવું મુશ્કેલ છે."
ઈ. સ. ૧૯૬૦માં તેમણે નવનિતા દેવ સાથે પ્રભુતામાં ડગ માંડ્યાં હતાં, અને પંદર વરસના લગ્નજીવન પછી નવનિતા સેનથી લગ્નવિચ્છેક થયો હતો. નવનિતા સેનથી સંતાનોમાં બે પુત્રીઓ અંતરા અને નંદના છે. ઈ. સ. ૧૯૭૮માં ઈવા કોલોર્ની સાથે બીજું લગ્ન કર્યું હતું. તેમનાથી પુત્રી ઈન્દ્રાણી અને પુત્ર કબીર છે. ઈ. સ. ૧૯૮૫માં ઈવા કોલોર્નીનું અવસાન થતાં તેમણે ત્રીજું લગ્ન ઈમા રોથશિલ્ડ સાથે કર્યું હતું. જે નિઃસંતાન છે.
સેન અનેક વિશિષ્‍ટ પદોથી વરાયા હતા. અનેક સોસાયટીઓના ફેલો હતા. ૧૯૭૬નું મહાલોનોવિસ પ્રાઈઝ, ૧૯૮૬નો ફ્રેન્ક સીડમેન એવોર્ડ, ૧૯૯૦નું સેનેટર એગ્નેલી ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઑફ એથિક્સ, ૧૯૯૦નો વર્લ્ડ હંગર એવોર્ડ, ૧૯૯૭નું ઇન્ટરનેશનલ કેટેલોનિયા પ્રાઇઝ અને છેલ્લે ૧૯૯૮નું બહુ પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઇઝ જેવા વિશિષ્‍ટ આંતરરાષ્‍ટ્રીય એવૉર્ડ્ઝથી સેન વિભૂષિત છે.
સેનને ડૉકટર ઑફ લેટર્સ (ડી.લિટ્.)ની માનદ પદવીઓથી નવાજાયા છે. અમેરિકા, કેનેડા, યુ. કે., ફ્રાન્સ. ભારત ઇત્યાદિ મળી અનેક દેશોની ૧૯ જેટલી યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનદ ડૉકટરેટની પદવીથી નવાજાયા છે.
ડૉ. સેને વીસ જેટલાં પુસ્તકો અને ૨૫૦ થી વધુ સંશોધનલેખો લખ્યા છે. ઈ. સ. ૧૯૬૦માં સેનનો પીએચ.ડી. પદવી માટેનો શોધનિબંધ ચૉઈસ ઑફ ટેકનિકપ્રસિદ્ધ થયો ત્યારથી જ તેઓની ગણના આંતરરાષ્‍ટ્રીય અર્થશાસ્ત્રી તરીકે થવા લાગી હતી. સેન ત્યારે માત્ર ૨૭ વર્ષના હતા. તેમનું બહુમૂલ્‍ય પુસ્તક ક્લેક્ટિવ ચૉઇસ એન્ડ સોશિયલ વેલ્ફેરઈ. સ. ૧૯૭૦ની સાલમાં પ્રકાશિત થયું હતું. ઈ. સ. ૧૯૮૬ના સમયગાળા દરમિયાન પ્રો. સેને ગરીબી અને દુષ્‍કાળો‘ (Poverty and Famines) શીર્ષક અંતર્ગત પુસ્તક લખ્યું છે.
ચાઈસ વેલ્ફેર ઍન્ડ મેઝરમેન્ટતથા રિસોર્સિઝ, વેલ્યુઝ ઍન્ડ ડેવલપમેન્ટનામનાં બે પુસ્તકોમાં તેમના સુંદર લેખોનો સંચય છે. જેમને કલ્યાણ અને વિકાસના અર્થશાસ્ત્રમાં રસ હોય તેવા સૌએ જોવાં રહ્યાં.
ક્લ્યાણના અર્થશાસ્ત્રમાં બહુમૂલ્ય પ્રદાન કરી નોબેલ-ઇનામ પ્રાપ્‍તકર્તા ડૉ. સેન કહે છે કે, "મને નોબેલ પ્રાઇઝ મળવાથી જરૂર આનંદ થયો છે. પણ સવિશેષ આનંદ એટલા માટે થયો છે કે, સામાજિક પસંદગી અને કલ્યાણના અર્થશાસ્ત્રના સંદર્ભમાં રજૂ થયેલી ગરીબી અને દુષ્‍કાળ જેવી સમસ્યાઓ તરફ હવે સૌનું ધ્યાન ખેંચાયું છે. "
સેનના બે પુસ્તકોનું હાલ મુદ્રણકાર્ય ચાલુ છે. એક પુસ્તક છે : ડેવલપમેન્ટ એઝ ફ્રીડમઅને બીજું પુસ્તક છે : ફ્રીડમ, રેશનાલિટી ઍન્ડ સોસિયલ ચોઈસ.
ડૉ. સેનની સર્જનયાત્રા રમ્ય બની રહો એ જ અભીપ્‍સા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular