માતાજી (મીરાં અલ્ફોન્ઝે)


માતાજી (મીરાં અલ્ફોન્ઝે) - મહર્ષિ અરવિંદની પટ્ટશિષ્‍યા અને સહકાર્યકર્ત્રી‍
માનવોનાં દુઃખો અજ્ઞાનને લઈને છે. એ દૂર કરવા કરુણાશક્તિ જાગ્રત કરવી પડે. પ્રભુ વિનાનું જીવન શુષ્‍ક અરણ્ય જેવું છે.આવું ભાન એક અસામાન્ય વિચિત્ર બાલિકાને થતું. સાધનાપથ દર્શાવનાર કોઈ નહિ, અને પોષક વાતાવરણેય નહિ છતાં પાંચ વર્ષની ઉંમરે તેને અજબ અનુભૂતિઓ થતી. તે બાલિકાનું એક સ્વપ્‍ન હતું, ‘બની શકાશે તો હું એક નાનકડી દુનિયા રચવાનો પ્રયત્ન કરીશ. સાચે જ નાનકડી દુનિયા કે જ્યાં લોકો અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને જીવનની અન્ય અનિવાર્ય જરૂરિયાતોથી ચિંતામુક્ત બની આંતરિક સિદ્ધિ પ્રત્યે વળે.આ સ્વપ્‍નને સિદ્ધ કરનાર, અરવિંદના પૂર્ણ યોગને પ્રકાશમાં લાવનાર માતાજી નારી દેહે શકિતરૂપે પૃથ્વી પર અવતર્યાં હતાં.
તેમનો જન્મ ઈ. ૧૮૭૮ના ફેબ્રુઆરીની ૨૧મી તારીખે ફ્રાન્સના પેરિસમાં એક ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. તેમનું નામ મીરાં. અટક હતી અલ્ફોન્ઝે. માતા ભૌતિકવાદી અને પિતા વેપારી. તેમનું શૈશવ અન્ય બાળકો કરતાં અસમાન્ય હતું. માતાપિતાએ એને નાનકડી ખુરશી કરાવી આપી હતી. પાછળ ટૂંકી પીઠ હતી. મીરાં એ ખુરશીમાં બેસતી. ક્યારે ધ્યાનમગ્ન થઈ જતી. મસ્તક ઉપર પ્રકાશનો એક સ્તંભ દેખાતો. બાળ-મગજ એ સમજવા મથતું પરંતુ કશું સમજાતું નહિ. કોઈક મહાન કાર્ય માટે પોતે જન્મી છે એટલે તેને ખાતરી થઈ.
ક્યારેક કોઈક અજબ શકિત પોતાનામાં પ્રવેશતી હોય અને કામ કરતી હોય એવું પણ લાગતું. એ શક્તિ પોતાનું જ કોઈ અજ્ઞાત રૂપ છે એમ લાગતું. એક વાર મીરાં નજીકનાં પહાડી જંગલોમાં બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. સૌ એક સીધી ટેકરી ચઢતાં હતાં. ઠીક ઠીક ઉપર ચઢી ગયાં ત્યાં મીરાંનો પગ લથડ્યો. તે વેગથી નીચે પડવા લાગી. નીચે તો હતા કાળાધબ્બ પથ્થરો ! મીરાં ભફાંગ દઈને પડી. બહેનપણીઓએ આંખે હાથ દઈ ચીસ પાડી. પણ મીરાં તો એકદમ ઊભી થઈને કપડાં ખંખરવા લાગી. પાછી ટેકરી ચઢી સખીઓ ભેળી થઈ ગઈ. સૌને આશ્ચર્ય થયું. કેવો સુખદ અકસ્માત ! વર્ષો પછી આ પ્રસંગે થયેલા અનુભવની એમણે વાત કરી. પડતાં પડતાં મને થતું હતું. કે જેવી પડી કે તરત જ કોઈકે મને ધીમેથી પોતાના ખોળામાં લીધી છે. મને ઢબૂરીને એ સરસરાટ નીચે ઊતરી રહ્યું છે.
મીરાંને આમ અકલ્પ્‍ય શકિતની પ્રતીતિ થયા પછી સંરક્ષણની પ્રતીતિ એમને સમતત થતી રહી. ૧૩ વર્ષની ઉંમરે આ કિશોરીને માનવચેતના દ્વારા થતા પ્રભુકાર્યમાં કોઈ શંકા ન રહી. એમણે એને જીવનકાર્ય ગણી લીધું. એને ખાતરી થઈ કે નિદ્રા દરમિયાન તેને સાધના-શિક્ષણ મળી રહ્યું છે.
આવી અનુભૂતિઓ દરમિયાન એમને કેટલાક માર્ગદર્શકો પણ દેખાતા. તેમાંના એક જે સતત દેખાતા એમને તે શોધી શકેલી નહિ. તેમણે તેને કૃષ્‍ણનામ આપ્‍યું હતું. પોતાના આ કૃષ્‍ણને શોધી કાઢવા એ કાર્યને એમણે જીવનકાર્ય લેખ્યું હતું.
મીરાંએ અભ્યાસ ઉપરાંત સંગીત અને ચિત્રની તાલીમ લીધી હતી. મીરાં યુવતી બની. એ સાથે પેલો માર્ગદર્શક આકાર વધુ ને વધુ દેખાવા લાગ્યો. એ ચિત્રકાર હતી તેથી પોતાના આ કૃષ્‍ણનું એક રેખાચિત્ર તેણે આંક્યું. બાવીસથી બત્રીસેક વર્ષની ઉંમર દરમિયાન તે રીતસર ગૂઢવિદ્યાની અભ્યાસી બની. તે ખાતર તે અલ્જિરિયા ગઈ. ત્યાં ગૂઢવિદ્યાની સાધના ચાલી. આ ગાળા દરમિયાન તેમણે ભારત વિષે જાણવા માંડેલું. એ ભૂમિ પ્રત્યે તેમને અજબ આકર્ષણ પ્રગટ્યું ઈ. ૧૯૨૦માં તેમણે સાંભળ્યું કે પોંડીચેરીમાં કોઈ શ્રી અરવિંદ નામે યોગી વસે છે. તેના ચિત્તે પડઘો પાડ્યો, ‘એ જ મારા કૃષ્‍ણ તો નહિ ?‘
મીરાંનું પ્રથમ લગ્ન મોડિસે સાથે અને બીજું લગ્ન પૉલ રિચાર્ડ સાથે થયું. રિચાર્ડને ઘર્મ, તત્વજ્ઞાન અને ગૂઢ વિદ્યામાં જીવંત રસ હતો. મીરાંનું કાર્ય આથી વેગીલું બન્યું. ફ્રેંચ સેનેટમાં ચૂંટાવા માટે રિચાર્ડ જ્યારે પોંડિચેરી આવ્યા ત્યારે મીરાંએ તેમની સાથે એક સોલોમન્સ સીલ‘ (યોગચક્ર) દોરી મોકલ્યું. જો એ જ તેનો રાહબર હશે તો તરત જ એ ઓળખી જશે. આમ, મીરાંને પોતાના કૃષ્‍ણભારતની ભૂમિ પર મળી ગયા.
હવે તેમણે અરવિંદની સાથે રહી પોતાનું અધૂરું કાર્ય આગળ વધાર્યું. ત્યાં તેમને અધિમનસની સૃષ્ટિની અનુભૂતિ થઈ. અરવિંદના દેહવિલય પછી તેમણે આદરેલું અધ્યાત્મકાર્ય પોતાની બધી શકિત કામે લગાડી જારી રાખ્યું એમનું સ્વપ્‍ન હતું એક કલ્યાણગ્રામ‘, એક ઉષાનગરીનું નિર્માણ કરવાનું. તેઓ એ કામ પાછળ લાગી ગયાં.
ઈ. ૧૯૭૩ના નવેમ્બરની ૧૭મી તારીખે સંધ્યારાણી જ્યારે પોતાના સ્નેહભર્યા કર ધરતી પર ફેરવી વાત્સલ્યનાં અમીઝરણાં વહેવડાવી રહ્યાં હતાં ત્યારે સાત વાગે માતાજીએ પોતાની જીવન-સંધ્યાનાં તેજ સંકેલી લીધાં. જ્યોતિ મહાજ્યોતિમાં વિલીન થઈ ગઈ.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular