લોકસાહિત્‍ય અને ચારણી સાહિત્‍ય

http://gujarat-help.blogspot.com/
લોકસાહિત્‍ય અને ચારણી સાહિત્‍યભાષા-બોલીનો ઉપયોગ કરતી દુનિયાની બધી પ્રજાઓને પોતપોતાનું લોકસાહિત્‍ય હોય છે. ગુજરાતી લોકસાહિત્‍યની પરંપરા વૈવિધ્‍યપૂર્ણ અને http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/bhikhudan.jpgસમૃદ્ઘ છે. ગુજરાતી લોકકથાઓનાં મૂળ ભારતીય તેમજ વિદેશી કથા સાહિત્‍યમાં હોવાનું વિદ્વાનોએ દર્શાવ્‍યું છે. આ લોકસાહિત્‍ય ધર્મ અને સમાજની છત્રછાયામાં સતત પાંગરતું અને પરિવર્તન પામતું, વિસ્‍તરતું અને વિકાસ પામતું રહ્યું છે. કોશિયાનાં, ટીપણી કરનારાંનાં, ઘાંચીનાં, ખેડૂતોનાં, દરિયાખેડુઓનાં અને ગોવાળનાં- એમ અનેક શ્રમજીવીઓએ શ્રમ કરતાં કરતાં ગાયેલા ગીતો આ સાહિત્‍યમાં મળે છે. વળી વ્રત, ઉપવાસ, જાગરણ, જાગ-પૂજા વગરે સાથે સંકળાયેલું લોકસાહિત્‍ય પણ મળે છે. રામ, કૃષ્ણ વગરેની ભકિત સાથેનું સાહિત્‍ય છે. ભજનોમાં પ્રભાતિયાં, સંધ્‍યા, આરતી, આરાધના, આગમ, સ્‍તવન, પ્‍યાલા, આંબો, બારમાસી, રામગરી, ધોળ, ચાબખા, કાફી, કટારી જેવાં અનેક પ્રકારો મળી આવે છે. કૃષ્‍ણભકિત અને શકિતભકિત સાથે ગરબી, ગરબા, રાસ, રાસડા, તાલીરાસ, લકુટારાસ, હીંચ, હમચી વગેરે ગેય પ્રકારો સીધા લોકનૃત્‍યો સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસોએ ચોરે ચૌટે ગરબા-રાસની રમઝટ ચાલે છે. દયારામની ગરબીઓ અને વલ્‍લભ મેવાડાના ગરબાઓ ગવાય છે.
આમાં હોળી, દિવાળી જેવાં ઉત્‍સવોમાં ગીતો, તેમજ મેળાનાં ગીતો મનુષ્‍યના જીવનવિકાસ સાથે સંબંધ ધરાવતાં ગીતો પણ છે. આવાં ગીતોમાં સીમંતના ગીતો, જન્‍મસમયનાં વધાઇનાં ગીતો, સલોકા, હાલરડાં, બાલરમતોનાં ગીતો, લગ્‍નનાં ગીતો, ફટાણાં, સ્‍ત્રી-પુરુષ સંબંધનાં મિલન અને વિરહનાં ગીતો, ખાયણાં, મૃત્‍યુના મરસિયા, રાજિયા, છાજિયા જેવાં ગીતો, બાળકો માટેનાં જોડકણાં, ઉખાણાં, નાચણિયાં અને કુદણિયાંનાં ગીતો પણ છે.
પ્રશસ્તિ ગીતો, બિરદાવલીઓ, શૌર્યગીતો, ઋતુગીતો, કથાગીતો અને ભવાઇના ગીતોનું એક અનોખું ક્ષેત્ર છે. આ ગીતો ઉપરાંત સોરઠા અને દુહાઓ, ચોપાઇ અને સવૈયા તેમજ ચારણી છંદો પદ્યાત્મક લોકસાહિત્‍યની આશ્ર્ચર્યજનક સમૃદ્ઘિ અને સિદ્ઘિ દાખવે છે.
ગુજરાતી લોકસાહિત્‍યે લોકકથા, વ્રતકથા, પ્રેમકથા વગેરેમાં પોતાનાં વૈશિષ્‍ટય અને વૈભવ દાખવ્‍યાં છે.
ગુજરાતના પ્રજાજીવનમાં જે જીવનમૂલ્‍યો કેન્‍દ્રમાં છે તેમને પ્રગટ કરવાનું, પોષવા અને પ્રચારવાનું સાંસ્‍કૃતિક કર્મ અને સંસ્‍કાર ધર્મ આ લોકસાહિત્‍યે સતત અદા કર્યું છે.
લોકસાહિત્‍ય નેસડો, ગામડું, લોકાવરણ અને તેર તાંસળી વચ્‍ચે ફરતું રહ્યું. જયારે ચારણી સાહિત્‍ય રાજ-રજવાડાંની છાયામાં ભાટ, ચારણ, ઢાઢી, મીર વગેરે દ્વારા ફરતું રહ્યું. ચારણી સાહિત્‍યમાં દુહા, છંદ, ઋતુગીતો, બારમાસી, ગીતકથાઓ વગેરે અનેક પ્રકારોમાં કૃતિઓ અને ગ્રંથોમાં સર્જનો થયાં છે, જે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સચવાયાં છે.
ગુજરાતમાં ચારણોની જેમ ભાટ, મીર, મોતીસર, રાવળ વગેરે કોમોએ દુહા, વાર્તા, બિરદાવલીઓ આપીને સંસ્‍કારસેવા કરી છે. ખેડૂતોએ ગાયેલા ચંદ્રવળા, રાવણહથ્‍થા સાથે નાથબાવાઓએ ગાયેલાં ગીતો, ભડલીવાકયોની ઉકિતઓ, ભવાઇના ચોબોલા, કબીરપંથી અને નાથસંપ્રદાયના રંગોવાળી ભજનવાણી- આ બધું લોકસાહિત્‍યની સંપત્તિરૂપ છે.
ગુજરાતી લોકસાહિત્‍યની કૃતિઓના સંગ્રહ-સંપાદનનું કાર્ય ઓગણીસની સદીમાં દલપતરામ, નર્મદ, મગનલાલ વખતચંદ, શ્રીમતી પૂતળીબાઇ, જેમ્‍સ ફૉર્બ્‍સ, મહીપતરામ નીલકંઠ, હરજીવન શુકલ વગેરેએ કર્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્‍યના સંપાદન-સંશોધનના અનેક ગ્રંથો આપી લોકસાહિત્‍યવિદ્યાનો શાસ્‍ત્રીય ભૂમિકાએ મહિમા કર્યો. ગિજુભાઇએ બાલભોગ્‍ય લોકકથાઓ, લોકગીતો પ્રતિ ધ્‍યાન દોર્યુ. ગોકુળદાસ રાયચૂરાએ શારદામાસિક દ્વારા લોકકથાઓ આપી. ચારણી સાહિત્‍યમાં રતુદાન રોહડિયા, કેશુભાઇ બારોટ, શિવદાન ગઢવી વગેરેનું પ્રદાન ધ્‍યાનપાત્ર છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular