સિકંદર



સિકંદર - મહાન વિજેતા
જેને મહાન ઍલેક્ઝાન્ડરતરીકે ઓળખવામાં આવે છે તે સિકંદરે પોતાના મુઠ્ઠીભર રાજ્યને વિશાળ સામ્રાજ્યમાં જે રીતે પરિવર્તિત કર્યું તે ઇતિહાસનું એક મહાન આશ્ચર્ય ગણાય છે. માત્ર દશ વર્ષના ટૂંકા ગાળામાં પોતાના રાજ્ય યૂનાનથી છેક ભારતના ઉત્તર વિભાગ સુધીના પ્રદેશો પર તેણે વિજય પ્રાપ્‍ત કર્યો હતો.
પિતા ફિલિપ-બીજો, ઉત્તરી યૂનાનમાં આવેલ મકદૂન નામની એક નાની જાગીરનો રાજા હતો. પરંતુ પોતાના પુરુષાર્થ વડે સમગ્ર યૂનાન પર પોતાનો અધિકાર જમાવી દીધો. ફિલિપની પૂરી જિંદગી યુદ્ધમેદાનો પર જ પસાર થઈ. પુત્ર સિકંદરના શિક્ષણ માટે એરિસ્ટોટલ જેવા મહાન દાર્શનિકોને ફિલિપે રોક્યા હતા.
સિકંદર ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી. ત્યાં સુધીમાં અનેક યુદ્ધો લડી તે અનુભવ મેળવી ચૂક્યો હતો. પોતે બહાદુર છે તેવી ખાતરી તેણે કરાવી આપી હતી. પોતાના સૈનિકોના સુખદુઃખમાં ભાગ લઈ હંમેશાં સૈનિકોના થઈને જ રહેવાની સિકંદરની વિશેષતાને કારણે સૈનિકોમાં તે ખૂબ જ આદરણીય બન્યો હતો. ગાદી પર બેઠા પછી, એક પછી એક દેશો જીતતો તે ઇજિપ્‍ત આવી પહોંચ્યો. ત્યાંથી ઈરાન પર વિજય મેળવી ત્યાંના રાજ્યકર્તા ડેરિયસ ત્રીજાને હાંકી કાઢી રાજકુમારી રુખસાના સાથે લગ્નસંબંધથી જોડાયો. ઇજિપ્‍તમાં ઍલેકઝાન્ડ્રિયા નામનું શહેર વસાવ્યું. એકસાથે વિદ્યાપીઠની સ્થાપના કરી.
ઉત્તર ભારત પર વિજય મેળવવાને લક્ષ્‍ય બનાવી વચ્ચેના પ્રદેશો જીતતો તે ઈ. પૂ. ૩૨૬માં પંજાબ સુધી આવી પહોંચ્યો. ત્યાંના રાજા પોરસે સિકંદરનો સામનો કરવા પ્રયત્ન કર્યો પરંતુ પોરસ હાર્યો. તેટલામાં ઈરાનમાં બળવો થયાના સમાચાર મળ્યા. બળવો દબાવવા તે ઈરાન જવા નીકળ્યો. સિંધુ નદીના મુખ આગળ થઈને તે ૩૦,૦૦૦ સૈનિકો સાથે બલૂચિસ્તાનના ભીષણ ઉત્તપ્‍ત રણમાંથી પસાર થયો. ત્યાંથી સખત ગરમી, ભૂખ અને તરસને કારણે તેના અરધા સૈનિકો મરણશરણ થયા છતાં બેબિલોન પહોંચ્યો. ત્યાં સખત દારૂ પીવાવાને કારણે આવી પડેલા તાવથી એકાએક ઈ. પૂ. ૩૨૩માં તે મરણ પામ્યો. તેના મૃત્યુ વિષે જોકે ભિન્ન ભિન્ન મત પ્રર્વતે છે. કોઈ કહે છે કે તાવની ‍બીમારી બાદ બેબિલોનના રાજમહેલમાં તે બળી મૂઓ. કોઈ કહે છે કે તેને ઝેર આપવામાં આવ્યું હતું તો કોઈ તેનું ખૂન થયું હતું તેવો અભિપ્રાય આપે છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular