http://gujarat-help.blogspot.com/
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, બાંધી દડીનું શરીર. અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ. બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ, નિશ્ચયબળ,લોખંડી ઇચ્છાશક્તિ, પ્રામાણિક ચારિત્ર્ય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં ઈ. ૧૮૭૫ના ઑક્ટોબર માસની એકત્રીસમી તારીખે થયો હતો. ગ્રેજ્યુએટ થયા બેરિસ્ટર થવા વિલાયત જવું હતું. ‘વી. જે. પટેલ‘ નામનો પાસપોર્ટ આવ્યો. મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ આ પાસપોર્ટ પર લંડન જઈ આવ્યા. વલ્લભભાઈ પછીથી લંડન ગયા અને બેરિસ્ટર બની સ્વદેશ આવ્યા. અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ગુજરાત કલબમાં બેઠક જમાવી. વકીલાત ધમધોકાર ચાલવા લાગી.
એવામાં ગાંધીજી અમદાવાદ આવ્યા. તેમણે કોચરબ આશ્રમ સ્થાપ્યો. ગુજરાત કલબમાં તેઓ વલ્લભભાઈને મળ્યા. વલ્લભભાઈની શક્તિ એમણે પારખી લીધી અને પોતાના કરી લીધા. તેમના જેવા અડીખમ સાથીઓના સથવારે ગાંધીજીએ સ્વાતંત્ર્ય-પ્રાપ્તિના શ્રીગણેશ માંડ્યા. વલ્લભભાઈ અન્ય મિત્રો સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા. ગણેશ વાસુદેવ માવલંકર, બળવંતરાય ઠાકોર, ડૉ. કાનુગો, જીવણલાલ દીવાન, હરિપ્રસાદ દેસાઈ વગેરેના સાથમાં અમદાવાદની કાયાપલટનો આરંભ કર્યો.
ગાંધીજીએ ખેડા જિલ્લાની મહેસૂલ પદ્ધતિ પડકારી. વલ્લભભાઈને ખેડા સત્યાગ્રહનું સંચાલન સોંપ્યું. વલ્લભભાઈએ આ કાર્યમાં સફળતા હાંસલ કરી. ઈ. ૧૯૨૦માં રાષ્ટ્રીય કૉંગ્રેસના તેઓ પ્રમુખ બન્યા. પછી તો જ્યાં ગાંધીજી ત્યાં સરદાર. બોરસદ અને રાસનો ખેડૂત-સત્યાગ્રહ મંડાયો. બારડોલીની નાકરની લડત જાગી. બધે વલ્લભભાઈ અગ્રણી. એટલી સફળતાથી સંચાલન કર્યું કે વલ્લભભાઈ ‘સરદાર‘ બની ગયા. દાંડીકૂચ હોય, સરકાર સાથે વાટાઘાટ હોય કે જેલવાસ હોય, ‘જયાં જ્યાં ગાંધીજી ત્યાં ત્યાં વલ્લભભાઈ‘ જેવી પરિસ્થિતિ સર્જાઈ.
ઈ. ૧૯૪૨નું વર્ષ આવી પહોંચ્યું. સરદારના બોલ પર અનેક સ્વાતંત્ર્યસેનાનીઓ હસતે મોંએ શહીદીને વર્યા. વલ્લભભાઈ ‘અખંડ ભારતના‘ પૂજારી, શિસ્તના પરમ ઉપાસક. છતાં ઈ. ૧૯૪૭ના દેશના ભાગલા કબૂલ રાખ્યા. મુસ્લિમોના પ્રતિકારને લોખંડી હાથે દબાવ્યો. કાશ્મીરના આક્રમણને થંભાવી દીધું. કાશ્મીરના પ્રશ્નને યુનોમાં રજૂ કરવાના તેઓ સખત વિરોધી હતા.
બ્રિટિશ રાજકર્તાઓ ભારત છોડતા ગયા પરંતુ હિંદુ-મુસલમાન વચ્ચે ખાઈ ઊંડી કરતા ગયા અને દેશી રાજ્યો તથા બ્રિટિશ હકૂમતનાં કેટલાંક રાજ્યોને સ્વતંત્ર બનાવતા ગયા. અખંડ ભારતની ભાવના ઓસરી જાય તો રાષ્ટ્ર છિન્નભિન્ન થઈ જાય. વલ્લભભાઈએ કુનેહપૂર્વક કામ સંભાળ્યું. દેશી રાજ્યોનું સમજપૂર્વકનું જોડાણ સાધ્યું. રાજકીય એકતાને ચોક્કસ અને મજબૂત સ્વરૂપ આપ્યું. જૂનાગઢ, હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર અને ગોવાને પણ રાષ્ટ્રમાં ભેળવવામાં એમની લોખંડી તાકાતનું દર્શન થાય છે.
કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર થોડું વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનું આપણને પુનિત દર્શન થયું હોત. પરંતુ ભારતના એ ભાગ્યવિધાતાને પરમાત્માનું તેડું વહેલું આવ્યું. ઈ. ૧૯૫૦ ડિસેમ્બરની ૧૫મી તારીખે દિવસ ઊગ્યો અને સરદારનો જીવનસૂર્ય આથમી ગયો.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site