http://gujarat-help.blogspot.com/
લતા મંગેશકર :

સંગીતકલાની દેન આનુવંશિક હોઇ શકે એ સત્ય સ્વીકારીએ તો મંગેશકર ભાઈબહેનોને (લતા, મીના, આશા, ઉષા અને હ્રદયનાથને) એ દેન પિતા દીનાનાથ મંગેશકર તરફથી મળી છે એમ કહી શકાય. ગોવાના મંગેશી ગામમાં લતાના વડવાઓ વસતા હોવાથી તે કુટુંબ ‘મંગેશકર‘ તરીકે ઓળખાયું. દીનાનાથ રંગભૂમિના અને પછીથી રજતા પર્દાના કલાકાર. પણ કળાકારને વળગી શકે એટલાં વ્યસનો દીનાનાથને હતાં. તેમાં તબિયત અને પરિવાર પાયમાલ થયાં. મરણપથારીએથી દીનાનાથે ૧૨ વર્ષની બાલિકા લતાને બોલાવી વારસમાં તાનપૂરો, સ્વરલિપિ અને મંગેશીના આશીર્વાદ આપ્યા અને આંખો મીંચી.
પુત્રી લતાની આવડત પિછાણી દીનાનાથે બચપણથી જ તેને સંગીતની તાલીમ આપી. ગાયનઅભિનયમાં પણ લતાને નાનાપણથી જ રસ. દલસુખ પંચોળીના ‘ખજાનચી‘ ચિત્રના નિર્માતાઓએ એક સંગીત હરીફાઈ યોજી. લતાએ તેમાં ભાગ લીધો. તે સ્પર્ધામાં લતાને પ્રથમ સ્થાન મળ્યું. આ પરિણામથી લતાને ફિલ્મ-સંગીત ગાવાની તક સાંપડી. તેનું પ્રથમ ગીત ઈ. ૧૯૪૭માં બનાવાયેલા ‘આપકી સેવામેં‘માં હતું. પિતાના મૃત્યુ થતાં છ વર્ષ માસિક ૮૦ રૂપિયા પગારે પણ તેણે ‘પ્રફુલ્લ મુવિટોન‘માં નોકરી સ્વીકારી. લતાને અભિનયકલા પ્રત્યે અણગમો હોવા છતાં આ સમય દરમિયાન ફિલ્મોમાં તેમણે નાનીમોટી ભૂમિકા કરવી પડતી. ઈ. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. લતાને કામ અપાવનાર માસ્ટર વિનાયકનું મૃત્યુ થયું અને લતા ફરીથી બેકાર બની.
બીજી નોકરી માટે પ્રયત્ન કર્યા પણ દૂબળી-પાતળી, શીતળાનાં ચાઠાંવાળી, શ્યામવર્ણી છોકરીનો હાથ કોણ પકડે ? પરંતુ ‘મજબૂર‘નું એક ગીત ગાવાની તક લતાને સાંપડી. એ ગીતથી એ ચિત્રે સુવર્ણજ્યંતી ઊજવી અને લતાનું ભાગ્ય પલટ્યું. ઈ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૨૮મી તારીખે જન્મેલી લતાએ હવે ‘પૈસા‘ બનાવવાની શરૂઆત કરી. સવારથી સાંજ સુધી રોજ ક્યાંક ને ક્યાંક ધ્વનિમુદ્રણ માટે જવાનું હોય જ. ઘરના સૌને તેણે સમૃદ્ધિથી તરબતર કર્યા પણ પોતે જે શ્વેત કપડાં પહેરતી તેનો રંગ તેણે બદલ્યો જ નહિ. જૂના સમયની સાદાઈથી જ આજે જીવે છે. ગાયનથી અનન્ય લોકપ્રિયતા મેળવી એમણે જીવનમાં ઘણી ધન્ય પળો અનુભવી છે. દિલ્હીમાં માનવ-મહાસાગર સમક્ષ તેણે ‘અય મેરે વતન કે લોગોં‘ ગાયું અને પંડિત નહેરુની આંખમાં અશ્રુ આવી ગયા. ‘તીન મૂર્તિ‘નું આમંત્રણ મળ્યું અને ઇંદિરા ગાંધી સાથે પરિચય થયો.
ઈ. ૧૯૪૭થી શરૂ થયેલી તેમની યશોગાથા અવિરત ચાલુ રહી છે. અત્યાર સુધીમાં ચાળીસ હજારથી વધુ ગીતો ધ્વનિમુદ્રિત થયાં છે. કોઈ પણ ગામ કે દેશમાં વસતા ભારતીયને પોતાના સંગીતથી આનંદ આપી લતા મંગેશકરે પોતાનું જીવન સાંસ્કૃતિક ર્દષ્ટિએ વધુ સમૃદ્ધ બનાવ્યું છે. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ‘નું બિરુદ આપ્યું છે. તિરુપતિક્ષેત્રે દેવસ્થાનની માનનીય ગાયિકા તરીકે એમની નિમણૂક કરી છે. ઈ. ૧૯૮૯માં તેમને દાદા ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પાર્શ્વગાયિકા તરીકે તેર વર્ષની ઉંમરે શરૂ કરેલ કારકિર્દી, આજે પચ્ચાસ વર્ષથી પણ વધુ વર્ષથી, તેમણે વધુ ઉજ્જવળ અને યશસ્વી બનાવી છે. હિંદી ઉપરાંત એમણે ઉર્દૂ, મરાઠી, ગુજરાતી, તમીલ, તેલુગુ, કન્નડ, પંજાબી, બંગાળી, અસમિયા, ઉડિયા, મઘાઈ-મારવાડી, ભોજપુરી, સંસ્કૃત, મૈથિલી, કોંકણી, નેપાળી, સિંહાલી વગેરે ભાષામાં ગીતો ગાયાં છે. ઈ. ૧૯૯૬માં તેમને પ્રથમ ‘આદિત્ય બિરલા કલા-શિખર ઍવૉર્ડ‘ એનાયત કરાયો હતો. ઍવૉર્ડ અર્પણ કરતાં મહારાષ્ટ્રના ગવર્નરે કહ્યું હતું, ‘લતા ભારતીય સંગીતનાં એકમાત્ર નિર્વિવાદ અને બિનહરીફ રાણી છે.‘
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site