http://gujarat-help.blogspot.com/
પંડિત જસરાજ

પંડિત જસરાજનો જન્મ હરિયાણા રાજ્યના હિસાર ખાતે ઈ. ૧૯૩૦ના જાન્યુઆરી માસની ૨૮મી તારીખે થયો હતો. પિતાનું નામ મોતીરામજી. મોતીરામજી પોતે ઉત્તમ કોટિના ગાયક હતા. જસરાજનાં ધર્મપત્નીનું નામ મધુરા.
મધુર સંગીતના વારસાગત સંસ્કાર મેળવનાર જસરાજજીએ સંગીત-સાધનામાં પ્રથમ સ્થાન તબલાને આપ્યું હતું. સૌપ્રથમ તેમણે તબલાથી તાલીમ લીધી અને પોતાના મોટા ભાઈ મણિરામજી સાથે સંગીતકાર્યક્રમોમાં તબલાંની સંગત આપવાથી તેમણે શરૂઆત કરી. તબલાં બજાવતાં બજાવતાં તેઓ જોઈ શક્યા કે ગાયકનું સ્થાન તબલાવાદક કરતાં ઊંચું હોય છે. અલબત્ત નીવડેલા તબલાવાદક તરીકે તેમણે વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર જેવા ખ્યાતનામ કલાકારોને તબલાની સંગત આપી હતી પરંતુ જ્યારે સંગીતકાર અને તબલાવાદકના સ્થાન વચ્ચેનો ભેદ પારખ્યો કે તરત જ વડીલબંધુ મણિરામજીને ગુરુસ્થાને સ્થાપ્યા અને સંગીતની તાલીમ શરૂ કરી. ઈ. ૧૯૪૫ થી કરી દસ વર્ષ માટે જસરાજજીએ સંગીતની કઠિન સાધના કરી. તેમનું મનોબળ ર્દઢ હોવાથી તેઓ ભારતના શ્રેષ્ઠ ગાયક-કલાકારોમાં સ્થાન મેળવી શક્યા.
ઈ. ૧૯૫૨માં નેપાળની રાજધાની કાઠમાંડુમાં નેપાલનરેશ મહારાજા ત્રિભુવન વિક્રમની સમક્ષ તેમણે સંગીત-કાર્યક્રમ આપ્યો. આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ. ઈ. ૧૯૫૪માં મુંબઈ ખાતે તેમણે એક જાહેર સંગીત-કાર્યક્રમ યોજ્યો હતો. ભારત ખાતે જાહેર સંગીતનો જસરાજજીનો આ પ્રથમ કાર્યક્રમ. પંડિત રવિશંકર ‘કિન્નરી‘ નામની એક સંસ્થાનું સંચાલન કરતા હતા. આ સંસ્થાની નિશ્રામાં ઈ. ૧૯૬૩માં પંડિત જસરાજે એક વિશેષ કાર્યક્રમ યોજ્યો� હતો.
જસરાજજીની આસિયત છે કે અન્ય ઘરાનાની સ્વીકાર્ય ચીજ અપનાવવી અને તેને આધારે પારંપરિક ગાયકી રજૂ કરવી. તેમની આગવી લાક્ષણિકતાઓમાં ગાયનશૈલીમાં વિલંબિત લય, ગમકની તાનો, સ્વરની તાનો, ખ્યાલમાં સાહિત્યની ર્દષ્ટિએ સુંદર બંદિશો ગણાય છે.
પોતાની જાતને તેઓ સાણંદના ઠાકોરસાહેબના માનસ-પુત્ર માને છે. આથી પોતાની બંદિસોમાં ઠાકોરસાહેબની કૃતિઓ પ્રસ્તુત કરતા રહે છે. ‘જયવંત તોડી‘ નામના રાગની જસરાજજીએ કરેલી નૂતન રચના એ ઠાકોરસાહેબને શ્રદ્ધાંજલિ રૂપે જ છે. તેમણે રચેલી સર્જનાત્મક કૃતિઓમાં ‘ગીતગોવિંદમ્‘, ‘સૂર-લય-છંદ‘, ‘સૂરપદાવલિ‘ તથા ‘સંગીત-સૌરભ‘ને મુખ્ય ગણાવી શકાય.
પિતાજી મોતીરામજીના નામને અંજલિ આપવા ખાતર જસરાજજીએ ‘પંડિત મોતીરામજી સંગીત અકાદમી‘ની સ્થાપના કરી છે. આ અકાદમીનું સંચાલન જસરાજજીનાં પત્ની મધુરા કરે છે જે પોતે પણ સંગીતના અચ્છાં જાણકાર છે.
જસરાજનો શિષ્યવર્ગ ખૂબ જ બહોળો છે. આ સમુદાયમાં સંજીવ અભ્યંકર, અનુરાધા પૌંડવાલ, આસિત દેસાઈ, શ્વેતા ઝવેરી અને નીરજ પરીખ મુખ્ય છે.
ઈ. ૧૯૭૫માં ભારત સરકારે જસરાજજીને ‘પદ્મશ્રી‘ થી અને ઈ. ૧૯૯૦માં ‘પદ્મભૂષણ‘થી સન્માનિત કર્યા છે. હરિયાણા સરકાર તરફથી ‘સંગીત માર્તન્ડ‘નો ખિતાબ, વૃંદાવન તરફથી ‘સ્વામી હરિદાસ સંગીત રત્ન‘ તથા ભોપાલ તરફથી ‘કલારત્ન‘ જેવી ઉપાધિઓ તેમને આપવામાં આવી છે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site