ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ


http://gujarat-help.blogspot.com/


ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ

 

ગુજરાતી ફિલ્‍મ જગતના ઇતિહાસ પર નજર નાંખતા તેનાં ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતાં નથી. ભારતીય ફિલ્‍મ જગતનાં ઇતિહાસની જેમ ગુજરાતી ફિલ્‍મનો ઇતિહાસ પણ ભવ્યતિ ભવ્‍ય છે. તેમાં ઘણાં નાના-મોટા કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે. 
ગુજરાતી ફિલ્‍મ જગતની સફરનો શુભારંભ ઇ.સ. ૧૯૧૭માં બનેલી મૂક ફિલ્‍મ - શેઠ સગાળશાથી થાય છે. જો કે, એ સમયે પ્રિન્ટ કાઢવાની નિષ્‍ફળ પ્રક્રિયાના કારણે શેઠ સગાળશા દર્શકો સુધી પહોંચી શકી નહીં. ત્‍યાર બાદ ફક્ત ત્રણ વર્ષના ગાળામાં અનુક્રમે શ્રી કૃષ્‍ણ-સુદામાં (૧૯૨૦) કાનજીભાઇ રાઠોડ અભિનીત - નરસિંહ મહેતા (૧૯૨૦) ગુજરાતી મૂક ફિલ્‍મો રૂપેરી પડદે આવી અને આ ફિલ્મોને ગુજરાતી દર્શકોએ સહર્ષ સ્વીકારી. ત્યાર બાદ થોડા વર્ષોમાં ભક્ત વિદુર (૧૯૨૧- ભારતની સર્વપ્રથમ રાજકીય ફિલ્‍મ, જેના પર રાજકીય કારણોસર પ્રતિબંધ આવ્યો હતો)નું આગમન થયું. 
પછીના વર્ષોમાં રોમાંચ અને રહસ્યથી ભરપૂર કાળો નાગ, મનોરમા (૧૯૨૩), સમુદ્રમંથન (૧૯૨૪) આવી. અને ત્‍યાર બાદ નરસિંહ મહેતા, સતી સાવિત્રી, ફાંકડો ફિતૂરી, રાણકદેવી, ભક્ત સુરદાસ, મીરાબાઇ, કુંવર બાઇનું મામેરું, જેસલ-તોરલ વગેરે સામાજિક યાદગાર ફિલ્મો થકી ગુજરાતી ફિલ્‍મ જગતનો પાયો વધુ મજબૂત થયો. 
ગોવર્ધનરાય ત્રિપાઠીની નવલકથા પર બનેલી સ્‍વચ્‍છ સામાજીક ફિલ્‍મ ગુણસુંદરીએ ગુજરાતી સિનેમાં પર પોતાનો જાદુ ચલાવીને ગુજરાતી ફિલ્‍મ જગતમાં ઇતિહાસ રચીને અભુતપૂર્વ સફળતા મેળવી. ત્‍યાર પછીના વર્ષોમાં ગુજરાતી પ્રજાને કરિયાવર, અખંડ સૌભાગ્યવતી, મહેંદી રંગ લાગ્યો, કંકુ જેવી ફિલ્‍મોએ ગુજરાતની સંસ્‍કૃતિને ઉજાગર કરી.
ગુજરાતી ફિલ્‍મોમાં કાનજીભાઇ રાઠોડ, નિરૂપારોય, આશા પારેખ, દિના પાઠક, સંજીવ કુમાર, કિરણ કુમાર, ઉપેન્‍દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, મંજરી દેશાઇ, નરેશ કનોડિયા, પલ્‍લવી મહેતા, સ્‍નેહલતા, કિરણ કુમાર, અરૂણા ઇરાની, અસરાની, રીટા ભાદુરી, હિતેન કુમાર, રોમા માણેક વગેરેએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. 
ગુજરાતી ફિલ્‍મ એંગ્રી યંગ વુમન તરીકે અરૂણા ઇરાનીની ગણના કરવામાં આવે છે. હિન્‍દી ફિલ્‍મોમાં અરૂણા ઇરાની હિરોઇન તરીકે સફળ ન થઇ પરંતુ ગુજરાતી ફિલ્‍મો થકી દર્શકોનો તેમને સારો પ્રતિસાદ મળ્યો છે. 
જેમ હિન્‍દી ફિલ્‍મોમાં રાજ-નરગીસ, દેવ-વહીદા, દેવ-સુરૈયા, અમિતાભ-રેખા, જીતેન્‍દ્ર-શ્રીદેવી, આમીર-જુહી અને શાહરૂખ-કાજોલની જોડી ફેવરીટ છે તેમ ગુજરાતી ફિલ્‍મમાં પણ એક સમયે ઉપેન્‍દ્ર ત્રિવેદી-સ્‍નેહલતાની જોડી સુપર હીટ હતી. તેમને બંનેએ મળીને ગુજરાતી ફિલ્‍મ જગતને ઘણી યાદગાર ફિલ્‍મો આપી. તેમના જેટલી ફિલ્‍મો અન્‍ય જોડીઓએ ગૉલિવુડને આપી નથી. 
નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્‍મ જગતમાં પ્રવેશ કરીને સ્‍નેહલતા સાથે જોડી બનાવીને ક્યારે ઉપેન્‍દ્ર ત્રિવેદીનું સ્‍થાન લઇ લીધું તેની ખબર ગુજરાતની પ્રજાને ન પડી. સ્‍નેહલતા અને નરેશ કનોડિયાની જોડીએ પણ ગુજરાતી સિનેમામાં ઘણી સુપર ડુપર હીટ ફિલ્‍મો આપી છે. ત્યાર બાદ અન્ય કલાકારો પણ આવ્યાં પરંતુ તેઓ ઉપેન્‍દ્ર-સ્‍નેહલતા કે નરેશ-સ્‍નેહલતા જેવું ટ્યુનિંગ અન્‍ય કોઇ જોડી કલાકારમાં જોવામાં ન મળ્યું. 
કદાચ આ જ કારણે ગુજરાતી ફિલ્‍મોનાં કપરા દિવસો આવ્યાં. છેલ્‍લા ૧૦-૧પ વર્ષોમાં આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી ‍ગુજરાતી ફિલ્‍મો દર વર્ષે રૂપેરી પડદે રજૂ કરવામાં આવી. આ ફિલ્મો કયારે રજૂ થાય છે અને ક્યારે જતી રહે છે તેની લોકોને જાણ સુધ્ધા થતી નથી. આ સમયમાં બે એવી ફિલ્‍મો આવી જેનો અત્રે ઉલ્‍લેખ કરવો અનિવાર્ય છે. આ ફિલ્મ છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' અને 'બાપા સીતારામ' - આ ફિલ્‍મો ટીકીટ બારી પર ટંકશાળ સા‍બીત થઈ હતી. પરંતુ અન્ય કોઇ ખાસ ફિલ્‍મો આ સમય દરમિયાન આવી નથી.
સમિક્ષકોના મતે બોલીવુડના કારણે ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગ મંદ થયો છે. પરંતુ ખરેખર કારણ કંઇક અલગ છે. ગુજરાતની જે ફિલ્‍મો સફળ થઇ છે તેની કથાવસ્‍તુ પર દૃષ્‍ટી નાખીએ તો જાણવા મળે છે કે, તે પૈકીની મહત્તમ ફિલ્‍મોનું કથાનક પૌરાણિક અને સામાજીક છે. તેમની પટકથા સબળ અને સંગીત સુમધુર હતું. જ્યારે આજના સમયમાં એક પણ પૌરાણિક કથા એવી નથી રહી કે જેમના પરથી ફિલ્‍મ આવી ન હોય. જો આજે પણ ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, હોથલ પદમણી, જેસલ તોરલ, પંખીનો માળો, હિરણને કાંઠે, ઢોલા મારૂ, પારકી થાપણ, ગંગા સતી, મેરૂ માલણ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા..... ના ગીત-સંગીત જેવા સુમધુર હતાં તેવું કર્ણપ્રિય સંગીત મળે તો તે ફિલ્‍મને ગુજરાતી દર્શકો જરૂરથી વેલ કમ કહેશે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular