‘ભાઈ‘ પરમાનંદ

http://gujarat-help.blogspot.com

ભાઈપરમાનંદ - નિર્વ્યાજ સેવા આચરનાર આર્યસમાજના દેવતાસ્વરૂપ
હિંદી નવયુવાનોમાં આગ ભડકાવનાર તરીકે અંગ્રેજી શાસકો ભાઈપરમાનન્દને ઓળખતા. સરકારે એમના પર મૂકેલા આક્ષેપો પુરવાર થયા ન હોવા છતાંય એમને ફાંસીની સજા ફરમાવવા સુધી એ સરકાર પહોંચી હતી. ગાંધીજીએ ઉપાડેલા અહિંસક આંદોલનોમાં એમણે સહકાર નહોતો આપ્‍યો છતાં લાલા લજપતરાય, લાલા હરદયાળ, વીર સાવરકર વગેરે એમના પ્રત્યે ઘણું માન રાખતા. કદી કોઈની સામે તેમણે બંદૂક કે છરીલાઠી ઉગામી સુદ્ધાં નહોતી કે નહોતી કોઈ ધાડ પાડી છતાં ગોરી હકૂમતે એમને કાળા પાણીની અમાનુષી યંત્રણામાં ઘકેલી દીધા હતા. કારણ એટલું જ કે આઝાદીના તલબગાર હિંદી નવજવાનોની સરગર્મીને એમણે જલતી રાખી હતી. દેશપ્રેમએમનો ગુનો હતો.
પંજાબના જેલમ જિલ્લાના કરિયાલા ગામમાં ભાઈ તારાચંદને ત્યાં ઈ. ૧૮૭૫માં એમનો જન્મ થયો હતો. દસમા શીખ ગુરુ ગોવિંદસિંહે ગાદીએ આવતાં પરમાનંદના વંશજને ખાસ યાદ કરીને બોલાવ્યા હતા અને ભરદરબારમાં એમને ભેટી પોતાના ભાઈ ગણી સન્માન્યા હતા. ત્યારથી એ પરિવારને ભાઈનું માનભર્યું સંબોધન મળેલું.
માતાની છત્રછાયા તો બચપણથી જ ગુમાવી હતી તેથી પિતાએ તેમનું લાલનપાલન કર્યું. પંજાબ યુનિવર્સિટીનો બી. એ. સુધીનો અભ્યાસ કરી એબટાબાદની હાઈસ્કૂલના આચાર્ય બન્યા. પછીથી એમ.એ. કરી લાહોરની દયાનંદ એન્ગલો વૈદિક કૉલેજમાં જોડાયા જ્યાં તેઓ માસિક પંચોતેર રૂપિ‍યાનું જ વેતન લેતા. ત્યાંથી તેઓ પૂર્વ આફ્રિકાના આર્યસમાજને સુર્દઢ કરવા ત્યાં ગયા. ઈ.૧૮૯૭માં જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં મહર્ષિ‍ દયાનંદના એક પ્રિય શિષ્‍ય અને ક્રાન્તિકારી શ્યામજી કૃષ્‍ણ વર્માના એ મહેમાન બન્યા હતા. અહીં રહીને તેમણે ઇસ્ટ ઇંડિયા કંપનીનાં દફતર તપાસ્યાં. દફતરોની હકીકત જોઈ ભારતમાં પ્રચલિત શિક્ષણપ્રણાલીને ધરમૂળથી બદલવાના તથા શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી હટાવવાના મતના તેઓ થઈ ગયા.
દરમિયાનમાં અંગ્રેજોનો સિતમ માઝા મૂકતો ગયો. સ્વદેશ આવી પ્રજામાં જાગૃતિ આણવા તેઓ દેશભરમાં ઘૂમ્યા. તીખાં ભાષણો અને તેમની પ્રવૃત્તિઓએ સરકારને ચમકાવી. ઈ. ૧૯૧૦માં એક પુસ્તક લખવા બદલ ત્રણ વર્ષ માટે દેશપાર કર્યા. હદપારીનો લાભ લઈ તે અમેરિકા ગયા. લાલા હરદયાળનો સાથ સાધ્યો અને ઔષધવિજ્ઞાન તથા મનોવિજ્ઞાનના વિષયોમાં ડૉક્ટરેટ મેળવી ભારત આવી સંગઠનકાર્યમાં ગળાડૂબ રહેવા લાગ્યા.લાહોર કાવતરાઅંગે તેમની ધરપકડ કરી તેમને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ આ સજા સામે દેશમાં ભારે ઊહાપોહ જાગતાં તેમને આજીવન કેદમાં રાખવાનું નક્કી કર્યું ઈ.૧૯૧૯માં દીનબંધુ ઍન્ડ્રૂઝની મદદથી તેઓ મુક્ત થયા.
ત્યારબાદ અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા. તે કાળે સ્થાપયેલી કૉંગ્રેસની વિચારસરણી પરમાનન્દને મંજૂર નહોતી. તેઓ કહેતા, ‘કૉંગ્રેસે અખત્યાર કરેલો માર્ગ જારી રહેશે તો દેશના ભાગલા પડી જશે.ખરેખર ભાગલા પડ્યા તે વખતે થયેલી કત્લેઆમથી પરમાનંદ વ્યથિત થયા. તે દહેરાદૂન ચાલ્યા ગયા. ત્યાં તેમની તબિયત બગડી. એમને જલંધર લઈ જવાયા. દેશના ભાગલાનો આઘાત જીરવવો એમને કઠિન થઈ પડ્યો. જીવવમાં હવે એમને કોઈ રસ નહોતો. એમણે હવે મૃત્યુનેં નોતરું દઈ દીધું. ૧૯૪૭ની આઠમી ડિસેમ્બરે એમનું અવસાન થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular