સ્વામી આનંદ

http://gujarat-help.blogspot.com

સ્વામી આનંદ - સંસ્કારત્યાગી સાધુ અને સાહિત્યકાર

http://www.gurjari.net/uploaded/gallery/vishva/swami-anand.jpgસૌરાષ્‍ટ્રના ઝાલાવાડમાં આવેલા શિયાણી ગામમાં, ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં ઈ. ૧૮૮૭માં રામચંદ્ર દવે (દ્વિવેદી)ને ત્યાં એમનો જન્મ. ત્યારનું એમનું નામ હિંમતલાલ. માતાપિતાએ ગોઠવેલા લગ્નની બેડીમાંથી છટકી તે કિશોરવયે ઘર છોડીને નીકળી ગયા હતા. ત્યારપછી સાધુસંતોનાં મંડળોમાં ફરતાં ફરતાં તે હિમાલયનાં પહાડી તીર્થસ્થાનોમાં ફરી વળ્યા હતા. તે દરમિયાન સાધુઓ અને યોગીઓના સંસર્ગમાં આવ્યા. તેઓ દેશની અનેક ભાષા બોલી શકતા હતા. જેવું શુદ્ધ ગુજરાતી તેવું જ મરાઠી પણ તે શુદ્ધ અને અસ્ખલિત રીતે બોલતા. હિંદી, બંગાળી પણ છૂટથી બોલતા. જેટલું તે સાધુ-સંન્યાસીમાં ફર્યા હતા તેટલું જ તે સ્વરાજના તીખા- તમતમતા જહાલ નેતાઓ અને પત્રકારોમાં પણ ભળ્યા હતા. ખુદ લોકમાન્ય ટિળકની સાથે પણ ઓળખાણ હતી. ટિળકનો ગ્રન્થ ગીતા રહસ્યતેમને એટલો ગમ્યો કે તેનું ગુજરાતી ભાષાંતર તેમણે કરી નાખ્યું.
ગાંધીજીએ નવજીવનસાપ્‍તાહિક ચલાવવાનું નક્કી કર્યું. પ્રેસનું કામ ચાલુ થયું પરંતુ ભારણ એટલું વધવા લાગ્યું કે પહોંચી વળાતું નહિ. આ ભીડને વખતે ગાંધીજીને સ્વામી આનંદ યાદ આવ્યા. ગાંધીજીએ એમને બોલાવી લીધા અને નવજીવન સાથે જોતરી દીધા. ઈ. ૧૯૧૯થી ઈ. ૧૯૨૨ સુધી એમણે નવજીવનઅને યંગ ઇન્ડિયાનું તંત્રસંચાલન કર્યું હતું. યંગ ઇન્ડિયામાં ત્રણ ઉગ્ર લેખો આવતાં સરકારે ગાંધીજીને, શંકરલાલ બેકરને અને સ્વામી આનંદને જેલ-સજા કરી હતી.
નાનપણથી જ સેવાવૃત્તિની મોહિની એમની પાસે હોવાથી તેઓ આત્મોન્નતિના અનેક પ્રસંગો સહેજે મેળવતા. દરેક પ્રસંગનો ભરપૂર લાભ લેવાની આવડત તેમનામાં પૂરેપૂરી હતી. બીજાનું દુઃખ જોઈ જેનું હ્રદય સહેજે પીગળે છે તેના જીવનમાં બહુ જલદીથી ક્રાન્તિ થાય છે. સ્વામી આનંદના રાજકારણનું રૂપાંતર ધાર્મિકતામાં થયું. અને મિત્રપ્રેમનો વિકાસ થઈ તેનું રૂપાંતર ગરીબોની દાઝમાં થઈ ગયું.
ધાર્મિક સાધના કરવા તે હિમાલય ગયા ત્યારે ગાયત્રી પુરશ્ચરણ કર્યું. તેમણે આમ નિવૃત્તિમાર્ગ તો સ્વીકાર્યો પણ પ્રવૃત્તિની કંબલ બાબાને છોડે તેવી નહોતી. અહીંની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. ધાર્મિક સાહિત્યનું અધ્યયન કરતાં કરતાં બંકિમચંદ્ર, એમર્સન, વૉલ્ટ વ્હિટમન, બિપિ‍નચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, લાજપતરાય, હરદયાળ વગેરેનું અને વગેરે વિષેના સાહિત્યનું મનન કર્યું. કુમાર સ્વામી, ભગિની નિવેદિતા, વિવેકાનંદ અને રામતીર્થનાં લખાણોનું અનેક વાર પારાયણ કર્યું. ઈ. ૧૯૨૮ની બારડોલી લડતમાં તેમણે સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કર્યું. ઈ. સ. ૧૯૩૦માં મીઠાસત્યાગ્રહમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવ્યો. ઈ. ૧૯૪૫થી ૧૯૪૭માં દક્ષિ‍ણ ગુજરાતના આદિવાસીઓની સેવા કરી. ભારતના ભાગલા પડતાં હિમાલયમાં આલ્મોડા અને કૌસાનીમાં આશ્રમ સ્થાપીને રહ્યા.
તેમની પ્રતિભા જબરદસ્ત હતી. તેમનું વ્યક્તિત્વ તેજસ્વી, સમૃદ્ધ અને પ્રજ્ઞાવંત હતું. પ્રાણવાન અને પ્રવાહી ગદ્યના તેમજ સંમોહક શૈલીના તે સ્વામી હતા. વિસ્મયતા એ છે કે સ્વામી આનંદે શાળા-કૉલેજમાં ગયા વગર આ સિદ્ધિ મેળવી હતી. પોતે લખે છે, ‘ઉમર આખી મેં કંઈ ને કંઈ આછુંપાતળું લખ્યું પણ કશું ગ્રન્થસ્થ કરવા ન દીધું. મારો વેપલો વગર મૂડીનો. મૂળે હું અભણ. બચપણથી જ ઘેરથી ભાગી સારા-નરસા સાધુ-બાવાઓની દુનિયામાં ખોવાઈ ગયેલો. સાધુની જમાતે મને બે નરવા સંસ્કાર આપ્‍યા. એક એ કે વિદ્યા વેચાય નહિ અને બીજો સંસ્કાર સાધુ દો રોટી અને એક લંગોટીનો હકદાર. એથી વધુ સમાજ પાસેથી તે લે તે અણહકનું, હકબહારનું. સ્વામી આનંદ કહેતા, ‘અસંખ્ય સ્વજનો, મિત્રો, જિવવગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઓદ્ધાર કરવાના લહાવા-ઓરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્‍લૅટફારમ પર બેસી રહ્યો છું. પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.
ઈ. ૧૯૭૬ના જાન્યુઆરીની ૨૫મી તારીખે ૮૯ વર્ષની વયે એ કમબખત ગાડી આવી અને મુંબઈમાં હ્રદયરોગના હુમલાથી અવસાન થયું. ગાંધીજીના સહવાસમાં સેવાધર્મના દીક્ષિ‍ત બનેલા સ્વામી જિંદગીના આરંભકાળે અભણ અને અબુધ હતા. તપશ્ચર્યા કરી કરીને તેઓ અનાસક્ત, અપરિગ્રહી, જ્ઞાની અને પ્રબુદ્ધ થયા. પોતાનાં તપ, તેજ તથા સકલ ‍સંધ્ધિઓનો સમાજને પૂરેપૂરો લાભ આપીને તેના ઉઋણ થઈને પરલોકે સંચર્યા.
એમનું ગદ્ય ઘડાયેલું ગદ્ય છે. તેના ઘડતર પાછળ જીવનનો એક વ્યાપક અને વિરાટ, ઊંડો અને અખિલાઈભર્યો અનુભવ પડ્યો છે. તેમણે અનેક પાત્રો અને અનેક પરિસ્થિતિઓ વિષે લખ્યું છે. ભાષણની ભાષા એવી કે વાતાવરણ અને એ વાતાવરણમાં વસતાં પાત્રો પ્રમાણે તમામ છટાઓ વ્યક્ત થાય.




No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular